Dakshin Gujarat

વલસાડમાં પીઠી ચોળી દુલ્હો મતદાન કરવા પહોંચ્યો, નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો

વલસાડ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન પ્રત્યે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધીના 3 કલાકમાં રાજ્યમાં 19 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યું છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી હોય ઠેરઠેર લગ્નના આયોજનો છે, ત્યારે લગ્નની વિધિઓ વચ્ચેથી પણ દુલ્હા-દુલ્હનો મતદાનની ફરજ નિભાવવા પહોંચી રહ્યાં છે. વલસાડના હાલર કસ્તુરી પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર કેવિન આર. મિસ્ત્રીએ પીઠી ચોળેલી હાલતમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. લગ્ન પૂર્વે મતદાન કરી તેણે સૌને મતદાન કરવાં અપીલ કરી હતી.

વલસાડ જિલ્લાની તમામ બેઠક પર આજે વહેલી સવારથી જ મતદાન સારું થઈ રહ્યું છે. અહીં સવારે 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં 19.57 ટકા મતદાન થયું છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા બેઠક પર 26.42 ટકા મતદાન થયું છે.

નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં નવસારીના વાસંદા બેઠકના ઝરી ગામે ભાજપના ઉમેદવાર પિયૂષ પટેલ પર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના માણસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ ભાજપના ઉમેદવાર દ્વારા કરાયો છે. બે મહિના પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પણ આવો જ હુમલો થયો હતો. ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર રાત્રિના સમયે હુમલો થયો હતો. તેથી રાજકારણ ગરમાયું છે. તેઓ રાત્રે અઢી વાગ્યે ચીખલીથી પોતાના ઘરે જતા હતા ત્યારે વાંસદાના પ્રતાપનગરથી વાંદરવેલાના રસ્તા પર ઝરી ગામ નજીક અજાણ્યા લોકોએ ગાડી રોકી હુમલો કર્યો હતો. અનંત પટેલ સામે ચૂંટણી લડે છે, આદિવાસી નેતા બનવા જાય છે તેમ કહી માર માર્યો હતો. આ હુમલામાં પિયુષ પટેલને માથામાં ઇજા થઈ હતી.

તમને જણાવી દઈએ કે બે મહિના પહેલાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. ગાડીમાંથી ખેંચી તેમને મારવામાં આવ્યા હતા. દરમિયાન માંડવીમાં બખેડો થતાં એક કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકી હોવાની એપ્લીકેશન પર ફરિયાદ આવી હોવાની પણ માહિતી સાંપડી છે.

Most Popular

To Top