Columns

ન ઘટેલી ઘટના

‘હા. હા. 8 જણ એક સાથે લગ્ન કરી રહ્યા છે. ટાઉનહોલ અંધેરી ખાતે. હું પોતે રિપોર્ટિંગ માટે જવાનો છું. 5 યુવાન અને 3 યુવતી.’ ચાની ચુસ્કીઓ લેતાં નવનીતે કહ્યું. નવનીત હમણાં નવો નવો પત્રકાર બન્યો હતો. પહેલા એ શાકબજારમાં બૂમો પાડી પાડીને શાક વેચતો. એનો અવાજ સારો હતો. આથી રાજકીય કાર્યકરો એને રાજકીય રેલીમાં નારેબાજી માટે લઇ જવા માંડ્યા. એમાંથી સમય મળતા એ સેકન્ડ હેન્ડ કારની દલાલીનું પણ કામ કરતો. જેમાં જૂની ખખડી ગયેલી કારનો કોઈ એકાદ ગુણ હોય તેને 8 રીતે એવા શબ્દોમાં રજૂ કરતો કે સાંભળનારને એમ લાગે કે એ કારમાં 8 ગુણ છે! જો કે એની ભાષા બહુ નબળી હતી. એ નાનું અને ઓછું જેવા શબ્દોમાં ગૂંચવાઇને ભેળસેળ કરી દેતો.

જેમ કે એણે કહેવું હોય કે લિફ્ટમાં 10 માણસો સમાઈ શકે એમ નહોતું, લિફ્ટમાં જગ્યા નહોતી તો એ લિફ્ટ નાની હતી એમ કહેવાને બદલે લિફ્ટ ઓછી હતી જેવા વાક્યથી કામ ચલાવી લેતો. ત્યાં સુધી તો ઠીક પણ નાના અને ઓછા આ બે શબ્દો એ ક્યારેક એટલા ખોટી રીતે ભેળવી દેતો કે શું કહે છે એ સમજવું અઘરું થઈ પડે. દાખલા તરીકે એક ભાઈ મારાથી નાનો હતો એમ બોલવાને બદલે એ કહી શકે કે એક ભાઈ મારાથી ઓછો હતો! આમ, એક જેવા અર્થ ધરાવતા જુદા જુદા શબ્દોને એ ધરાર ફાવે એમ વાક્યોમાં મૂકી દેતો. સખત વરસાદને બદલે કડક વરસાદ, સારી સંખ્યાને બદલે મોટું ટોળું. તમે જ વિચારો કોઈના લગ્નમાં મોટું ટોળું આવેલું એમ સાંભળી તમને શું લાગે? પણ લોકો જેમતેમ અર્થ સમજી જતાં. એનું અંગ્રેજી પણ ગુગલીયું. ‘ઓલ્ડમેન વોઝ કમીંગ’નું ગુજરાતી એ બહુ સરળતાથી જૂનો માણસ આવી રહ્યો હતો એમ કહી દેતો. બેચલર ઓફ આર્ટસને એ કળાનો કુંવારો કહી શકતો કે પછી 10 વરસથી કોર્ટમાં પ્રેક્ટીસ કરતાં વકીલને એ હજી તાલીમ રહ્યા છે એમ કહી શકતો.

ઉપરાંત હાલની ગુજરાતી પેઢીના યુવાઓની જેમ એ વિચારતો નહીં પણ સોચતો ત્યારે એ થીંકતો નહોતો એ માટે એનો હું મનોમન આભાર માનતો. એની પાસે જબરા કે મહત્ત્વના સમાચારને બદલે મોટી ખબર રહેતી. જે સાંભળીને અમારે ચોંકી પડવાનું રહેતું. આ બધી જ ભૂલો વાસ્તવમાં ભૂલો છે, એવું નવનીતને પોતાને ક્યારેય લાગ્યું નથી – આ અહંકારને કારણે એ સામાન્ય નાગરિક ઓછો અને રાજકીય નેતા વધુ લાગતો. ખેર, આ નવનીતને એક સમાજસેવકે એક વાર સમજાવ્યું કે તું TV પત્રકાર બનવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. આટલી મોટી બજારમાં ઘાંટા પાડી શાક વેચી શકે છે એ તારો મહત્ત્વનો ગુણ છે.

