Madhya Gujarat

ચરોતરમાં તમાકુનો પાક તૈયાર ઃ સારા ભાવની આશા

નડિયાદ: ચરોતર ડાંગર બાદ તમાકુના વાવેતર અન ઉત્પાદનનો હબ ગણાતો પ્રદેશ છે. સરકારની અનેક ઝુંબેશોના કારણે લોકોએ તમાકુનું વાવેતર ઓછુ કર્યુ છે, તેમ છતાં હજુ વાવેતરનું પ્રમાણ જળવાઈ રહ્યુ છે. ગયા વર્ષ કરતા તમાકુનું વાવેતર વધ્યું છે. ખેડા જિલ્લાના દરેક તાલુકામાં તમાકુની વાવણી થઈ છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં જ નોંધાઈ છે અને હાલ ચરોતરમાં તમાકુનો પાક તૈયાર થઈ ગયો છે. જ્યારે આણંદ જિલ્લામાં 64 હજાર હેક્ટરમાં સૌથી વધુ બોરસદમાં 18 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

નડિયાદમાં 7 હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં તમાકુની રોપણી થઈ હતી. તો આ સિવાય ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માતબર પ્રમાણમાં તમાકુનું વાવેતર નોંધાતા અત્યાર સુધી લગભગ 30 હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં વાવણી નોંધાઈ છે. ખેડા જિલ્લાભરમાં તમાકુ તૈયાર થઈ ગઈ છે. રોકડીયો પાક ગણાતી તમાકુની ખેતીની હવે આગામી સપ્તાહમાં કાપણી શરૂ થશે. આ કાપણી છેક હોળી સુધી ચાલશે અને હોળી બાદ તમાકુના બજાર ભાવ જાહેર થશે. ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યા બાદ તેમાં જરૂરી પીલા કાઢવા ઉપરાંત સમાયાંતરે પાણી અને અન્ય જરૂરી કાર્યો કરતા તમાકુનો પાક ખુબ સારી રીતે તૈયાર થઈ ગયો છે. હવે કાપણી બાદ ખેડૂતો તમાકુના વેચાણ માટે આતુર બન્યા છે. રોકડીયો પાક હોવાના કારણે યોગ્ય ભાવ મળતા ખેડૂતોને સારો નફો થવાની આશા છે. હાલ હવામાન પણ અનુકુળ છે.

આશા મુજબ ભાવ મળે તો સારો નફો મળે
અનેક વિઘા જમીનમાં તમાકુની વાવણી કરી છે. તમાકુના બે રીતે ભાવ નક્કી થતા હોય છે. એક તો રોકડા પૈસા લેવા માટેનો ભાવ વેપારીઓ દ્વારા અલગ રખાય છે, તો કન્ડીશન સાથેનો ભાવ અલગ હોય છે. ગયા વર્ષે રોકડાનો ભાવ 1500-2000 હતો અને કન્ડીશન સાથેનો ભાવ 2500થી 3000 હતો. ત્યારે આ વર્ષે 2500-3000 રોકડાનો ભાવ પડશે, તો ખેડૂતોને સારો નફો મળી રહેશેઃ અલ્પેશ પટેલ, ખેડૂત

10 વિઘા જમીન હોય અને ધાર્યા મુજબ ભાવ મળે તો ત્રણેક લાખ ભાવ મળે
‘જો આશા મુજબ 2500થી 3000નો ભાવ બજારમાં પડશે તો ખેડૂતને ખૂબ સારો ભાવ મળશે. અંદાજે 10 વિઘા જેટલી જમીનમાં તમાકુ વાવેલી હોય અને 2500-3000નો ભાવ આવશે તો અઢીથી 3 લાખ સુધીનો નફો ખેડૂતોને થઈ શકે છે. જેટલો ભાવ ઓછો એટલો જ ખેડૂતોનો નફો ઘટે છે.’ – કિરણકુમાર સોલંકી, ખેડૂત
હોળી પછી ભાવો પડશેઃ વેપારી
‘માર્કેટ જે રીતે ચાલતુ હોય રીતે ભાવો નક્કી થતા હોય છે. તમાકુની ગુણવત્તા ઉપરાંત ખેડૂતની પૈસાની કન્ડીશન પર પણ ભાવો બોલાતા હોય છે. હોળી પછી આ વર્ષના નવા ભાવો બહાર પડશે.’ – હિમાંશુ પટેલ, વેપારી.

Most Popular

To Top