Gujarat

આદિવાસી બોલી ‘થુવી દે’માંથી અપભ્રંશ થઈ નામકરણ પામેલું નેત્રંગ તાલુકાનું આ ગામ

આદિવાસી બોલીમાં “થુવી દે” તરીકે વર્ષો પહેલાં કહેવાતું અને અપભ્રંશ થતાં વિદ્યાધામનું કેન્દ્ર બનેલું ગામ એટલે નેત્રંગનું થવા. નેત્રંગ તાલુકાના અંદાજે ૩૦૦૯ જેટલી વસતી ધરાવતું થવા ગામ કુદરતી સંપદા વચ્ચે ઘેરાયેલું છે. સો ટકા ઓક્સિજન ધરાવતું સાતપુડાની પર્વતમાળાને લગોલગ આ ગામ આવેલું છે. થવા માટેની દંતકથા માટે આજનું થવા એ ભૂતકાળમાં વણિકો માટે ‘થવા નગરી’ તરીકે ઓળખાતું હતું. લોકવાયકા પ્રમાણે જેનું રજવાડું હતું એ ગધેસિંહ રાજાનું શાસન ચાલતું હતું. તેઓ પોતે સવારે રાજાના વેશમાં હોય અને રાત્રે ગધેડાનું રૂપ ધારણ કરી થવા નગરીમાં જોવા માટે ફરતા હતા. જો કે, થવા નગરીમાં કુદરતી આફત આવવાથી આખું નગર નષ્ટ થઇ ગયું હતું. આજે પણ જૂનાં અવશેષો મળતા હોય છે. ૧૫મી સદીનું ઉર્દૂ ચલણ મળ્યું છે. થવા ગ્રામ પંચાયતમાં આવેલું બેડા કંપનીનું નામ કેમ પડ્યું એ ઘટના પણ જાણવા જેવી છે. સાતપુડાનો વિસ્તારમાં આજે બેડા કંપની છે ત્યાં ભૂતકાળમાં મસમોટું “બેડા”નું ઝાડ હતું. લાંબા સમય પહેલાં કાનમ પ્રદેશના પાટીદારો આ વિસ્તારમાં વસવાટ કરીને ગામને કંપની કહેતા થયા. કોઈક પૂછે કે, ક્યાં આવવાનું ત્યારે સ્થળ માટે અચૂક કહેતા કે “બેડા કંપની”. જે ભૂતકાળ બાદ આજ સુધી અવિરત ચાલતા નામ મોઢે થઇ ગયું છે.

કરજણ અને મોહનખામ નદીનો સંગમ
કરજણ અને મોહનખામ નદીનું સંગમ સ્થાન થવા ગામ નૈસર્ગિક વાતાવરણ સાથે જોડાયેલું છે. મૂળ તો ભૂતકાળમાં થવા નગરીથી પ્રખ્યાત વિસ્તાર હતો. થવા ગ્રામ પંચાયત વિસ્તારમાં લોકો ૧૦૦ ટકા શૌચાલયનો લાભ લે છે. થવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ૧૫મુ નાણાપંચ તેમજ અન્ય ગ્રાન્ટો મળીને વર્ષે દહાડે ડેવલપમેન્ટમાં અંદાજે ૩૭ લાખની ગ્રાન્ટ મળે છે. થવા ગામ કુદરતી સંપદા સાથે વિદ્યાધામ તરીકે આખા જિલ્લામાં નજરે પડે છે.

પ્રાચીન કામેશ્વર મંદિરને તોડ્યું, પણ સાડા ચાર સદી બાદ જીર્ણોદ્ધાર કરાયો
લોકવાયકા પ્રમાણે મહમદ બેગડા ૧૫મી સદીમાં મંદિર તોડતો હતો. એ વખતે થવામાં પ્રાચીન મંદિર કામેશ્વર મંદિરને તોડ્યું હતું. સમયાંતરે સાડા ચાર સદી બાદ કામેશ્વર મંદિરની મૂર્તિ તૂટેલી હાલતમાં થવા ગામના ખેડૂતને મળતાં આખરે ૧૯૬૯ની સાલમાં જીર્ણોદ્ધાર કરાયો હતો. આ મંદિર માટે એમ કહેવાય છે કે, એ વખતે એક ભોંયરું હોવાથી ભોંયરામાંથી છેક વાલિયા તાલુકાના જબુગામ નીકળાતું હતું. જો કે, સાંપ્રતકાળમાં કામેશ્વર મંદિરે લોકો શિવજીના દર્શને આવે છે.

એક તત્ત્વચિંતકે એક વાક્ય કહ્યું હતું કે, જો ગુજરાતના પૂર્વ ભાગમાં શૈક્ષણિક સંસ્થા ન હોત તો નકસલવાદ પકડાયો હોત. માનસિંહ માંગરોલા દ્વારા તા.૧૨મી જૂન-૧૯૬૬ના રોજ ગ્રામનિર્માણ કેળવણીમંડળ-થવાની સ્થાપના થયા બાદ આ વિસ્તારમાં સર્વોદય એવા જુગતરામ દવેના હસ્તે અંધકારમાંથી પ્રકાશ પાથરવાનું અનેરા શૈક્ષણિક કામની જ્યોત પ્રગટાવાઈ હતી. પહેલા જ વર્ષે કુમાર કન્યા મળીને ૨૦ વિદ્યાર્થી દેશી નળિયાં અને વાંસની કામળીનાં મકાનો બેડા કંપનીના ફળિયામાં આ કેમ્પસ શુભ શરૂઆત થઇ હતી. જમીનો તો ખરીદી પણ માળખાગત અગવડ ઊભી હતી. ૧૯૬૮થી ૧૯૭૦ વર્ષમાં સ્વીઝ એડ એવોર્ડના પ્રતિનિધિઓ અચાનક સંસ્થાની મુલાકાતે આવ્યા.

