Dakshin Gujarat

વાપી: યુવકે પૂરપાટ ઝડપે બાઈક હંકારી પો.કો.ની બાઈકને કટ મારી અને પછી માર માર્યો

વાપી: (Vapi) વાપી ટાઉનમાં ફરજ બજાવતા પો. કોન્સ્ટેબલને બાઈક ચાલક (Bike Driver) સહિત અન્ય એક ઈસમે માર માર્યો હતો. જેનું કારણ એ હતું કે બાઈકચાલકે પૂરપાટ ઝડપે હંકારી પો.કો.ની બાઈકને કટ મારી હતી. જેને લઈ પોલીસે તેનો પીછો કર્યો હતો અને પૂરપાટ ઝડપે શા માટે બાઈક હંકારે છે? એવું કહ્યું હતું. જે વાતને લઈને બંને ઈસમોએ ઝઘડો કરી મારામારી કરી હતી. બનાવ અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં કરાઈ હતી.

  • વાપીમાં બેફામ બાઈક ચલાવનારને ટોકવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલને માર મરાયો
  • પોલીસ કોન્સ્ટેબલે બાઈકનો પીછો કરી બંનેને રોક્યા અને ટોક્યા તો ઝઘડો કરી માર મારી નાસી છૂટ્યા
  • પોલીસને કહ્યું, તું અમને કહેવાવાળો કોણ? મારૂં કોઈ બગાડી શકે નહીં

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ધરમપુરમાં રહેતા નિલેશ ગોબરભાઈ સોલંકી (ઉં.36) વાપી ટાઉન પોલીસ મથકમાં અ.પો.કો. તરીકે ફરજ બજાવે છે. તેઓ બપોરના સમયે બાઈક નં.જીજે-15 બીકયુ-1218 લઈને પોલીસ મથકે આવી રહ્યા હતાં. તેઓ વાપી ટાઉન સ્થિત નેહરૂ સ્ટ્રીટ નજીક સીનીયર સીટીઝન હોલ પાસે આવ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે બાઈક હંકારી લાવી જીંદગી જોખમાય તે રીતે કટ મારી હતી. જેથી પોલીસે કટ મારનાર બાઈકચાલકનો પીછો કર્યો હતો, જે બાઈક ઉપર બે ઈસમો સવાર હતાં.

બાઈકચાલકને કુંભારવાડ તરફ જતા માર્ગ પર અટકાવ્યો હતો અને પૂરપાટ ઝડપે બાઈક કેમ હંકારે છે? કહેતા જ બાઈકચાલક તથા તેની સાથેનો ઈસમ ઉશ્કેરાઈ ગયા હતાં. તું અમોને કહેવાવાળો કોણ છે? હું અભિષેક સુભાષ તિવારી છું, મારું કોઈ કાંઈ બગાડી શકશે નહીં. તું મારા પરિવારને ઓળખતો નથી કહી તેમણે પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી અને બાઈક લઈને કુંભારવાડ તરફ ભાગી ગયા હતાં. બનાવ અંગેની ફરિયાદ પો.કો. નિલેશ સોલંકીએ વાપી ટાઉન પોલીસ મથકમાં અભિષેક સુભાષ તિવારી તથા અન્ય એક અજાણ્યા ઈસમ સામે નોંધાવી છે.

Most Popular

To Top