Columns

વાત સમજી લો

જીવનને સુંદર બનાવતા એક સેમિનાર ‘ચાલો સુંદર જીવન જીવીએ’માં એક સ્પીકરે સરસ વાત કહી. તેમણે કહ્યું, ‘આપણને બધાને વરસાદ ગમે, તેનું આલ્હાદક વાતાવરણ ગમે પણ જ્યારે મનને ગમે ત્યારે શું આપણે વરસતા વરસાદમાં ખુલ્લા રસ્તા પર મન મુકીને નાચી શકીએ છીએ? જવાબ છે ના. આપણને શરમ આવે, નવા કપડા કે નવા ચંપલ ખરાબ થઈ જશેનો ભય સતાવે, આપણા ખિસ્સામાં રહેલા પૈસા ભીના થઈ જાય વગેરે વગેરે. તમે જોયું હશે કે વરસાદ આવે તો આપણે બધા સુખી – સાધન સંપન્ન લોકો છત્રી લઈને છાપરું શોધવા દોડીએ અને રસ્તા પર કે ઝૂંપડીમાં રહેતા લોકો કોઈ પરવા કર્યા વિના મન મુકીને વરસાદમાં ભીંજાઈને આનંદ લે. સુખી કુટુંબના બાળકો વરસાદમાં ભીંજાય તો શરદી થઈ જાય અને ગરીબ બાળકો ખુલ્લા શરીરે વરસાદમાં નાચે. આ નાનકડું ઉદાહરણ સાબિત કરે છે કે પૈસા જ ખુશી મેળવવા માટે જરૂરી નથી. મનની ખુશી પૈસા વિના પણ મેળવી શકાય છે.’ બધાએ તાળીઓથી તેમની વાતને વધાવી.

બીજા સ્પીકર આવ્યા તેમણે કહ્યું, ‘આપને સામાન્ય માણસો, આપણા સામાન્ય ઘરમાં રોજ રાત્રે દરવાજો બંધ કરી, લાઈટ બંધ કરી શાંતિથી સુઈ જઈએ છીએ. જ્યાં મન થાય અને જ્યારે મન થાય ત્યારે હરી ફરી શકીએ છીએ. હવે વિચારો કે ચારે તરફથી બોડીગાર્ડ અને કમાન્ડોની વચ્ચે રહેતા સત્તાધીશો આ આનંદ મેળવી શક્તા નથી. આખા શહેરને ડરાવતા ગુંડાઓ, રાત્રે કોઈ હુમલો કરી મારી ન નાખે એવા ડરને કારણે બંદુક પાસે રાખીને સુએ છે અને જરાક અવાજ થતા ઉઠી જાય છે. આ વાત પરથી સમજો કે સત્તા હોય કે શક્તિ, સુરક્ષિતતા આપતી નથી.

ઉલટું અસુરક્ષિતતા અને ડરની લાગણી વધારે છે, જે શાંતિથી સુવા દેતી નથી અને સમાન્ય માણસ આવી કોઈ ચિંતા વિના આરામથી સુઈ શકે છે.’ બધાએ આ વાતને પણ તાળીઓથી વધાવી. ત્રીજા સ્પીકર ઉભા થયા તેમણે જણાવ્યું, ‘વાત કરીએ સુંદરતા અને ખ્યાતિની. સુંદર બનવું બધાને ગમે અને દરેક જણ પ્રખ્યાત થવા ઈચ્છે છે, પણ જ્યારે વાત સબંધોની આવે ત્યારે સુંદર સંબંધો બાંધવા, જાળવવા, સુંદરતા અને નામનાની એટલી જરૂર નથી, જેટલી જરૂર સાચા પ્રેમ અને વિશ્વાસની હોય છે. તમે જોશો કે સુંદરતા અને નામના ધરાવતા અનેક પ્રખ્યાત વ્યક્તિઓના અંગત સબંધો મજબુત હોતા નથી.

જો સફળ સબંધોનો માપદંડ સુંદરતા અને નામના હોત તો અનેક પ્રખ્યાત વ્યક્તિઓના લગ્નો તૂટ્યા ન હોત. સબંધોને જાળવવા, પતિ – પત્નીનો સબંધ હોય કે અન્ય કોઈ સબંધ પરસ્પર સાચો પ્રેમ અને લાગણી જરૂરી છે.’ આટલું બોલી તેમણે આગળ કહ્યું, ‘અમારા 3 જણની વાત પરથી સમજી લો કે જીવનને સુંદર બનાવવા માટે પૈસા – સત્તા – શક્તિ – સુંદરતા – ખ્યાતી જરૂરી નથી. માટે સાદું – સરળ જીવન જીવો. ડગલે ને પગલે વિનમ્રતા રાખો અને સાચો પ્રેમ કરો.’ તાળીઓ ગુંજી ઉઠી.

Most Popular

To Top