SURAT

સુરતના ‘શ્વાન’ કોઈને ગાંઠતા નથી, વધુ બે બાળકોને કરડ્યા

સુરત: છેલ્લાં દોઢેક વર્ષથી સુરતમાં (Surat) શ્વાન (Dog) પ્રજાતિએ આતંક મચાવ્યો છે. રસ્તે રખડતાં શ્વાન મનફાવે તેને કરડી રહ્યાં છે. આજે વધુ બે બાળકોને શ્વાન કરડ્યાં છે. બિચારાં એક માસૂમ બાળકનો ગાલમાં બચકું ભરી લીધું તો બીજાના પગમાં કરડ્યાં છે. આ બંને બાળકો લોહીલુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા ત્યારે ફરી એકવાર સુરત મનપા તંત્રના શ્વાન સામે કરાતી કાર્યવાહીના દાવાનો ફુગ્ગો ફુટી ગયો હતો.

શહેરમાં શ્વાનનો આતંક મચ્યો હોવાની ગયા વર્ષે ખૂબ બૂમ ઉઠી હતી, જેના પગલે શ્વાનને પકડવાની તથા ખસીકરણની મનપા તંત્ર દ્વારા ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી. મનપા તંત્ર તરફથી શ્વાન પકડવાના અને ખસીકરણના આંકડાઓ જાહેર કરી દાવા કરાયા કે શ્વાન પર કાબુ મેળવાયો છે. જોકે, મનપાની શ્વાન વિરોધી કામગીરી માત્ર કાગળ પર જ હોવાની સાબિતી આપતી ઘટનાઓ બનતી જ રહે છે. શ્વાનના હુમલાના કિસ્સા ઘટવાનું નામ જ લઈ રહ્યાં નથી.

આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એક દિવસમાં બે બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. લિંબાયતના મહાપ્રભુ નગરમાં 5 વર્ષના બાળક પર શ્વાને હૂમલો કર્યો હતો. જ્યારે ડિંડોલીમાં 11 વર્ષના બાળકને શ્વાને બચકું ભર્યું હતું. લિંબાયતનો 5 વર્ષીય ઈર્શાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલાથી બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ તરફ ડિંડોલીનો 11 વર્ષનો વ્રજ લાળ ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે તેની પર પણ અચાનક શ્વાને હુમલો કર્યો હતો. બન્ને બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે, વધતા શ્વાનોના હુમલાથી પાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Most Popular

To Top