Sports

ચાલુ મેચમાં ઋષભ પંતે બચાવી વિરાટ કોહલીની ઈજ્જત, વીડિયો

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ (INDvsBAN) વચ્ચે બાંગ્લાદેશના ચત્તગાંવમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ (Test) મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે (Bangladesh) 513 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા 6 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે. બાંગ્લાદેશ હજુ ટાર્ગેટથી 241 રન પાછળ છે. જ્યારે ભારતને (India) છેલ્લાં દિવસે જીતવા માટે 4 વિકેટની જરૂર છે.

મેચના ચોથા દિવસે બાંગ્લાદેશના ઓપનીંગ બેટ્સમેનોએ મક્કમ શરૂઆત કરી હતી. બાંગ્લાદેશના ઓપનર ઝાકીર હસને (Zakir Hasan Century) સદી ફટકારી હતી. તો નઝમુલ હૌસેન શાંતોએ મહત્ત્વપૂર્ણ 67 રન બનાવ્યા હતા. જોકે, ઓપનીંગ જોડી તૂડ્યા બાદ બાંગ્લાદેશના અન્ય કોઈ બેટ્સમેન ઝાઝું ટકી શક્યા નહોતા. 124 રન પર પહેલી વિકેટ ગુમાવનાર બાંગ્લાદેશે દિવસના અંત સુધીમાં કુલ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસે અક્ષર પટેલ (Akshar Patel) સૌથી સફળ બોલર રહ્યો હતો. લેફ્ટી સ્પીનર અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ-ઉમેશ અને અશ્વીને એક-એક વિકેટ મેળવી હતી. દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 272/6 રહ્યો હતો.

બાંગ્લાદેશના ઓપનીંગ બેટ્સમેનો ઝાકીર હસન અને શાંતોએ 124 રનની ભાગીદારી કરી હતી. ઉમેશ યાદવે આ ભાગીદારી તોડીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. જોકે, આ વિકેટ મળી ત્યારે બાંગ્લાદેશ કરતા વધુ ભારતીય ચાહકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. વિરાટ કોહલીથી (Virat Kohli Dropped Catch) એક ભૂલ થઈ ગઈ હતી, જેના લીધે ક્રિકેટર્સ અને ચાહકો પળભર માટે ચિંતામાં મુકાઈ ગયા હતા. બન્યું એવું કે બાંગ્લાદેશની ટીમ મેચના ચોથા દિવસની શરૂઆત 42/0 રનથી આગળ રમવા સાથે શરૂઆત કરી હતી. બાંગ્લાદેશી ઓપનરોએ આજે પહેલી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ બંને બેટ્સમેનોને આઉટ કરવું ભારતીય બોલર્સ માટે મુશ્કેલ જણાતું હતું ત્યારે ઈનિંગની 47મી ઓવર ઉમેશ યાદવ નાંખવા આવ્યો. ઓવરના પહેલો બોલ નઝમુલ હુસૈનની બેટ પર કટ લાગી સીધો ફર્સ્ટ સ્લીપમાં વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો. ખૂબ જ સરળ લાગતો આ કેચ વિરાટ કોહલી પકડી લેશે તેમ લાગતું હતું, પરંતુ કોહલીના હાથમાંથી કેચ છૂટી ગયો અને ભારત પહેલી વિકેટ લેવાની તક ગુમાવશે તેવું લાગ્યું હતું, પરંતુ ત્યાં જ ઋષભ પંતે (Rishabh Pant) વિરાટ કોહલીના હાથમાંથી છૂટેલો બોલ જમીન પર પડે તે પહેલાં સ્ફૂર્તિ બતાવી પકડી લીધો હતો. આ સાથે ભારતને પહેલી વિકેટ મળી હતી અને વિરાટ કોહલીની ઈજ્જત બચી ગઈ હતી. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તરેહ તરેહની કોમેન્ટ કરી રહ્યાં છે.

Most Popular

To Top