SURAT

કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, પણ રાષ્ટ્રનિર્માણ માટે પણ ઉપયોગ કરજો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52 મા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.

યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36614 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દિક્ષા અર્પણ કરી અંતમાં ‘સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:’- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધર્મ એટલે પોતાના માટે જે સારું ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો તે જ ધર્મ છે તેમ જણાવી સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેમણે જણાવ્યું હતુ.

રાજયપાલ દેવવ્રતે વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવોનો આપણો સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ’ જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું સન્માન થાય ત્યાં દેવતાઓનો વાસ રહે છે તેમ જણાવીને દિકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની રાજયપાલએ હિમાયત કરી હતી.

ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણવર્મા જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે, જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજયપાલે પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. નીતિઆયોગના સી.ઈ.ઓ.શ્રી અમિતાભ કાંતએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પુરતુ નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે.

કોરોનાકાળનો મક્કમપણે મુકાબલો કરી ભારતે વેક્સિન નેશનલિઝ્મના સ્થાને દુનિયાના જરૂરિયાતમંદ દેશોને રસી પહોંચાડી છે. સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવ છે. આપણે એક વર્ષમાં જ કોરોના રસી શોધીને રસીકરણમાં આત્મનિર્ભર બન્યા છીએ. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવા સાથે રસીકરણ કામગીરી મક્કમ ગતિથી શરૂ છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શિક્ષા એપ્લીકેશન ડાઉનલોડ કરી અનેકવિધ વિષયોનું નિ:શુલ્ક શિક્ષણ મેળવવા અનુરોધ કર્યો હતો. શ્રી કાન્તે શિક્ષણ અને ટેકનોલોજીના વિરાટ સંસાધનો પ્રાપ્ય બન્યાં છે એનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આજે આંગળીના ટેરવે જ્ઞાનનો સાગર છે. વિશ્વ આટલું નજીક અગાઉ ક્યારેય ન હતું. વર્ચ્યુઅલ વિશ્વએ આપણી ઘણી સમસ્યાઓ હલ કરી દીધી છે. હેપ્પી અને હેલ્ધી યુવાનો દેશની અમૂલ્ય સંપતિ છે. આ સંદર્ભે વિદ્યાર્થીઓ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા તેમજ કસરતો દ્વારા શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા અનુરોધ કર્યો હતો.

પ્રાસંગિક ઉદબોધન કરતાં યુનિ.ના કુલપતિ હેમાલી દેસાઈએ જણાવ્યું કે, યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શાળા-કોલેજ અને યુનિવર્સીટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવાની શીખ આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top