Charchapatra

રાજ્યપાલની ભૂમિકા બંધારણ સુસંગત નથી

તાજેતરમાં તામિલનાડુ વિધાનસભા સત્ર પ્રસંગે રાજ્યપાલે પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવી ગૃહત્યાગ કર્યો. તેનું કારણ એ રાજ્યપાલનું ભાષણ હંમેશા સત્તાપક્ષ તૈયાર કરે છે. તે પરસ્પર માન્ય થયા બાદ રાજ્યપાલ તે અક્ષરશ : વાંચી જતા હોય છે. પ્રસ્તુત કિસ્સામાં માન્ય પાઠમાં ઉલ્લેખિત પેરીઅર, કતારાજ, પ.નેતાઓનાં નામો રાજ્યપાલે ટાળ્યાં હતાં, મુખ્ય મંત્રીએ રાજ્યપાલને માન્ય પાઠ વાંચવા અને તેમાં કોઈ ફેરફાર ન કરવા જણાવતાં, તેમણે ગૃહત્યાગ કર્યો. દિલ્હી મ્યુનિ. કોર્પો. મેયર ચૂંટણી વખતે ઉપરાજ્યપાલે પોતે એકપક્ષીય રીતે નિમેલ સભ્યોને શપથ લેવડાવવા પ્રયત્ન કરતાં, આપે વાંધો લીધો હતો. આપ અને ભાજપ સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં મેયર ચૂંટણી સ્થગિત કરવા ફરજ પણ પડી હતી. બંધારણ પ્રમાણે રાજ્ય વહીવટ રાજ્યપાલનાં નામે અને થકી ચલાવાય છે. દિલ્હી માટે અલગ કાનૂન બનેલ છે. તેમાં સરકાર કરતાં ઉપરાજ્યપાલને વિશેષ સત્તા આપવા પ્રયત્ન કરાયેલ છે. વાસ્તવમાં બંધારણ મુજબ રાજ્યપાલ બહુ ઓછી સત્તા ધરાવે છે.

રાજ્યપાલની રાજ્ય પ્રધાનમંડળની સલાહ અને મદદ પ્રમાણે રાજ્ય વહીવટ ચલાવવાની બંધારણીય ફરજ છે. રાજ્યપાલ દ્વારા ગૃહત્યાગની આ ઘટના દેશના રાજકીય ઈતિહાસમાં વિધાનસભામાં કદાચ પ્રથમ વાર બની હશે. રાજ્યપાલ કોઈ પક્ષના પ્રતિનિધિ નથી કે તેઓ માન્ય પાઠમાં ફેરફાર કરી, વાંધો લેવાતાં ગૃહત્યાગ કરી શકે. દિલ્હી ઉપરાજ્યપાલ પણ એકપક્ષીય રીતે કોઈ સભ્યની નિમણૂક કરી શકે નહીં. છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજ્યપાલની ભૂમિકા બંધારણ સુસંગત ન સેવાના કિસ્સાઓ વધ્યા છે, કેરાલા, તેલંગણા, પોંડીચરી, મ.પ્ર., મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વિ. રાજ્યોમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે થયેલ કઠપૂતળી કહેવાતા હાલે રાજ્યપાલ કેન્દ્રના ઈશારે વર્તી રહેલ હોવાના આક્ષેપો થયા છે. જે હોય તે, રાજ્યપાલે પ્રધાનમંડળની સલાહ પ્રમાણે સરકાર સાથે સહકારથી કામ કરવું જોઈએ. બંધારણે રાજ્યપાલ માટે મર્યાદા બાંધી છે. આ સંઘર્ષના બનાવોથી દેશનું સમવાયી માળખું નબળું થઈ રસ્તાનું ભાસે છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રામચરિત માનસનું ખોટુ અર્થઘટન
બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે પોતાના અધૂરા શિક્ષણના પરિચય આપ્યો. રામચરિત માનસને જાતિવાદ ફેલાવનારું અને નારીવિરોધી બતાવીને દેશના હિન્દુ સમાજનું અપમાન કર્યું. એક રાજકારણી મટીને ધાર્મિક નેતા બનવાનો અને આધ્યાત્મિક ગુરુ બનવાનો મિથ્યા પ્રયાસ કહેવાય. આ બંને ખોટા અર્થઘટન સામે જ પવિત્ર ગ્રંથમાં શિલાને અહલ્યા બનાવી નારી સમાજનું સન્માન અને ભીલ સમાજની રામભક્ત શબરીનાં એંઠાં બોર આરોગીને અર્થઘટનને ગલત બતાવવા માટે પૂરતા પ્રસંગો છે. દેશના સમગ્ર હિન્દુ સમાજની એકતા, ગૌરવ, આસ્થા, પવિત્રતા, પરંપરા, સંસ્કૃતિને આઘાત પહોંચાડ્યો છે. ચંદ્રશેખરે હિન્દુ વિરોધી લોબીની લાગણીઓને બિનજરૂરી ઈજન પૂરું પાડેલ છે. જેડીયુના નીતીનકુમાર નોંધ લે કે હિન્દુ મતદારો ગઠબંધનને જરૂરથી જાકારો આપશે.
અમદાવાદ         – અરુણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top