SURAT

સુરતની કાળજું કંપાવી દેનારી ઘટના: રમતા રમતા બે બાળકો ગૂમ થયા, 7 કલાક બાદ લાશો મળી

સુરત: શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયેલા બે કિશોર વયના બાળકોનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે. ગુમ થયેલા બંને કિશોરોની લાશ 7 કલાક બાદ રેલવે ટ્રેક પરથી મળી આવી છે. માસૂમ બાળકોના મોતના પગલે પરિવારજનો શોકમાં સરી પડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સચિન જીઆઈડીસીમાંથી ગુમ બે કિશોર વિદ્યાર્થી 7 કલાક બાદ રેલવે ટ્રેક ઉપરથી મૃત હાલતમાં પોલીસને મળી આવ્યા હોવાની દુ:ખદ ઘટના બની છે. બંન્ને કિશોર એક જ શાળાના વિદ્યાર્થી અને ખાસ મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારની શોધખોળ બાદ બન્નેના મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં હોવાનું જાણ્યા બાદ બન્ને પરિવારોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.

સચિન જીઆઈડીસીમાં રહેતા પ્રિન્સ અને લોકેશ નામના બે કિશોર વયના બાળકોના મોત થયા છે. પ્રિન્સના પરિવારે કહ્યું હતું કે પ્રિન્સ રાજેશ્વર શર્મા સચિન જીઆઈડીસીમાં રહેતો હતો. તેના પિતા રાજેશ્વર શર્મા દુબઇમાં કારપેન્ટર તરીકે કામ કરે છે. પરિવારનો એક નો એક પુત્ર હતો. મૂળ યુપીના રહેવાસી છે. બે વર્ષ પહેલા જ પુત્ર પ્રિન્સને સારું એજ્યુકેશન આપવાના હેતુથી સુરત લાવવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી રાજેશ્વર વિદેશમાં નોકરી કરી રહ્યા છે. પ્રિન્સ માતા અને નાની બહેન સાથે સચિન જીઆઈડીસીમાં રહેતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરની છે. પ્રિન્સ અને તેનો મિત્ર અચાનક ગુમ થઈ ગયા હતા. ઘણી શોધખોળ બાદ પણ ક્યાંય પત્તો નહીં લાગતા પોલીસ ને જાણ કરાઈ હતી. લગભગ 7 કલાક બાદ બંન્નેના મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં હોવાનું અને ટ્રેન અડફેટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પ્રિન્સ ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

બીજા બાળક લોકેશ પરિવાર સાથે સચિનના આદર્શ નગરમાં રહેતો હતો. તેના પિતા સંતોષ યાદવ એ જણાવ્યું હતું કે પોતે લુમ્સ ખાતામાં કામ કરી ત્રણ બાળકો સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. લોકેશ મોટો દીકરો હતો. ઘટના અંગે કંઈ જ જાણકારી નથી. પોલીસ કહે છે બન્ને મિત્રો ટ્રેન અડફેટે આવ્યા બાદ માથામાં ગંભીર ઇજા થઇ હતી. જોકે પ્રશ્ન એ છે કે બન્ને મિત્રો રેલવે ટ્રેક પર ગયા કેમ*, જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top