Sports

દિલ્હી કેપિટલ્સ પાસે WPLમાં ઈતિહાસ રચવાની તક છે, મુંબઈ ઈન્ડિયન્સ સાથે આજે ફાઈનલ

નવી દિલ્હી: વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચ આજે એટલે કે 26 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI) દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સને 72 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ટાઈટલ મેચમાં એન્ટ્રી મેળવી હતી. બંને ટીમોના પ્રદર્શનને જોતા ટાઈટલ મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. ભારતીય સમય અનુસાર આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં મહિલા લીગની પહેલી જ સિઝનમાં તેની પાસે ચેમ્પિયન બનવાની અને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. જ્યારે IPLમાં 5 વખત ટાઈટલ જીતનારી મુંબઈની ટીમ પાસે મહિલા લીગમાં પણ દબદબો જાળવી રાખવાની તક છે.

હરમનપ્રીત કૌર પર લોકોની આશા
જો મુંબઈને ફાઇનલમાં મોટો સ્કોર બનાવવો હશે તો કેપ્ટન હરમનપ્રીત કૌરે સારી ઇનિંગ રમવી પડશે. તે જ સમયે, નેટ સાયબર-બ્રન્ટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપવું પડશે. હરમનપ્રીત કૌરે ટુર્નામેન્ટની શરૂઆતમાં ત્રણ અડધી સદી ફટકારી હતી પરંતુ તે પોતાનું ફોર્મ જાળવી શકી નહોતી. હરમને એલિમિનેટર મેચમાં યુપી વોરિયર્સ સામે માત્ર 14 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક સમયે પોઈન્ટ ટેબલમાં ટોચ પર ચાલી રહી હતી, પરંતુ દિલ્હી કેપિટલ્સે ધીમે ધીમે લય પાછી મેળવી લીધી અને મુંબઈને પોઈન્ટ ટેબલની ટોચ પરથી હટાવી દીધી. અત્યાર સુધી, કેપ્ટન મેગ લેનિંગ અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર મેરિજેન કેપે દિલ્હી કેપિટલ્સ માટે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

લીગ તબક્કામાં દિલ્હી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં મુંબઈનો આઠ વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ હારનો બદલો લેતા દિલ્હીએ મુંબઈને નવ વિકેટે હરાવ્યું હતું. આ બંને ટીમોએ લીગ તબક્કામાં સમાન 12 પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ વધુ સારા રન રેટને કારણે દિલ્હીની ટીમ ટોચ પર હતી. ફાઈનલ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે તેની અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. દિલ્હીએ આ મેદાન પર બે મેચ જીતી હતી, જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ ખેલાડી નંબર વન સુધી પહોંચી શકે છે
વુમન્સ પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે, તેણે 8 મેચમાં 310 રન બનાવ્યા છે અને તે નંબર વન પર છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ વોરિયર્સની તાહલિયા મેકગ્રા બીજા નંબર પર છે. તેણે 9 મેચમાં 302 રન બનાવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ઓલરાઉન્ડર નેટ સીવર બ્રન્ટ ત્રીજા નંબર પર છે. તેણે 9 મેચમાં 272 રન બનાવ્યા છે. જો નેટ સીવર ફાઈનલ મેચમાં વધુ 39 રન બનાવશે, તો તે મહિલા પ્રીમિયર લીગની 2023 સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2023માં સૌથી વધુ રન બનાવનાર:

  • મેગ લેનિંગ – 310 રન
  • તાહલિયા મેકગ્રા – 305 રન
  • નેટ સીવર બ્રન્ટ – 272 રન
  • સોફી ડિવાઇન – 262 રન
  • હેલી મેથ્યુસ – 258 રન

મેથ્યુસ અને નેટ સાયવર-બ્રન્ટે કર્યું જોરદાર પ્રદર્શન
મુંબઈ પાસે હેલી મેથ્યુસના રૂપમાં અન્ય એક ઉપયોગી ઓલરાઉન્ડર છે જેણે અત્યાર સુધીમાં 258 રન બનાવવા સિવાય 13 વિકેટ ઝડપી છે. આ સિવાય યાસ્તિકા ભાટિયાએ બેટિંગમાં આક્રમક વલણ દાખવ્યું છે. નેટ સાયવર-બ્રન્ટે બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 272 રન બનાવવા ઉપરાંત 10 વિકેટ પણ લીધી છે. જ્યાં સુધી મુંબઈની બોલિંગની વાત છે તો સાયકા ઈશાકે 15 વિકેટ લઈને પોતાની યોગ્યતા સાબિત કરી છે. આ સિવાય મુંબઈ પાસે ઈસા વોંગ (13 વિકેટ) અને એમેલિયા કેર (12 વિકેટ) જેવા શાનદાર બોલરો પણ છે.

દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ શાનદાર ફોર્મમાં છે
દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ WPLની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતીને પોતાના નામે બીજી ટ્રોફી નોંધાવવા માંગે છે. લેનિંગે ગયા મહિને તેની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમને મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો હતો. મેગ લેનિંગે WPLની વર્તમાન સિઝનમાં સૌથી વધુ 310 રન બનાવ્યા છે. મેરિજેન કેપ અને એલિસ કેપ્સીએ પણ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ફાઈનલ મેચ હોવાથી ભારતીય ખેલાડીઓ જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, શિખા પાંડે અને રાધા યાદવે પણ સારું પ્રદર્શન કરવું પડશે.

મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત પ્લેઈંગ-11: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, જીંતિમણી કલિતા, સાયકા ઈશાક.

દિલ્હી કેપિટલ્સના સંભવિત પ્લેઈંગ-11: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમા રોડ્રિગ્સ, મેરિજેન કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ.જીવંત ટીવી

Most Popular

To Top