વળી, કોઈ પણ પક્ષની રાજકીય રેલીમાં તું પૈસા લઈને નારા બોલી શકે છે, એ દર્શાવે છે કે તું કોઈ પણ રાજકીય પાર્ટી બાબત પક્ષપાતી નથી અને સંપૂર્ણ વ્યાવસાયિક બૂમો પાડનારો નાગરિક છે – આ TV પત્રકાર માટે બીજો અગત્યનો ગુણ. વળી તું જૂની કારના ન હોય એવા ગુણને બહેલાવીને એ કારને અનેક ગુણવાળી સાબિત કરી શકે છે એ પણ મહત્ત્વનો ગુણ છે કેમ કે મોટા ભાગે સમાચારોમાં દમ નથી હોતો, તેમ છતાં તેવા સમાચાર પ્રાઈમ ટાઈમને યોગ્ય હોય એમ રજૂ કરવાના હોય છે. ઉપરાંત તું કારની દલાલી કરે છે, એ પણ એક ખૂબ પ્રમુખ વ્યાવસાયિક અનુભવ છે. વળી, ભાષા શુદ્ધિ બાબત તારું વલણ જડ નથી! તું લોકતંત્રને બદલે આસાનીથી જોકતંત્ર બોલી શકે એટલો તને આત્મવિશ્વાસ છે માટે તું TV પત્રકાર બની જા. આ બધા જ કામ તને એ એકી સમયે એક ક્ષેત્રમાં કરવા મળશે. નવનીતને આ વાત બરાબર લાગી. TV ચેનલવાળાઓને પણ ગળે ઊતરી ગઈ અને મીડિયામાં એક ધંધાદારીનો ઉમેરો થયો.

તો આવો આ નવનીત જે અગાઉ પણ ઉધારીમાં ચા પીતો, તેમ હાલ પણ મારે બાંકડે ઉધારીમાં જ ચા પીએ છે પણ પહેલા ઉધારી બાબત એ નમ્ર રહેતો અને હવે એ મારી ચાની ઉધારી ન ચૂકવવામાં ગર્વ અનુભવે છે એ ફરક આવ્યો છે. આજે મેં એને ઉધારી યાદ અપાવી ત્યારે એણે કહ્યું, ‘ચાના બાકી પૈસા જેવી મામૂલી વાત ભૂલી જાઓ એવી મોટી ખબર મારી પાસે છે. આજે 8 જણ સમૂહલગ્ન કરી રહ્યા છે.’ ‘એમાં શું નવાઈની વાત છે? દુનિયામાં અકસ્માત તો હંમેશાં થતાં રહે છે!’ ‘પણ આ સામાન્ય લગ્ન નથી.’ ‘કોઈ લગ્ન સામાન્ય નથી હોતા.’ ‘એમ નહીં, આ 8 જણ આત્મવિવાહ કરવાના છે! સહુ પોતાની જોડે જ પરણશે, બોલો!’

‘આત્મવિવાહ!’  આ ચોક્કસ ‘ચોંકાવી નાખનારા’ સમાચાર હતા. વડોદરામાં એક કન્યાએ પોતાની જ જોડે લગ્ન કર્યાના સમાચાર ફેલાયા અને એની ખૂબ ચર્ચા થઈ. ત્યાર બાદ એ લગ્નમાંથી પ્રેરણા લઇ આમ એક સાથે 8 જણ પોતાની સાથે લગ્ન કરે અને તે પણ એક જ માંડવે એ નિ:સંદેહ એક મોટા સમાચાર હતા. ખરેખર હું ચાની ઉધારી ભૂલી જઈ નવનીતને પૂછવા માંડ્યો, ‘ખરેખર? ક્યારે?’  ‘આજે. હમણાં જ. હું ત્યાં જ તો રીપોર્ટીંગ માટે જઈ રહ્યો છું.’  ‘હું પણ આવું?’ મેં પૂછ્યું.  ‘ઠીક. ચાની ઉધારીનું સાટું વાળવા મારે પણ કંઇક કરવું જોઈએ. ચાલો. સામાન્ય લોકોને ત્યાં પ્રવેશ નથી પણ મારા સહાયક તરીકે હું તમને ઘુસાડી દઈશ!’ અને આમ એક ઐતિહાસિક સમૂહવિવાહનો હું સાક્ષી બન્યો.

*** 
નવનીત અને હું અંધેરી ઉપનગરના એ ટાઉન હોલમાં કલાકથી રાહ જોતાં કંટાળી ગયા હતા. વિવાહોત્સુક આઠે યુવક – યુવતીઓ ક્યારના આવી ગયા હતા. સહુ પોતાની જોડે કેમ લગ્ન કરવા માંગતા હતાં, એ અંગે એમની સાથે પત્રકાર તરીકે નવનીતે વાતો પણ કરી લીધી હતી પણ લગ્ન લેવાની શરૂઆત થઇ નહોતી રહી કેમ કે આવા અનોખા લગ્ન માટે કોઈ બ્રાહ્મણ મળી નહોતો રહ્યો. મોટા ભાગના બ્રાહ્મણ આવા લગ્નને ‘પાપ’ સમજી ટાળી રહ્યા હતા. આખરે એક વકીલ તૈયાર થયો, જે બ્રાહ્મણ પણ હતો અને જેને લગ્નવિધિ કરાવવાનો અનુભવ પણ હતો. સહુને હાશ થઇ.

પણ એ હાશ બહુ ટકી નહીં કેમ કે આ બ્રાહ્મણ પોતે વકીલ હતો એ ભૂલ્યો નહોતો અને કોઈને ભૂલવા નહોતો દેતો.  બન્યું એમ કે બ્રાહ્મણની ક્લાક – દોઢ કલાક રાહ જોવી પડી. એમાં આ પોતાની જોડે જ લગ્ન કરનારા 8 જણમાંથી 2 યુવક અને 2 યુવતીઓના આપસમાં મન મળી ગયા અને એમણે આત્મવિવાહને બદલે એકબીજા જોડે વિવાહ કરવાનું નક્કી કર્યું.  ઠીક. પણ આટલી સરળ લાગતી વાતને પેલા બ્રાહ્મણ કમ વકીલે કાયદાકીય દ્રષ્ટિએ પડકારી. એણે કહ્યું, ‘આમ એકબીજા સાથે લગ્ન કરવા માટે તમારે NOC આણવી પડશે.’

