Dakshin Gujarat

બંધ ઘરોમાં ચોરી કરી તરખાટ મચાવતી ગેંગ ઝડપાઇ: 4 ચોરને પોલીસે પકડી પાડ્યા

વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા કેટલાક સમયથી બંધ ઘરોમાં ચોરી કરી તરખાટ મચાવતા 4 ચોરને એલસીબીએ (LCB) બાતમીના પગલે પકડી પાડ્યા છે. આ ચોર ટોળકીએ જિલ્લામાં 11 જેટલી ચોરી કરી હતી. પોલીસે (Police) તેમની પાસેથી 3 વાહન પણ કબજે કર્યા છે. જે પણ ચોરીના હોવાની શંકા છે. ટોળકીની ધરપકડ (Arrest) કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ઘરફોડ ચોરી માટેની કુખ્યાત ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં શિવા ઉર્ફે રાજુ ચીનપ્પા તીરમલિયા ધોત્રે, શ્યામ ચીનપ્પા તીરમાલિયા ધોત્રે, મહેશ હનુમંચા ચીનપ્પા તીરમાલિયા ધોત્રે, રાહુલ શીલ્વરાજ મુપનાર (તમામ રહે વસઇ પાલઘર, મૂળ રહે કર્ણાટકા)નો સમાવેશ થાય છે. પોલીસે તેમને હાઇવે પરથી પકડ્યા બાદ તેમના ઘરની તપાસ બાદ એક લાલ કલરની યુનિકોર્ન બાઇક, એક કાળા કલરની ટીવીએસ મોપેડ (નં.GJ-15-AH-3473), અને એક કાળા કલરની પ્લેઝર (GJ-15-AE-1923) પકડી પાડી હતી.

બાઇક ચોરી કરતા ચીકલીગર ગેંગનો એક પકડાયો
પોલીસે ચોરી કરવાના વિવિધ સાધનો પણ કબજે કર્યા હતા. એસસીબી પીઆઇ અને તેમના સ્ટાફે હાથ ધરેલી આ કાર્યવાહીમાં આ ચોર ગેંગની પુછતાછ કરતા આ ચારેય મહારાષ્ટ્રમાં 39 કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ રીઢાચોરને પકડી પોલીસે મોટી સફળતા મેળવી છે.વલસાડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરી કરનારા ચીકલીગર ગેંગના એકને પકડી પાડી બાઇક ચોરીના બે ગુના ડિટેક્ટ કર્યા હતા. જેમાં એલસીબીએ વાપીમાંથી રઘુવીરસીંગ ઉર્ફે રઘુ સોરનસીંગ ટાક (રહે.ભેસ્તાન, ડિંડોલી સુરત)ને વાપીમાંથી પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે હીરો હોન્ડા પેશન પ્રો (GJ-15-AK-3391) કબજે કરી હતી. અન્ય વાહનો કબજે કરવા કાર્યવાહી કરી હતી. એલસીબીએ પકડેલા રઘુવીર ચોરીના અન્ય ગુનામાં સામેલ હોવાની માહિતી મળતા પોલીસે તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

એલસીબીએ બે ચેન સ્નેચરને પણ પકડી પાડ્યા
વલસાડ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન વાપી વિસ્તારમાંથી બાતમીના પગલે બે ચેન સ્નેચરને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા. જે ખોટી રીતે છળ કપટથી મેળવ્યા હોવાનું જણાયું હતુ. ત્યારબાદ તેમની વધુ તપાસ કરતા આ બંને ચોર બિપીન ઉર્ફે સની શીતલાપ્રસાદ કુર્મી પટેલ અને રાહુલ ઉર્ફે કુમારરૂપ રાજનિવાસ પટેલ (બંને હાલ રહે. દમણ અને મૂળ મધ્યપ્રદેશ)ને પોલીસે પકડી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરટા વિરૂદ્ધ નાગપુરમાં 3 અને દમણમાં 1 ગુનો દાખલ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતુ.

Most Popular

To Top