Gujarat

બજેટમાં આદિવાસી સમુદાય માટે ફક્ત 4374 કરોડ, દરેક વર્ગનો વિકાસ કરવામાં સરકાર નિષ્ફળ- ચૈતર વસાવા

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતનું બજેટ (Budget) જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી. ગયા બજેટમાં આદિવાસી સમાજ માટે 3410 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ એ બજેટને સગેવગે કરવા માટે આ સંગઠન અને સરકારના માણસોએ પડદા પાછળ રહીને તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ બનાવી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

  • ગુજરાતમાં આદિવાસી સમુદાય ખૂબ જ મોટો સમુદાય છે, છતાં ફક્ત 4374 કરોડ ફાળવવામાં આવ્યા- ચૈતર વસાવા
  • બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો કરાવે એવું છે
  • આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવતા રૂપિયાને સગે વગે કરવા માટે નકલી કચેરીઓ બનાવવામાં આવી છે
  • દરેક વર્ગનો વિકાસ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતુ કે આજે આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયું છે. એમાં ભાજપ સરકારના કોન્ટ્રાક્ટરો અને એનજીઓને કામ આપવામાં આવે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનું સપનું હતું કે તેઓ સરકારી શિક્ષક બનશે પરંતુ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવીને યુવાનો સાથે અન્યાય કર્યો છે. દરેક વર્ગનો વિકાસ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. આ બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો પહોંચાડે એવું હશે એવું અમારું માનવું છે.

ભાજપ સરકાર દ્વારા ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ લોકોને રીઝવવા લાવ્યા છે. આદિજાતિ લોકો માટે 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં આદિવાસી સમુદાય ખૂબ જ મોટો સમુદાય છે. તેમ છતાં પણ ફક્ત 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક લાખ કરોડ ફાળવવાની વાત કરવામાં આવી છે પરંતુ 2024 આવ્યું ત્યાં સુધી આ યોજનામાં કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની કોઈ જાહેરાત કરી નથી. તેવી જ રીતે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ફક્ત બાંધકામ કરવા માટે વધારો કર્યો છે. કોઈપણ જગ્યાએ કાયમી ડોક્ટર, કાયમી સ્ટાફ અને કાયમી શિક્ષકોની ભરતી વિશે કોઈ જોગવાઈ કરી નથી. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે શહેરી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થતો નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી વિસ્તારના લોકોને વધુ રકમ ચૂકવવામાં આવે છે. કદાચ સરકાર એ બાબતથી અજાણ છે કે સિમેન્ટ અને રેતી કપચીના ભાવ ગામડા અને શહેરમાં સરખા જ હોય છે. માટે અમારી માંગણી છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ શહેરી વિસ્તારના લોકોની જેમ 3,50,000 રૂપિયા આપવામાં આવે.

Most Popular

To Top