Charchapatra

ભાજપ શાસિત રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડનો આરંભ

ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરી દીધું છે. અને હવે આસામની ભાજપ સરકારે પણ આ દિશામાં પહેલું પગલું ભરીને રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કર્યો છે. એટલે હેવે આસામ પણ ઉત્તરાખંડની જેમ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરી શકે છે. આસામના મુખ્યમંત્રીએ ટ્વિટર પર જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે કાયદા મુજબ યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોય તો જ લગ્નની નોંધણી થઈ શકે છે. જ્યારે મુસ્લીમ નિકાહના કાયદામાં ઉમરની આવી કોઈ જોગવાઈ જ નથી, જેને પગલે બાળ વિવાહને પ્રોત્સાહન મળે છે.

હવે આસામમાં મુસ્લિમોના નિકાની પણ સ્પેશ્યલ મેરેજ એક્ટ એટલે કે વિશેષ લગ્ન કાયદા હેઠળ જ નોંધણી કરાવી શકાશે. આ સ્પેશ્યલ મેરેજ એક્ટ તમામ ધર્મના લોકો માટે 1954થી જ આખા દેશમાં અમલમાં છે. આપણાં દેશને જાતિ અને ધર્મની સંકુચિતતામાંથી બહાર કાઢવો હોય અને નાગરિકોને પ્રગતિશીલ બનાવવા હોય તો લગ્ન જેવા સામાજિક વ્યવહારોને એક સમાન રાષ્ટ્રીય કાયદો લાગુ કરવાની આવશ્યક્તા છે. પર્સનલ લોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક અને ભરણપોષણ એ પાંચ બાબતોને આવરી લેવાઈ છે. દેશના તમામ નાગરિકો માટે આ અંગેના કાયદા એક સરખા હોવા જોઈએ. ઉત્તરાખંડ અને આસામ સરકારની પ્રશંસા કરવી જોઈએ કેમ કે તે બંધારણની મૂળભૂત જોગવાઈનું પાલન કરી રહ્યા છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top