NOC એટલે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ એટલે કે આ વિવાહ થાય એમાં અમને કોઈ વાંધો નથી.  પણ કોની પાસેથી NOC લાવવાનું? કોણ આ વિવાહ સામે વાંધો ઉઠાવી શકે? લગ્ન કરવા માંગતા એ ચારે જણ ગૂંચવાયા. બ્રાહ્મણે કહ્યું, ‘અગાઉ તમે જેની સાથે પરણવા માંગતા હતા એમનું પ્રમાણપત્ર જોઈએ કે આ લગ્નથી એમણે કોઈ વાંધો નથી.’ ‘પણ અમે અમારી પોતાની જોડે જ લગ્ન કરવા માંગતા હતા.’ એ ચારમાંથી એકે કહ્યું. ‘જે કોઈ પણ હોય, NOC તો જોઇશે જ. કેમ કે આ લગ્ન એમની સાથે નક્કી થયા હતા. હું અહીં બ્રાહ્મણ તરીકે આવ્યો ત્યારે જે કન્યા અને વર હતા એ હવે જો બદલાય તો બ્રાહ્મણ તરીકે મારી ફરજ છે કે મૂળ લગ્નના ઉમેદવારની સંમતિ ચકાસી લઉં અન્યથા હું ગુનામાં આવીશ’ એ વકીલ કમ બ્રાહ્મણે ચોખવટ કરી.

એ ચારે જણાએ ફરી સ્પષ્ટ કર્યું કે, ‘અમે અમારી જોડે પરણવાના હતા અને હવે અમે એકબીજા જોડે પરણવા માંગીએ છીએ. સ્વભાવિક છે કે અમને વાંધો ન હોય તો જ અમે બીજા કોઈ જોડે લગ્ન કરવા તૈયાર થયા છીએ ને!’ ‘લગ્નમાં સ્વભાવિક કશું હોતું નથી’ એ બ્રાહ્મણે સ્પષ્ટતા કરી. ‘લગ્ન એક સામાજિક, કાનૂની અને પારિવારિક પ્રસંગ છે અને સામજિક, પારિવારિક બાબતમાં હું માથું નહીં મારું પણ કાનૂની મુદ્દે કશું ઢીલું ન રહેવું જોઈએ. નહીંતર લગ્ન કરાવનાર બ્રાહ્મણ તરીકે મારે કાલે ઊઠીને કોર્ટમાં જવાબ આપવાના ફાંફાં થઇ જાય.’ ‘એ બધું બરાબર પણ અમને અમારા લગ્ન બાબત કોઈ વિરોધ નથી એમ અમે કહીએ તો છીએ જ ને?’  ‘કહેવાથી કંઈ ન થાય, લખાણમાં જોઈએ.’

‘ઠીક લખી આપીએ’ એ ચારે જણ કંટાળ્યા હતા. ‘સ્ટેમ્પ પેપર પર લખાણ જોઇશે. લગ્નની વાત છે પાકે પાયે સાબિતીઓ જોઇશે.’ ‘હવે સ્ટેમ્પ પેપર શોધવા જઈશું તો મુહૂર્ત ચુકાઈ જશે.’ ‘કાયદો મુહૂર્ત કરતાં મહત્ત્વનો છે’ એ બ્રાહ્મણ કમ વકીલે અડગતાથી કહ્યું.  આવી ખૂબ દલીલો થઇ પણ એ બ્રાહ્મણ ટસનો મસ ન થયો.  આખરે એ 4 જણે લગ્ન મોફૂક રાખવાના નક્કી કર્યા. બ્રાહ્મણે બાકીના 4 જણને લગ્નની તૈયારી માટે કહ્યું પણ બાકી 4 જણ થોડા ઢીલા પડી ગયા હતા કેમ કે 8 જણના સમૂહવિવાહમાંથી હવે જો માત્ર 4 જણના વિવાહ થવાના હોય તો હોલનું ભાડું, જમણ અને અન્ય નાનામોટા ખર્ચને 8 જણને બદલે 4 જણે ભોગવવો પડે અને એ એમને નુકસાનકારક લાગતું હતું! આમ, અણધાર્યા વળાંકોને કારણે આ ઐતિહાસિક સમૂહવિવાહ થતાં થતાં રહી ગયા. નિરાશ થઇ નવનીત અને હું ચાના બાંકડે પાછા ફર્યા. ‘શું લાગે છે?’ ચાની પ્યાલી લેતાં નવનીતે મને પૂછ્યું. ‘ચાની ઉધારી ભૂલી ન શક્યો, હવે ચૂકવી દે.’ મેં કહ્યું.

Most Popular

To Top