Dakshin Gujarat

માંડવીના તરસાડા બાર નજીક ટ્રકમાંથી 10 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીની (LCB) ટીમે માંડવીના તરસાડા બાર ચાર રસ્તા પાસેથી એક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની અટકાયત કરી હતી. પોલીસને ટ્રકમાંથી 10 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સુરત જિલ્લા એલસીબીની ટીમ માંડવી પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમી મળી હતી કે, અશોક લેલન્ડ ટ્રક નં.(જીજે 3 ડબ્લ્યી 7921)નો ચાલક પોતાના કબજાની ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાકરાપાર તરફથી તરસાડા બાર જતાં રસ્તે થઈ માંડવી તરફ જનાર છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે તરસાડા બાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. એ સમયે ટ્રક આવતાં જ ટ્રકને રોકી કોર્ડન કરી ચાલકને ઝડપી લીધો હતો. ટ્રકની તલાશી લેતાં અંદરથી નાની-મોટી કુલ 4656 બોટલ વિદેશી દારૂ કિં.રૂ.10,0,2000 મળી આવ્યો હતો. પોલીસે દારૂની સાથે ટ્રક કિં.રૂ. 8 લાખ, એક મોબાઇલ ફોન કિં.રૂ.500, રોકડા રૂ.1510 મળી કુલ 18,04,010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચાલક બટુકભાઈ રાજાભાઈ માતાસુરીયા (રહે., મદારગઢ, તા.સાયલા, સુરેન્દ્રનગર)ની અટકાયત કરી દારૂ મંગાવનાર દલસુખ ઉર્ફે મુન્નો મનજી માતાસુરિયા (રહે., ચોરવીરા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર) અને દારૂ ભરનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

માંડવીના રૂપણમાં રોકવુલ મેટની આડમાં કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી
પલસાણા: સુરત જિલ્લા એલસીબી પોલીસે માંડવીના રૂપણ ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. કન્ટેનરમાં રોકવુલ મેટના રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે કન્ટેનર અને દારૂ મળી કુલ 32.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કન્ટેનર નં.(જીજે 15 એવી 4201)નો ચાલક પોતાના કબજાના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવી થઈ ઝંખવાવ તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે માંડવીના રૂપણ ગામના પાટિયા નજીક નાકાબાંધી કરી વોચ ગોઠવી હતી. એ સમયે બાતમી મુજબનું કન્ટેનર આવતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કરતાં કન્ટેનરચાલક અને ક્લીનર પોલીસને જોઈને કન્ટેનર ઊભું રાખી ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં રોકવુલ મેટના રોલની આડમાં માતબર વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસને કન્ટેનરમાંથી 12828 બોટલ વિદેશી દારૂ કિં.રૂ.13,99,200 મળી આવ્યો હતો. આ ઉપરાંત કન્ટેનરમાંથી રોકવુલ મેટ બિલ્ટી મુજબ 1200.48 SQM કિં.રૂ. 4,00,664 તથા કન્ટેનર કિંમત રૂ.15 લાખ મળી કુલ 32,98,864 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top