National

ભારતીય રેલવેએ અતિશય ગરમી અને ઠંડીનું બેલેન્સ રાખતી ખાસ ટ્રેન કરી તૈયાર

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) યાત્રીઓ માટે વિશેષ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. યાત્રીઓના કન્ફર્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે કોચ તૈયાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે દેશની પ્રીમિયમ ટ્રેન ‘વંદે ભારત’ આવતા વર્ષથી કાશ્મીર ઘાટીમાં દોડશે. કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ ‘વંદે ભારત’ ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શનિવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. કેન્દ્રશાસિત પ્રદેશ અંગે તેમણે કહ્યું કે રાજ્યમાં ખાસ રીતે તૈયાર કરાયેલ ‘વંદે ભારત’ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ટ્રેનનું નિર્માણ કરતી વખતે બહારનું તાપમાન અને ટ્રેનની અંદરનું તાપમાન બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમકે ટ્રેનની અંદર તાપમાન, બરફ જેવી દરેક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે.

જમ્મુથી શ્રીનગરને જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર અથવા આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પર સારી પ્રગતિ થઈ છે. ચિનાબ અને અંજી પુલ અને મુખ્ય ટનલના નિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે અને તે સારી રીતે આગળ વધી રહ્યું છે. આ રૂટ પર આ વર્ષે ડિસેમ્બર અથવા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ટ્રેન દોડવાનું શરૂ થશે. આ લાઇન માટે ખાસ તૈયાર કરાયેલી ‘વંદે ભારત’ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે.

રેલવે મંત્રી પીએમ મોદી સાથે ચર્ચા કરશે
રેલ્વે મંત્રીએ કહ્યું કે સોપોર કુપવાડા, અવંતીપોરા-શોપિયન અને બિજબેહરા-પહલગામના ત્રણ વિસ્તારોને રેલ લાઇન સાથે જોડવાની માંગ કરવામાં આવી છે અને રેલ્વે તેના પર વિચાર કરશે. અમે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરીશું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી (અમિત શાહ) અને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) સાથે આ અંગે ચર્ચા કરશે. અમે બારામુલ્લામાં લાઈનોને બમણી કરવા અંગે વિગતવાર ચર્ચા કરીશું. આ લાઇનમાં વધુ ત્રણ કનેક્શન ઉમેરવાના છે. આ લાઇન પર અનેક કામો પૂર્ણ થયા છે. વીજળીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. એલજી સાથે એલઓસી સુધી લાઇન લંબાવવા અંગે પણ ચર્ચા થશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના પ્રવાસમાં રેલવે અધિકારીઓ સાથે બડગામ સ્ટેશનથી બારામુલ્લા સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ બે દિવસોમાં રેલ મંત્રી કાશ્મીરમાં રેલ્વે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1905માં કાશ્મીરના તત્કાલિન મહારાજાએ શ્રીનગરને જમ્મુથી મુગલ રોડથી જોડતી રેલ્વે લાઇન નાખવાની જાહેરાત કરી હતી. શરૂઆતના કામ બાદ પ્રોજેક્ટ અટકી ગયો હતો. તે પછી ફરી એકવાર માર્ચ 1995માં 2500 કરોડ રૂપિયાના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ 2002માં વાજપેયી સરકારે તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કર્યો, ત્યારબાદ તેની કિંમત 6000 કરોડ રૂપિયા થઈ ગઈ. જોકે, આજે આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 27,949 કરોડ સુધી પહોંચી ગયો છે. લાઇન નાખવાની કામગીરી ભૌગોલિક સમસ્યાઓથી ભરપૂર હતી. આ બધાને પાર કરીને હવે આ નેટવર્ક તૈયાર થવા તરફ પહોંચી ગયું છે. આ પ્રોજેક્ટ 20 વર્ષના વિલંબ પછી ચાલી રહ્યો છે.

Most Popular

To Top