Columns

સમજો આ સત્ય

મંદિરમાં ફૂલ મહોત્સવ હતો.આખા મંદિરને જુદાં જુદાં સુંદર સુગંધી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.ચારે બાજુ વિવિધ ફૂલોની સુંદરતા અને તેની મહેકથી મંદિર મઘમઘતું હતું.આપણે ત્યાં માન્યતા છે કે ભગવાનને સુગંધી ફૂલો જ અર્પણ કરવામાં આવે.

મંદિર તો ફૂલોથી શુશોભિત થઇ ગયું. હવે પૂજારીજી દ્વારા ભગવાનની મૂર્તિ પર શણગાર થઇ રહ્યો હતો.જુદી જુદી ટોપલીઓમાં વિવિધ સુગંધી ફૂલો હતાં.પૂજારીજી એક પછી એક માળા ભગવાનને પહેરાવી રહ્યા હતા.બધાં સુગંધી ફૂલો પોતાના અહોભાગ્ય પર અભિમાન કરી ખુશ થઇ રહ્યા હતા અને એક બીજાને અભિનંદન આપી રહ્યા હતા કે આપણે ખાસ છીએ.આપણી અંદર અનોખી સુગંધ છે એટલે આપણે ભગવાનનો શણગાર બની રહ્યાં છીએ.

થોડે દૂર મંદિરના પૂજારીના ઘરના કુંડામાં ઊગેલું બારમાસીનું ફૂલ થોડું ઉદાસ હતું. વિચારી રહ્યું હતું કે હું તો ઋતુ કાળ કંઈ જોયા વિના બારે માસ ઊગું છું.નાનકડું નાજુક સુંદર છું.પ્રભુ પાસે જવાની, તેમનો શણગાર બનવાની મને પણ મહેચ્છા છે પણ મારી પાસે ખાસ સુગંધ નથી એટલે હું ક્યારેય પ્રભુની નજીક નહિ જઈ શકું.આમ વિચારી બારમાસીના ફૂલે પ્રાર્થના કરી કે ‘પ્રભુ મને ખબર છે કે મારામાં ખાસ સુગંધ નથી;પણ પ્રભુ મારી અંતરમનની પ્રાર્થના છે કે હું એક વાર તમારી પાસે આવી શકું.તમારું સાન્નિધ્ય મેળવી શકું.’ તે સાચા મનથી પ્રાર્થના કરતું રહ્યું.

આ બાજુ પુજારીજીએ ભગવાનના શણગાર કરી લીધા અને પુજારીજી શણગાર થયા બાદ ભગવાનની મૂર્તિને બે મિનિટ નિહાળતા રહ્યા અને પછી કૈંક વિચારી; જાણે કૈંક પ્રેરણા થઇ હોય તેમ પોતે મંદિરની પાછળ આવેલા પોતાના ઘરે ગયા અને ઘરના કુંડામાં ઊગેલા બારમાસીના સુંદર નાજુક રંગીન ફૂલોને લઈને આવ્યા અને સુગંધી સફેદ ફૂલોથી શણગારેલી ભગવાનની મૂર્તિના શણગારમાં થોડો રંગ ઉમેરવા તેમને થોડા થોડા અંતરે બારમાસીનાં ફૂલો મૂક્યાં.ભગવાનની મૂર્તિનો શણગાર વધુ ખીલી ઊઠ્યો.સફેદ ફૂલોની સુંદરતા વધુ નીખરી.બારમાસીનાં ફૂલોનું તો મન ખીલી ઊઠ્યું કારણ પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી લીધી હતી.

આ ફૂલોની રૂપક કથા એક સમજવા જેવું સત્ય સમજાવે છે કે ઈશ્વર દરેકનો છે; તેણે બધાનું સર્જન કર્યું છે. જેમ સુગંધી ફૂલો જ ભગવાનને અર્પણ થાય તેમ ખાસ ગુણો ભક્તિ, પુણ્ય, સેવા, સત્કર્મ, જેવી સુંગંધ ધરાવતા આત્મા તો ઈશ્વર નજીક પહોંચી જ શકે છે. તેમને ઈશ્વર સ્વીકારે છે.પણ જે આત્મામાં કોઈ ખાસ ગુણ નથી.કોઈ આવડત નથી પણ પવિત્રતા છે, ઈશ્વર નજીક જવાની એકમાત્ર ઈચ્છા છે, અન્ય કોઈ લાલસા નથી તો પ્રભુ તેમનો પણ આ સુગંધ વિનાના બારમાસી ફૂલની જેમ તે આત્માનો પણ સ્વીકાર કરે છે. કોઈ ખાસ ગુણ હોય કે ન હોય, પવિત્ર મન અને સાચી પ્રાર્થના આત્માને ઈશ્વર સમીપ લઇ જાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top