Dakshin Gujarat

મહારાષ્ટ્રની આંતરરાજ્ય ધોત્રે ગેંગે ઉમરગામમાં બે વર્ષમાં અધધ આટલા સ્થળોએ ચોરી કરી, આ રીતે પકડાયા

વાપી: (Vapi) ઉમરગામ તાલુકામાં 16 બંધ મકાનના તાળા તોડી ચોરી (Theft) કરનારી ગેંગને વલસાડ જિલ્લા એલસીબીએ (LCB) પકડી પાડતા 9 ગુના ડિટેક્ટ થયા હતા. સુરત વિભાગના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીર તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ મિલકત સંબંધી ગુના અટકાવવા સૂચના આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં દિવસ દરમિયાન બંધ મકાનના તાળાં તોડી ઘરફોડ ચોરીના ગુનાઓ બન્યા હતા. આ ચોરીમાં ધોત્રે ગેંગની મોડસ ઓપરેન્ડી જણાઈ આવી હતી.

  • મહારાષ્ટ્રની આંતરરાજ્ય ધોત્રે ગેંગે ઉમરગામમાં બે વર્ષમાં 16 સ્થળે ચોરી કરી હતી
  • ઝડપાયેલા બે ઈસમ બે દિવસના પોલીસ રિમાન્ડ પર
  • પોલીસે બંને ઈસમને સાથે રાખી તપાસ કરતા બંધ મકાનમાં ચોરી કરેલી જગ્યા બતાવી
  • પકડાયેલા રામ ધોત્રેએ અગાઉ મહારાષ્ટ્રના મુંબઈમાં 10 ગુનામાં પકડાયો હતો

આ ગેંગના સભ્યોને પકડવા માટે વલસાડ જિલ્લા એલસીબીના પીએસઆઈ એચ.એ.સિંધા અને એમ.કે.ભીંગરાડીયાના નેતૃત્વ હેઠળ ટીમો કાર્યરત હતી. એલસીબીના એએસઆઈ રાકેશભાઈ તથા પો.કો.રાજુભાઈને સંયુકત મળેલી બાતમી આધારે સંજાણ ચાર રસ્તા પાસેથી આંતર રાજ્ય મહારાષ્ટ્રની ધોત્રે ગેંગના સભ્યો રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે (ઉં.35, ધંધો-મચ્છીનો વેપાર, રહે, બોરીવલી -મુંબઈ, મૂળ કર્ણાટક) અને નવીન રમેશ ધોડી (ઉં.50, રહે. રમેશ ધોડી ચાલ, બોરીવલી, મુબંઈ)ને ઝડપી પાડ્યા હતાં.

તેઓ પાસેથી ઉમરગામના મમકવાડા ગામે બચુભાઈ મોહનભાઈ દુબળાના ઘરેથી રોકડા રૂપિયા 9.50 લાખ, સોના-ચાંદીના ઘરેણાં તથા મોપેડ, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10.32 લાખનો મુદ્દામાલ તથા ચોરી કરવા માટેના સાધનો કબજે કર્યા હતાં. જ્યારે શ્યામ ઉર્ફે સંચા ચિન્નપા ધોત્ર (રહે.બોરીવલી-મુંબઈ, મૂળ કર્ણાટક) અને જીતેશ ઉર્ફે જીતુ શશી દુસાંગે (રહે.બોરીવલી-મુંબઈ) વોન્ટેડ છે. ઝડપાયેલા બંને ઈસમની પૂછપરછ કરતા તેઓએ છેલ્લા બે વર્ષમાં ઉમરગામ તાલુકાના ગામોમાં બંધ મકાનોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંનેને સાથે રાખી તપાસ કરતા ઉમરગામ તાલુકામાં 16 સ્થળએ બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલી જગ્યા બતાવી હતી. પકડાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રેકી કરી ચોરી કરતા અને મહારાષ્ટ્ર ભાગી જતા
મોપેડ પર બેસી બંધ મકાનની રેકી કરતા અને એકાદ કલાકના સમયગાળામાં ચોરી કરી મહારાષ્ટ્ર ભાગી જતા અને ત્યાં જ્વેલર્સ શોપમાં ચોરીનો મુદ્દામાલ વેચી દેતા હતાં.

બંધ મકાનોમાં થયેલી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ ચોરી
(1) ઉમરગામના મમવાડા, વાવર ફળિયાના અરૂણા દુબળાના ઘરમાંથી રોકડા 9.88 લાખની ચોરી (2) ટીંભીમાં નીતા એસ્ક્લેવ્યુ ફલેટમાંથી ટીવી (3) ભાઠી કરમબેલીના બોર ફળિયામાં સંગીતા ધોડીના ઘરમાંથી 1.30 લાખ (4) સોળસુંબાના જાંબુ ફળિયામાં રહેતા નીતા કામળીના ઘરમાંથી ઘરેણા તથા રોકડની ચોરી (5) સોળસંબાના અશોક પટેલના ઘરમાંથી 5 લાખ (6) ઉમરગામના દિવ્યા માહ્યાવંશીના ઘરમાંથી 2.24 લાખ (7) નારગોલના શ્રીકાંત બારીઆના ઘરમાંથી 1.47 લાખ (૭) તડગામના અનિલ હળપતિના ઘરમાંથી ઘરેણા-રોકડ (૭) સંજાણના સુવર્ણા કોલીના ઘરમાંથી ઘરેણા તથા રોકડ (10) સોળસુંબાના પ્રફુલકુમારના ઘરમાંથી લેપટોપ, ફોન, ઘડિયાળ અને રોકડ તથા યુએસ ડોલર (11) સોળસેંબાના સુનિલ તીરોડકરના ઘરમાંથી રોકડા 3,50 લાખ અને ઘરેણા (12) નારગોલમાં ભૌતિક ભંડારીના ઘરમાંથી ઘરેણા અને રોકડ (13) સરીગામના ફ્લેટમાંથી ઘરેણા (14) ભિલાડના કિશોરકુમારના ઘરમાંથી ઘરેણા તથા આર્ટીફિશ્યલ વસ્તુ (15) સોળસુંબાના અતુલ શેવડેના ઘરમાંથી રોકડા અને ઘરેણા (16) ઉમરગામના સુમિત માંગેલાના ઘરમાંથી રોકડા અને ઘરેણા

ડિટેક્ટ થયેલા ગુના
પકડાયેલા રામ ઉર્ફે બુઢા ઉર્ફે રામ ચિન્નપા ધોત્રે 20 વર્ષથી ઘરફોડ ચોરી કરે છે. ધોત્રે ગેંગમાં તેના સગાભાઈ શિવા ચિન્નપા ધોત્રે, શ્યામ ચિન્નપા ધોત્રે, હનુમંતા ધોત્રે, અપ્પુ ઉર્ફે અજય ધોત્રે, મહેશ ધોત્રે તથા નવી ધોડી, રાહુલ મરાડી, જીતેશ ઉર્ફે જીતુ સાંગે સામેલ છે. વલસાડ જિલ્લા એલસીબીએ 2023 દરમિયાન શિવા ધોત્રે, શ્યામ ધોત્રે, હનુમંતા ધોત્રે, મહેરા ધોત્રે, રાહુલ મરાઠીની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરી 11 ઘરફોડ ચોરીના ગુના ડિટેકટ કર્યા હતાં. પકડાયેલા રામ ધોત્રે અગાઉ મહારાષ્ટ્રના મુંબઈમાં 10 ગુનામાં પકડાયેલો છે.

Most Popular

To Top