Dakshin Gujarat

“તું ડાકણ છે, તને નહીં છોડીએ” કહી સોનગઢમાં અસ્થિર મગજની મહિલા પર દાતરડાથી હુમલો

વ્યારા: તાપી જિલ્લામાં આદિવાસી (Tribal) બહુલક વસતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સોનગઢ (Songarh) તાલુકાના પોખરણ ગામેથી સામે આવી છે, જ્યાં ડાકણનો વહેમ રાખી દાતરડાના ઘા મારી મહિલા પર જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ આધેડ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.સોનગઢ તાલુકાના પોખરણ ગામના પીંપળા ફળિયામાં રહેતાં રાજુબેન કરીયાભાઇ ગામીત તથા મિનાક્ષી સંજય ગામીતે પાડોશમાં રહેતી આધેડ મહિલા નીરૂ રામુ ગામીત પર ડાકણનો વહેમ રાખી દાતરડા વડે હુમલો કર્યો હતો. તેના બંને હાથમાં દાતરડાના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ બંને મહિલાઓ “તું ડાકણ છે, આજે તને નહીં છોડીએ” તેમ કહી આધેડ મહિલાને બેરહેમીથી માર મારતી હતી.

તેને જોઇ આ બંને મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી
તેની ચિચિયારીઓ સાંભળી તેની વહુ માર્થા સતીષ ગામીત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેને જોઇ આ બંને મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. માર્થા સાસુ નીરૂબેનને બંને હાથે લોહી નીકળતું હોય તેમજ ગળાના ભાગે કાન નીચે ઇજા થઈ હોવાથી ૧૦૮માં તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઈ હતી.માર્થાના જણાવ્યા મુજબ તેની સાસુ નીરૂ છેલ્લાં ચારેક વર્ષથી અસ્થિર મગજની હોવાથી પોતે શું બોલે છે તેની તેમને જ ખબર રહેતી ન હતી. ઘરની જગ્યા બાબતે રાજુબેન તથા મિનાક્ષી તેમની સાસુ સાથે અવારનવાર ઝઘડો કરતાં હતાં.

તને આજે નહીં છોડીએ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
તેમજ તેમની સાસુ અસ્થિર મગજની હોય, તેને ડાકણનો વહેમ રાખતા આવ્યાં છે. ગત રોજ બપોરના આશરે બારેક વાગ્યે રાજુબેન તથા મિનાક્ષી દાતરડા લઇ નીરૂબેન પર તૂટી પડ્યાં હતાં. જેમાં તેઓને બંને હાથે તથા ગળાના ભાગે ઇજા થઈ હતી. તું ડાકણ છે, તને આજે નહીં છોડીએ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાથી આ બંને હુમલાખોર મહિલાઓ વિરુદ્ધ માર્થાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

માથાભારે ઈસમો મહિલાના ગળામાં પહેરેલી માળા તોડી ફરાર
પલસાણા: સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ શ્રીનિવાસ ગ્રીનસીટીમાં 4 માથાભારે ઈસમોએ મહિલાને માર માર્યો હતો અને મહિલાના ગળામાં પહેરેલી માળા તોડી ઈસમો ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકે જાણ કરી છે.ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, કડોદરા ખાતે શ્રીનિવાસ ગ્રીન સીટી સોસાયટી આવેલી છે. જે સોસાયટીના સિદ્ધિ બિલ્ડીંગમાં પૂનમબેન પાઠક નામની એક મહિલા દુકાન ભાડે રાખી સાડી પર ઝરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે 4 જેટલા માથાભારે ઈસમો મહિલાની દુકાન પાસે આવ્યા હતા અને અચાનક માથાકૂટ શરૂ કરી મહિલા સાથે મારઝૂડ કરી હતી. 4 ઈસમો સાથે એક મહિલા પણ હોવાનું પૂનમબહેને જણાવ્યું હતુ. બાદમાં ચારેય ઈસમો પૈકી 1 ઈસમે પૂનમબેનનાં ગળામાં પહેરેલી માળા તોડી ભાગી છૂટ્યો હતો

Most Popular

To Top