World

ભારત UAEની મિત્રતાનું ઉદાહરણ બનશે અબુ ધાબીનું ભવ્ય મંદિર, PM મોદી 14 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન

અબુ ધાબીઃ (Abu Dhabi) UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન ફેબ્રુઆરીમાં (Inauguration) થશે. તેના ઉદ્ઘાટન પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે ભલે તે એક હિંદુ મંદિર છે પરંતુ મંદિરનો પાયો સહિષ્ણુતા અને સદ્ભાવ છે. મંદિર ગુલાબી સેંડસ્ટોન અને સફેદ માર્બલથી બનેલું છે જેને બનાવવામાં રૂ. 700 કરોડથી વધુનો ખર્ચ થયો છે. તેનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી એક સમારોહમાં કરશે. મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાએ આને UAE અને તેના નેતાઓ અને લોકોની નિખાલસતા અને સર્વસમાવેશકતાની નિશાની ગણાવી છે.

BAPS આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મબિહારીદાસે બુધવારે મંદિરના સ્થળે જણાવ્યું હતું કે સંવાદિતા અને સહિષ્ણુતા એ રાષ્ટ્રનો આત્મા છે. તેમણે મંદિરના નિર્માણની મંજૂરી આપવા બદલ UAEના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ હિન્દુઓનું પૂજા સ્થળ છે પરંતુ BAPS હિંદુ મંદિરનો મૂળ વિચાર આ પૃથ્વી પર સદ્ભાવ વધારવાનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મંદિર શાંતિને પ્રોત્સાહન આપશે અને UAE અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક પણ બનશે.

તેમણે UAEના સંસ્થાપક સ્વર્ગસ્થ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનથી પ્રમુખ શેખ મોહમ્મદ સુધી સ્થાપિત સ્વીકૃતિની ભાવનાની પ્રશંસા કરી હતી. જ્યારે તેઓ ક્રાઉન પ્રિન્સ હતા ત્યારે રાષ્ટ્રપતિએ મંદિર માટે જમીન આપી હતી. સ્વામીએ UAEના રાષ્ટ્રપતિને મોટા હૃદયવાળા સૌમ્ય નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીની હાજરીમાં અમે તેમને 2018માં બે યોજનાઓ બતાવી હતી. એક પરંપરાગત સામાન્ય ઇમારત જેવું હતું. બીજો એક પથ્થરનો બનેલો હતો. અમે તેમને પૂછ્યું કે કયું બનાવવું જોઈએ. આના પર તેમણે હસીને કહ્યું કે જો તમે મંદિર બનાવી રહ્યા છો તો તે મંદિર જેવું હોવું જોઈએ.

આ મંદિર UAEમાં 5.4 હેક્ટર જમીન પર બનાવવામાં આવ્યું છે. બાદમાં કોમ્યુનિટી હોલ અને પાર્કિંગ વિસ્તારનો સમાવેશ કરવા માટે તેને 11 હેક્ટર સુધી વિસ્તારવામાં આવ્યો હતો. ભારતના કારીગરોએ સેન્ડસ્ટોન અને આરસ પર કોતરણી કરી હતી જે પછી યુએઈ મોકલવામાં આવી હતી અને પછી એકસાથે જોડાઈ હતી. પ્રાચીન મંદિરોના નિર્માણને ધ્યાનમાં રાખીને તેમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરના ઉદ્ઘાટનને હવે માત્ર બે સપ્તાહ જ બાકી છે. મુખ્ય મંદિરના સ્થળેથી ક્રેન્સ અને વિશાળ મશીનરી હટાવી લેવામાં આવી છે.

Most Popular

To Top