Dakshin Gujarat

ટીચકપુરાના જમીન કૌભાંડી પંકજ પાલાને હાઈકોર્ટમાંથી પણ પછડાટ મળી

વ્યારા: (Vyara) ટીચકપુરાના આદિવાસીની જમીનમાં કૌભાંડ (Land Scam) કરનાર પંકજ પાલાને હવે હાઈકોર્ટમાંથી (High Court) પણ મોટી પછડાટ મળી છે. વ્યારાના બાલકૃષ્ણ જ્વેલર્સના પંકજ પાલાએ તાપી કલેકટર દ્વારા ટીચકપુરાના બ્લોક નં.36માં 73એએની શરતોનો ભંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાથી આ જમીનમાં એનએની મંજૂરી રદ કરી દેવા માટે આપેલી નોટિસને રદ કરી દેવા માટે હાઈકોર્ટમાં દાદ માંગી હતી પરંતુ હાઈકોર્ટએ આ અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા જે રીતે પંકજ પાલાની અરજીને નામંજૂર કરવામાં આવી છે તે જોતાં આ જમીન કૌભાંડ થયું હોવાનું હવે દરેક સ્તરે માનવામાં આવી રહ્યું છે.

ટીચકપુરાની આ જમીનમાં પંકજ પાલા દ્વારા આદિવાસીની જગ્યા હોવા છતાં પણ તેને ઔદ્યોગિક હેતુ માટે એનએ કરાવીને બાદમાં તેની પર કોમર્શિયલ બાંધકામ કરી દીધું હતું. આ ઉપરાંત પાલા પરિવારે જગ્યામાં ગેરકાયદે રીતે મલ્ટિપ્લેક્ષ અને સાથે સાથે ગેરકાયદે હોટલ દર્શન પણ ઊભી કરી દીધી હતી. પંકજ પાલાએ ઔદ્યોગિક હેતુ માટે જમીન લીધી હોવા છતાં પણ તેના પર કોઈ જ ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરી નહોતી. પાલા દ્વારા કોમર્શિયલ બાંધકામ કરીને લાખો રૂપિયાનો નફો કરવા માટે આ કૌભાંડ કર્યું હોવાથી આ કૌભાંડ ઉઘાડું પડી જતાં તાપી કલેકટર દ્વારા આ જગ્યાની એનએ મંજૂરી રદ કરી દેવા માટે અને તેની સુનાવણી માટે તા.7મી એપ્રિલના રોજ કલેકટર સમક્ષ હાજર રહેવા માટે પંકજ પાલાને નોટિસ આપવામાં આવી હતી.

આની સામે પંકજ પાલાએ પોતાના એડવોકેટ કિર્તીદેવ દવે મારફત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં પંકજ પાલાએ તાપી કલેકટરની નોટિસને રદ કરી દેવા માટે માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટમાં સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે કલેકટર દ્વારા સુનાવણી માટે તક આપવામાં આવી જ હોય ત્યારે તાપી કલેકટરની નોટિસ ફગાવી દેવાનો કોઈ પ્રશ્ન નથી. પંકજ પાલા કલેકટર સમક્ષ જઈને સુનાવણીમાં હાજર રહી શકે છે. સરકારી વકીલની દલીલોને પગલે પંકજ પાલાની અરજી અપરિપકવ હોવાનું માની હાઈકોર્ટ દ્વારા પણ તેની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે, પંકજ પાલા દ્વારા જે મલ્ટિપ્લેક્ષ સિનેમા ઊભું કરવામાં આવ્યું છે તે કોઈપણ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં આવતું નથી. તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા પણ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મલ્ટિપ્લેક્ષ સિનેમાને કોઈપણ રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ગણી શકાય નહીં. આ ઉપરાંત હોટલ દર્શનનું બાંધકામ પણ બાંધકામ માટેના પ્લાનમાં દર્શાવવામાં આવ્યું નથી. જેને પગલે પંકજ પાલા દ્વારા લાખો રૂપિયાનું આ જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. આગામી દિવસોમાં ગેરકાયદે દર્શન હોટલ તોડી પાડવામાં આવશે તે નક્કી છે.

Most Popular

To Top