Charchapatra

ટોળાશાહીમાં બર્બરતા

ઝનૂન અને બર્બરતાને નજીકનો સંબંધ છે, આવી પરિસ્થિતિમાં માનવ ભાવ ભૂલી જાય છે. અને અમાનુષી વ્યવહાર કરી બેસે છે. દાહોદ જિલ્લાની નજીક છોટીપોલ ગામે પસાર થતો એક જીપ ડ્રાઇવર મોબલીચીંગનો ભોગ બન્યો. અકસ્માત કે દુર્ઘટના અનિશ્ચિત હોય છે. કોઇપણ ડ્રાઇવર જાણી જોઇને ઇરાદાપૂર્વક અકસ્માત કરતો નથી. રમતાં રમતાં રસ્તા પર આવેલી આઠ વર્ષની નાદાન બાળકી જીપ ગાડીની અડફટમાં આવી ગઇ. દેખીતી વાત છે કે આટલી નાની વયની બાળકી એકલદોકલ તો નહીં નીકળી હોય. તેની દરકાર નહીં રાખવાથી તે વાહનવ્યવહારના રસ્તા પર રમવા લાગી હતી. અને ગંભીર અકસ્માતનો ભોગ બની ગઇ. આ દુર્ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ જવલનશીલ પદાર્થ છાંટી પિકઅપ ગાડીને આગ લગાડી દીધી, મોબલીચીંગ કરી ચાલકને ઢોર માર માર્યો અને સળગતી જીપગાડીમાં તેને ફેંકી દીધો. ટોળોએ કાયદો હાથમાં લઇ ન્યાય કરવાનો ન હોય તથા સળગાવી દઇ હત્યા કરવાની નહોય.

સવાલ તો એ પણ જાગે છે કે જવલનશીલ પદાર્થ શા માટે લાવેલા અને ક્રૂરતા આચરવાને બદલે ડ્રાઇવરને પકડી રાખી પોલીસને શા માટે સોંપી નહીં દેવાયો? જાન બચાવવા સળગતી હાલતમાં ડ્રાઇવર જમીન પર પટકાયો ત્યારે તે ભડભડ સળગી રહ્યો હતો. કેટલાક ભલા માણસો ત્યાં આવી ચઢયા અને તેની પર માટી નાખી આગને શાંત કરી. થોડીવાર પછી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને સારવાર માટે લઇ ગઇષ રસ્તામાંજ ડ્રાઇવરનું મોત નીપજયું હતું. ટોળાશાહીમાં બર્બરતા સરળતાથી પ્રગટી ઊઠે છે. પરિશ્રમ કરી ઇમાનદારીનો રોટલો રળનાર એ ડ્રાઇવરે જાણી જોઇને તો અકસ્માત કર્યો ન હતો, છતાં ટોળાશાહીની બર્બરતાએ નિર્દયતાપૂર્વક તેનો ભોગ લીધો, અધિકાર વિના પ્રતિશોધ સંતોષ્યો.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top