Dakshin Gujarat Main

થોડી સેકન્ડ મોડું થયું હોત તો આધેડના બે ટુકડા થઈ જતે, વાપી સ્ટેશનની દિલધડક ઘટનાના CCTV સામે આવ્યા

વાપી: વાપી સ્ટેશન પર એક ધબકારો ચૂકવી દેનારી ઘટના બની છે. અહીં ચાલીને ટ્રેક પસાર કરવા જતા એક આધેડ ટ્રેકની વચ્ચોવચ્ચ આડા પડ્યા હતા. ત્યારે જ ધસમસતી ટ્રેન દોડી આવી હતી. સામા છેડે પ્લેટફોર્મ પર કેટલાંક પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આધેડ પર નજર પડતાં એક પોલીસકર્મી વીજળીની ઝડપે આધેડ તરફ દોડ્યો હતો અને આધેડને ઊઠાવી ટ્રેકથી દૂર ખસેડ્યા હતા.

જો થોડી સેકન્ડ મોડું થયું હોત તો આધેડના બે ટુકડા થઈ જતે. આ દિલધડક વીડિયો વાપી રેલવે સ્ટેશનના પીઆરઓએ સોશિયલ મીડિયામાં મુકતા જ તે વાયરલ થયો હતો. પોલીસકર્મીની કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

વલસાડના વાપી રેલવે સ્ટેશન પર એક આધેડ પ્લેટફોર્મ પરથી પસાર થયા હતા. ત્યાર બાદ તેઓ ચાલતા ચાલતા જ રેલવે ટ્રેક ક્રોસ કરવા જઈરહ્યા હતા, તે દરમિયાન અચાનક આધેડ ટ્રેક પર પટકાયા હતા અને બે પાટાની વચ્ચે ચત્તોપાટ લાંબા થઈ ગયા હતા. તે વખતે જ તે જ ટ્રેક પર સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન ધસી આવી હતી.

આ ઘટનાને પગલે અન્ય યાત્રીઓએ બુમાબુમ કરી મુકી હતી, ત્યારે સામા છેડે પ્લેટફોર્મ પર સાથી કર્મચારીઓ સાથે ઉભેલા એક GRP જવાને વીજળીની ઝડપે દોટ લગાવી હતી. ટ્રેક પરથી આધેડને ખેંચી લઈ જીવ બચાવ્યો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર જવાને આધેડનો જીવ બચાવતાં લોકોએ પણ જવાનની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.

Most Popular

To Top