Dakshin Gujarat

વાપીમાં મોટાભાઈએ માથામાં પાઇપનો ફટકો મારી નાનાભાઈનો જીવ લઈ લીધો

વાપી: (Vapi) વાપી તાલુકાના બલીઠા ગામે મધરાતે મોટાભાઈએ નાનાભાઈના માથામાં પાઇપનો ફટકો મારતા નાનાભાઈનું ત્યાં જ કરુણ મોત નીપજ્યું હતું. મોટાભાઈએ કોઈ સાથે ઝઘડો (Quarrel) થયો હોય તેને મારવા જવા માટે નાનાભાઈને ઊંઘમાંથી ઉઠાડ્યો હતો. ત્યારે નાનાભાઈએ તેને રાત્રે મારામારી કરવા જવાની ના પાડતા મોટોભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને સગાભાઇને જ ફટકો મારી દીધો હતો. બંને મુળ પારડી તાલુકાના પરીયા ગામના હતા. આ ઘટનામાં પોલીસે હત્યારા એવા મોટાભાઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

  • વાપીમાં મોટાભાઈએ માથામાં પાઇપનો ફટકો મારી નાનાભાઈને પતાવી દીધો
  • પારડી પરિયાના મોટા ભાઈએ વાપી બલીઠાના નાનાભાઈને પાઇપ અને કોયતા વડે ફટકો મારતા મોતને ઘાટ ઉતાર્યો
  • હત્યા બાદ મૃતકના સગાભાઇ આરોપી સચિન પટેલે પોતે જ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરતા ધરપકડ

પારડી તાલુકાના પરીયા ગામના મુળ રહેવાસી અને વાપી બલીઠા ખાતે રહેતા મોટાભાઈએ નાનાભાઈને પાઇપનો ફટકો અને કોઇતા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાપીના બલીઠા ગામે નવાગામ ફળિયા ખાતે રહેતા અને મુળ પારડી પરીયાના પારસી ફળિયાના શિલ્પેશ રાજુભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે 26) રાત્રે સુતો હતા. તે દરમિયાન તેનો મોટોભાઈ સચિન રાજુભાઈ પટેલ (ઉ.વ. આશરે 32) આવીને ચાલો આપણે કોઈને મારવા જવાનું કહી શિલ્પેશને ઉઠાડ્યો હતો. ત્યારે નાનાભાઈ શિલ્પેશએ સવારે જોઈ લેશું કહી ના પાડતા મોટોભાઈ સચિન ઉશ્કેરાઈ ગયો હતો. નાનાભાઈને હાથમાં રાખેલી પાઇપ અને કોઇતા વડે માર મારતા ગંભીર ઇજા પહોંચી હતી. માથાના ભાગે પાઇપ વડે ફટકો મારી શિલ્પેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરીને આરોપી સચિને પોતે જ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા આવી પહોંચી પીએમ કરાવી હતી. આરોપી સચિન પટેલની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ સી.બી.ચૌધરી એ વધુ તપાસ હાથ ધરી છે.

બંને ભાઇઓ પરિણીત અને સંતાનવાળા
મળતી માહિતી અનુસાર મૃતક શિલ્પેશ પટેલ સિક્યુરીટી તરીકે ફરજ બજાવતો હતો અને તેની ચાર વર્ષની પુત્રી છે, જેના માથેથી પિતાનો છાયો ગુમાવતા ગ્રામજનોમાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જ્યારે આરોપી મોટાભાઈ સચિન પટેલ રિક્ષાચાલક અને કંપનીમાં નોકરી કરતો અને તેનો ચાર વર્ષીય પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા રાજુભાઈ પટેલ જેઓ એક ચા-નાસ્તાની લારી પરીયા ખાતે ચલાવે છે. તેમના ચાર પુત્રમાંથી 2 પુત્ર વાપી બલીઠા મામાના ગામમાં રહેતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

Most Popular

To Top