World

તુર્કીયે અને સીરિયામાં વિનાશક ભૂકંપ: 2300થી વધુનાં મોત

અઝમેરિકા: તુર્કીયે (Turkey) અને સીરિયાના (Syria) વિશાળ વિસ્તારોને આજે વહેલી સવારે ૭.૮ની તીવ્રતાના એક શક્તિશાળી ભૂકંપે (Earthquake) હચમચાવતા સેંકડો ઇમારતો પડી ગઇ હતી અને ૨૩૦૦ કરતા વધુ લોકોનાં મૃત્યુ (Death) નિપજ્યા હતા.

સેંકડો લોકો હજી કાટમાળ હેઠળ ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય સેવાય છે જ્યારે આ વિસ્તારના શહેરો અને નગરોમાં બચાવ કાર્યકરો કાટમાળમાં શોધખોળ ચલાવી રહ્યા છે. સરહદની બંને બાજુએ ઠંડી, વરસાદ અને બરફવર્ષા યુક્ત રાત્રિમાં સૂઇ રહ્યા હતા ત્યારે વહેલી સવારે સૂર્યોદય પહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોએ બચવા માટે દોડા દોડી કરી મૂકવી પડી હતી. તૂટી પડેલી ઇમારતો હેઠળ હજારો લોકો દબાયા હતા અને ધરતીકંપ પછીના આંચકાઓએ આ પ્રદેશને હચમચાવવાનું ચાલુ રાખ્યું હતું. તુર્કીયેના અનેક શહેરોમાં બચાવ કાર્યકરો કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને કાઢવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તુર્કીયેમાં એક હોસ્પિટલ પણ તૂટી પડી હતી. સિરીયામાં પણ કેટલાક આરોગ્ય કેન્દ્રોમાંથી દર્દીઓ અને નવજાત બાળકોને પણ સલામત સ્થળે ખસેડવા પડ્યા હોવાના અહેવાલ છે.

આ ભૂકંપ એક તુર્કીશ પ્રાંતના પાટનગર ગાઝીએન્તેપની ઉત્તરે ઉદગમબિંદુ ધરાવતો હતો અને પ્રથમ આંચકો છેક ઇજિપ્તના કેરો શહેર સુધી લાગ્યો હતો. દમાસ્કસ શહેરના લોકો પણ ઘરોની બહાર નિકળી આવ્યા હતા. લેબેનોનના બેરૂત શહેરમાં પણ લોકો પથારીઓમાંથી જાગી ગયા હતા. તુર્કીશ પ્રમુખ રિસપ તૈયિપ એર્દોગને જણાવ્યું હતું કે ભૂકંપ ઝોનમાં ઘણી ઇમારતોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે તેથી મૃતકો અને ઇજાગ્રસ્તોનો આંકડો કેટલો વધશે તે હાલ અમે જાણતા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે એક રાષ્ટ્ર તરીકે એકતા સાથે આ હોનારતભર્યા દિવસોમાંથી બહાર આવી જઇશું. હવે જેનું નામ બદલીને તુર્કીયે કરવામાં આવ્યું છે તે તુર્કીનો આ પ્રદેશ મોટી ભૂગર્ભ ફોલ્ટ લાઇન પર વસેલો છે અને ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે. ઉત્તર પશ્ચિમ તુર્કીમાં ૧૯૯૯માં એક મોટા ભૂકંપમાં ૧૮૦૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વેએ આજના ભૂકંપની તીવ્રતા ૭.૮ની માપી હતી. તેના થોડા કલાકો પછી ૧૦૦ કિમી જેટલા અંતરે ૭.પની તીવ્રતાનો બીજો આંચકો લાગ્યો હતો. યુએસજીએએ જણાવ્યું હતું કે ભૂકંપ ૧૮ કિમીની ઉંડાઇએ સર્જાયો હતો. ઓરહાન તાતાર નામના એક તુર્કીશ અધિકારીએ જણાવ્યું હતું કે સેંકડો નાના આફટરશોક્સ આવી શકે છે.

૧પ૦૦થી વધુ મોત તુર્કીયેમાં જ નોંધાયા
આજના ભૂકંપમાં તુર્કીયેના ૧૦ પ્રાંતોમાં ૧૦૦૦ કરતા વધુ લોકોનાં મૃત્યુઓ થયા છે જ્યારે ૮પ૦૦ જેટલા લોકોને ઇજા થઇ છે. જયારે સીરિયામાં સરકારના કબજા હેઠળના વિસ્તારમાં ૪૩૦નાં મોત તથા ૧૨૮૦ જેટલાને ઇજા અને બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં ૨૦૦ જેટલા મૃત્યુઓ થયા હોવાનું કહેવાય છે.

ભૂકંપથી ઐતિહાસિક ઇમારતોને પણ નુકસાન
તુર્કીયેમાં ભૂકંપથી ૧૯૦૦ વર્ષ જૂના ગાઝીએન્ટેપ કિલ્લાને ઘણુ નુકસાન થયું છે. આ કિલ્લો હિતિતે સામ્રાજ્યના સમયમાં બંધાયો હતો. અનેક સામ્રાજ્યોનો સમય આ કિલ્લાએ જોયો છે. આ કિલ્લો આજના ભૂકંપમાં ઘણો જ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. એક અર્થક્વેક મોસ્ક તરીકે ઓળખાતી ઐતિહાસિક મસ્જિદને પણ નુકસાન થયું છે. હાજી યુસુફ મસ્જિદ નામની આ મસ્જિદ અગાઉના વિવિધ ભૂકંપોમાં નુકસાન પામીને ફરી બંધાઇ હોવાથી તેને અર્થક્વેક મોસ્ક તરીકે ઓળખાવાય છે. આજે ૨૮૧૮ જેટલી ઇમારતો તૂટી પડી હોવાનું કહેવાય છે.

સીરિયામાં જાનહાની ઓછી, પણ ગૃહયુદ્ધને કારણે સ્થિતિ વધુ કફોડી થઇ
તર્કીયે કરતા સીરિયામાં ભૂકંપથી જાનહાનિ ઓછી છે, ઇજાઓ પણ ઓછા લોકોને થઇ છે પરંતુ તેમ છતાં હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઇ ગઇ છે કારણ કે અહીં ખાસ કરીને બળવાખોરોના વિસ્તારમાં તો પુરતી આરોગ્ય સવલતો જ નથી. સીરિયામાં એક દાયકા જેટલા સમયથી સરકાર અને બળવાખોરો વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તેનાથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ આ ભૂકંપે વધુ મુશ્કેલ બનાવી છે. બળવાખોરોના વિસ્તારમાં અનેક ઇમારતો સરકારી દળો અને તેને મદદ કરતા રશિયન દળોના બોમ્બમારાથી આમ પણ નબળી પડી ગઇ છે અને તેમાં રહેતા લોકોની હાલત વધુ મુશ્કેલ બની શકે છે.

લોકો ઉંઘમાં જ કાટમાળ હેઠળ દબાઇ ગયા
તુર્કીયેમાં ભૂકંપ વહેલી સવારે સૂર્યોદય પહેલા ત્રાટક્યો હતો જેને કારણે મોટા ભાગના લોકો ઉંઘમાં હતા અને ઉંઘમાં જ તેઓ તૂટી પડતી ઇમારતોના કાટમાળ હેઠળ દબાયા હતા અને સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.

Most Popular

To Top