Comments

જીવનમાં સફળ થવા માટે

એક દિવસ એક સંતને તેના શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, મારે જીવનમાં ખૂબ જ સફળ થવું છે તો આપ મને સમજાવો કે જીવનમાં સફળ થવા માટે ,પોતાની મંઝિલ પર પહોંચવા માટે ,સૌથી વધારે શેનું ધ્યાન રાખવું જરૂરી છે? તમારી પાસેથી બધું જ્ઞાન મેળવ્યું છે તે તો યાદ રાખીશ જ.મહેનત પણ કરીશ જ.બીજું કૈંક વિશેષ ધ્યાન રાખવાનું હોય, કૈંક ખાસ કરવાનું હોય તે રહસ્ય મને જણાવો.’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, એક ખાસ વાત તો હું તમને શીખવવાનું જ ભૂલી ગયો છું.સારું થયું તેં મને પૂછ્યું.એક ખાસ વાત છે જે જીવનમાં સફળ થવા માટે બહુ જ જરૂરી છે અને તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.’

શિષ્ય ગુરુજીની ખાસ વાત સાંભળવા અધીરો બન્યો. બોલી ઊઠ્યો, ‘જલ્દી જણાવો ગુરુજી, હું એ ખાસ બાબતનો વિશેષ ખ્યાલ રાખીશ.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, જીવનમાં જે કંઈ પણ બને,જે સંજોગો સર્જાય, જે પરિસ્થિતિ નિર્માણ થાય, જો ક્યારેક કાર્ય અટકી જાય કે કોઈ કામ ખરાબ થઇ જાય ત્યારે કયારેય પણ કોઈ અન્ય પર કોઈ આરોપ મૂકતો નહિ.કોઇ પણ ખામી કે ભૂલ માટે બીજા પર આંગળી ચીંધતો નહિ.આ વાત ખાસ યાદ રાખજે.’ શિષ્યને થયું આ કંઈ એટલી મહત્ત્વની વાત થોડી છે, જેની પર સફળતાનો આધાર રહેલો છે.

જાણે તેના મનની વાત સમજી ગયા હોય તેમ ગુરુજી બોલ્યા, ‘વત્સ, તને મનમાં એમ થાય છે ને કે આ વાત એટલી તે મહત્ત્વની શું છે તો હું તને મહત્ત્વ સમજાવું છું. જે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ કામ કે સંજોગનો બોજ અને આરોપ બીજા પર નાખે છે તેણે સફળ થવા માટે ઘણો લાંબો રસ્તો, ઘણી લાંબી મજલ કાપવાની બાકી રહે છે. જે વ્યક્તિ જીવનમાં કોઇ પણ કામ કે સંજોગોનું કારણ પોતાની ખામીને સમજે છે, કંઈ પણ ખરાબ થાય તો તેનો આરોપ કોઈ અન્ય પર ન નાંખતાં બધી જવાબદારી પોતાના પર લે છે તે શરૂઆત કરતાં જ અડધે રસ્તે પહોંચી જાય છે. જે ન પોતાની ઉપર કે ન બીજાની ઉપર કોઈ આરોપ મૂકે છે અને કોઈને જવાબદાર ગણાવ્યા વિના મૌન રહીને સતત મહેનત કરે છે તે તો આપોઆપ સફળતા મેળવી લે છે.’ગુરુજીએ સાચી સમજણ આપી.

Most Popular

To Top