ત્રિપુરા સળગ્યું: શરણાર્થીઓ સામેના વિરોધ પ્રદર્શનો હિંસક બનતા એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત

ત્રિપુરામાં આદિવાસી શરણાર્થીઓના પુનર્વસન સામેના વિરોધ પ્રદર્શનો ઉગ્ર અને હિંસક બનતા પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં એકનું મોત થયું હતું તથા અન્ય અનેકને ઇજા થઇ હતી.મળતી માહિતી મુજબ બ્રુ આદિવાસી શરણાર્થીઓના ત્રિપુરામાં પુનર્વસનના મુદ્દે અચોક્કસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે દરમ્યાન આ પુનર્વસનના વિરોધમાં દેખાવો કરી રહેલા લોકો તોફાને ચડ્યા હતા. તેમણે પાનીસાગર ટાઉન નજીક નેશનલ હાઇવે નં.૮ અવરોધ્યો હતો જે સ્થળ રાજ્યના પાટનગર અગરતલાથી ચાર કલાકના અંતરે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓએ તોફાનો શરૂ કર્યા હતા અને પથ્થરમારો કરવાનો શરૂ કર્યો હતો જેના પછી તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. પોલીસ ગોળીબારમાં શ્રીકાંત દાસ નામના એક શખ્સનું મોત થયું હતું. આ તોફાનો અને ગોળીબારમાં અન્ય અનેક જણા ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે જેમાંથી પાંચની હાલત ગંભીર છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસ ગોળીબારમાં ફાયર વિભાગના એક કર્મચારીનું પણ મોત થયું છે પણ પોલીસે હજી આ વાતને સમર્થન આપ્યું નથી. હિંસાના પગલે પાનીસાગર તથા નજીકના કંચનપુર વિસ્તારમાં ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ સહિતના સુરક્ષા દળોની ટુકડીઓ મોકલવામાં આવી છે. ત્રિપુરાના અન્ય ભાગોમાં પણ સુરક્ષા દળો રવાના કરવામાં આવ્યા છે.

લગભગ ૩પ૦૦૦ જેટલા આદિવાસી બ્રુ શરણાર્થીઓને મિઝોરમથી ફરી ત્રિપુરામાં વસાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે ત્રિપુરામાં ૧૬મી નવેમ્બરથી અચોક્કસ મુદ્દતનો બંધ ચાલી રહ્યો છે. સોમવારથી વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકો સહિત હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શનકારીઓ ત્રિપુરામાં સરકારી કચેરીઓની સામે તથા અન્ય જાહેર સ્થળોએ દેખાવો કરી રહ્યા છે અને રેલીઓ યોજી રહ્યા છે. મંગળવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યારે વધુ બગડી હતી જ્યારે આદિવાસી શરણાર્થીઓના એક જૂથે ૨૬ બિન-આદિવાસી ઘરો પર અને એક ફ્યુઅલ પંપ પર હુમલો કર્યો હતો જેના પગલે ૧૧૦ જણાને સલામત સ્થળે ભાગી છૂટવાની ફરજ પડી હતી.

બ્રુ આદિવાસીઓનો વિવાદ શું છે?

આજથી ૨૩ વર્ષ પહેલા ૧૯૯૭માં ત્રિપુરામાં ભારે વંશીય હિંસા થઇ હતી જેના પછી હજારોની સંખ્યામાં બ્રુ આદિવાસીઓ પાડોશના મિઝોરમ રાજ્યમાં ભાગી ગયા હતા. ત્યાં તેઓ શરણાર્થી છાવણીઓમાં રહેતા હતા. આ આદિવાસીઓને ત્રિપુરામાં ફરી વસાવવાની યોજના મોદી સરકારે હાથ ધરી છે. ગૃહ મંત્રી અમિત શાહનો આ માનીતો પ્રોજેક્ટ છે અને ઇશાન ભારતમાં તેને મોદી સરકારની એક મોટી સફળતા માનવામાં આવે છે. પરંતુ સ્થાનિક બિન આદિવાસીઓ આનો સખત વિરોધ કરવા માંડ્યા છે.

Related Posts