Dakshin Gujarat

લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વખતે માતા-પુત્રીને ટેમ્પોએ ઉડાવી દીધા, પુત્રીનું મોત

ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના રાણા ફળિયામાં રહેતા ગામિત પરિવાર લગ્નમાં (Marriage) ગયો હતો. માતા-પુત્રી પગપાળા ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે દોડી રહેલા થ્રી વ્હીલર ટેમ્પાની (Tempo) જોરદાર ટક્કર લાગી હતી. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ ભિલાડ પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.

  • ઉમરગામ રાણાફળિયામાં રાહદારી માતા-પુત્રીને ટેમ્પો ચાલકે ઉડાવતા પુત્રીનું મોત
  • લગ્નમાંથી પરત પગપાળા ઘરે જતી માતા-પુત્રીને પુરપાટ ઝડપે દોડતા ટેમ્પાની જોરદાર ટક્કર લાગી

ભિલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ નવસારી જીલ્લાના અને હાલ ઉમરગામ તાલુકાના કચીગામ, રાણા ફળિયામાં રહેતા પ્રવીણ લાલજી ગામિતની પત્ની અરૂણા (ઉંવ.48) અને પુત્રી પ્રિયાંશી (ઉંવ.13) ફળિયામાં લગ્નપ્રસંગ હોય સાથે ગયા હતા. રાત્રીના સમયે તેઓ ઘરે પગપાળા પરત ફરી રહ્યા હતા, ત્યારે કચીગામ રોડ, રાણા ફળિયામાં થ્રી વ્હીલર ટેમ્પો ની ટક્કર લાગી હતી. જે અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ લોકો ભેગા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માતા-પુત્રીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તરત જ સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જયાં પુત્રી પ્રિયાંશીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. અકસ્માત કરનાર થ્રી વ્હીલર ટેમ્પો ચાલક તેમના ફળિયામાં રહેતો પ્રદીપ પ્રકાશ તિવારી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગેની ફરિયાદ પ્રવીણ ગામિતે ભીલાડ પોલીસ મથકમાં કરી હતી.

પારડીના સુખેશ ગામમાં રસ્તો ક્રોસ કરતા પુરુષનું વાહન ચાલકે અડફેટે લેતા મોત
પારડી : પારડી તાલુકાના સુખેશ ગામે રહેતા ભગુભાઈ નાનુભાઈ પટેલ હટવાડા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક આવી પહોંચી પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર માટે ભગુભાઈ પટેલ (ઉવ.70)ને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ મથકે નવીન પટેલે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top