World

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન મંચ પરથી પડ્યા, VIDEO

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ (AmericaPresidentJoeBiden) પ્રમુખ જો બિડેન ગુરુવારે તા. 1 જૂને યુએસ એરફોર્સ એકેડેમી (USAirforce) સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને સંતુલન ગુમાવ્યું અને તેઓ સ્ટેજ પરથી લપસી જમીન પર ઢળી પડ્યા હતા. 80 વર્ષીય બિડેનને ખરાબ રીતે જમીન પર પડેલા જોઈ તેમના બોડીગાર્ડ્સ દોડી ગયા હતા. બિડેનને યુએસ એરફોર્સના અધિકારીઓએ તરત જ સંભાળ્યા હતા અને કારમાં બેસાડી લઈ ગયા હતા.

બિડેન યુએસ એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે ગુરુવારે કોલોરાડો પહોંચ્યા હતા. 80 વર્ષીય બિડેને કોલોરાડોમાં આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તે પછી સ્નાતકો સાથે હાથ મિલાવવા આગળ વધતાં તે સ્ટેજ પર મૂકેલા પોડિયમ પાસે પડી ગયા હતા.

બિડેનને નજીકમાં ઉભેલા સિક્રેટ સર્વિસ અને એરફોર્સના અધિકારીઓએ તરત જ સંભાળ્યા હતા અને તેમને ફરી ઊભા રહેવામાં મદદ કરી હતી. જો કે ત્યાર બાદ બિડેન કોઈપણ ટેકા વિના ચાલતા જોવા મળ્યા. તેમણે બાકીના કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉભા થઈને લોકોનું અભિવાદન કર્યું. સારી વાત એ છે કે બાઈડેનને વધારે ઈજા થઈ નથી. વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિડેન ઠીક છે.

કેડેટ સાથે હાથ મિલાવ્યા બાદ બિડેન પડ્યા
યુએસ પ્રમુખ જૉ બિડેન યુએસ એરફોર્સ એકેડેમીમાં શરૂઆતનું ભાષણ આપ્યા પછી એક કેડેટ સાથે હાથ મિલાવે છે, પગ મૂક્યા પછી તરત જ ઠોકર ખાયને નીચે પડી જાય છે. ત્યાર બાદ જો બિડેને કોઈ વસ્તુ તરફ ઈશારો કર્યો હતો જેના કારણે તેઓ પડી ગયા હતા. સ્ટેજ પર એક નાનકડી કાળા રંગની રેતીની થેલી રાખવામાં આવી હતી, જે રાષ્ટ્રપતિ બિડેનના પગમાં ભેરવાઈ જતા તેઓ કદાચ સંતુલન ગુમાવીને નીચે પડી ગયા હતા.

બિડેનને કોઈ ઈજા થઈ નથી, તે ઠીક છે: વ્હાઈટ હાઉસ
વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક બેન લાબોલ્ટે બિડેનના પતન પછી તરત જ ટ્વિટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ જો બિડેન ઠીક છે. તેઓને કોઈ ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે જો બિડેન અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તેઓ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી ચૂંટણી લડવાના છે. જૉ બિડેન તાજેતરમાં જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં ઠોકર ખાધી હતી. જોકે, બિડેન પડ્યા નહોતા.

અગાઉ પણ 80 વર્ષીય બિડેન સાથે અકસ્માતો થતા રહ્યાં છે
આ વર્ષે તેમના સત્તાવાર ડૉક્ટરના રિપોર્ટમાં તેમને શારીરિક રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા હતા. જો બિડેન પણ નિયમિત કસરત કરે છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020 માં ચૂંટણી જીત્યા પછી તરત જ જો બિડેનનો પગ પણ તેના પાલતુ કૂતરા સાથે રમતી વખતે તૂટી ગયો હતો.

Most Popular

To Top