શૈક્ષણિક ધામ નાનકડું હોવા છતાં એની શિસ્તતા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રુચિ જોઇને પ્રતિનિધિમાં પ્રેયર ઓપલીગર તથા જનરલ સેક્રેટરી સ્નેલમેન ખૂબ જ પ્રભાવિત થઈ સંસ્થા પાસે જમીન હોય તો તમામ માળખાગત સુવિધા ઊભી કરવા તત્પર થયા. નેત્રંગના થવા ગામની અડધી સદીથી વધુ સમય પહેલાં ડુંગરાળ જેવી મુંબઈ સ્થિત ખેડૂત પાસેથી ૨૫ એકર જમીન ગાંધીવાદી માનસિંહ માંગરોલાએ સંસ્થા માટે વેચાતી લઈને સ્વીઝ એડ એબોર્ડને ફરીવાર મહેમાન તરીકે બોલાવ્યા. જેને લઈને સ્કૂલ બિલ્ડિંગ, છાત્રાલયનાં મકાનો અને શિક્ષક સ્ટાફના ક્વાર્ટસ સહિતની ફેસિલિટી બે વર્ષમાં રૂ.૧૦ લાખના ખર્ચે બાંધકામ તૈયાર કરી આપ્યું.

ત્યારબાદ સંસ્થામાં જીવંતતા દેખાવા માંડી. થવા ગામના આ સંકુલમાં વિશેષતા એ છે કે, ભરૂચ જિલ્લા સહિત આજુબાજુમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લો આવેલો છે. આદિવાસી સમાજમાં ભૂખ સંતોષવા માટે આ સંસ્થા તેમના કાર્યકાળમાં લીલીસૂકી જોયા બાદ આજે અડીખમ રહી છે. સંસ્થાનો ધ્યેય એવો હતો કે, આદિવાસી સમાજનાં બાળકો ભણીગણીને જીવનમાં ઉત્તમ નાગરિક બને. માનસિંહભાઈએ રોપેલા બીજથી આજે વટવૃક્ષ થતાં તેનાં ફળ ચાખી રહ્યાં છે. આ સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશી સહિત ટ્રસ્ટીમંડળ દ્વારા ઉત્તર બુનિયાદીની સાથે પ્રાથમિક શાળા, કુમાર અને કન્યા છાત્રાલય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ, ૭૦ જેટલી ગીર અને કાંકરેજ ગાયો આધારિત ગૌશાળા, ધો.૧થી ૧૦ આશ્રમશાળા, ગ્રામ વિદ્યાપીઠ (BRS કોલેજ), પીટીસી કોલેજ, બી.એડ. કોલેજ, MSW કોલેજ મળી અંદાજે ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત ૧૦૨ જણાનો સ્ટાફ (શિક્ષકો, અધ્યાપકો, આચાર્ય અને પટાવાળા) છે.

આટલાં વર્ષોમાં હમણા સુધી ૩૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. આ વિદ્યાર્થીઓએ ભણીને વિસ્તરણ અધિકારી, આરએફઓ, એલઆઈસી, પીઆઈ, પીએસઆઈ જેવી નોકરી કરીને સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. આ સંસ્થામાં બાળકોને શિક્ષણ સાથે ફિટનેસ માટે પાવરધા કરવા માટે કમરકસી રહ્યા છે. જેને લઈને ખેલમહાકુંભ થઇ લઈને સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં હમણા સુધીમાં ૩૦૦થી વધુ રાજ્ય કક્ષાએ રમ્યા છે. કબડ્ડીમાં આ સંસ્થામાંથી નેશનલ કક્ષાએ ખેલાડી પણ પહોંચ્યા છે. તેમજ રાષ્ટ્ર લેવલે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કબડ્ડી રમી હતી. બોક્સિંગમાં પણ પરમજીત કૌર રાજ્યમાં પ્રથમ આવ્યો છે. ઊંચી કૂદ કે લાંબી કૂદમાં પણ આ સંસ્થાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ વિજેતા થયા છે. થવા પ્રાથમિક શાળાને સતત બે વર્ષથી સ્વચ્છતાનો પુરસ્કાર અપાયો છે. DEOએ એકલવ્ય બુનિયાદી શાળાને ૨૦૧૮માં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી રૂ.૧ લાખનો રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો.

પિતાની જેમ રાજેન્દ્રસિંહ માંગરોલાનો થવા સાથે અતૂટ સંબંધ
લુણા ગામના વતની વિનમ્ર સ્વભાવના ૫૧ વર્ષીય રાજેન્દ્રસિંહ માનસિંહ માંગરોલા ગ્રામ નિર્માણ થવા સંસ્થાના ટ્રસ્ટી છે. આ સંસ્થા સાથે અતૂટ નાતો છે. જો કે, મૂળ તો પિતા માનસિંહદાદા સાથે તેઓ થવા ગામે રહેતા સંસ્થાના અવિસ્મરણીય ઘટનાના સાક્ષી છે. રાજેન્દ્રસિંહ માંગરોલા બી.એ. પાસનો અભ્યાસ કરીને ખેતીકામ અને સહકારી માળખામાં જોતરાયેલા છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકમાં ૨૦૦૭થી ૨૦૨૧ સુધી ડિરેક્ટર પદે રહ્યા હતા. વાલિયાની મહાવીર કો.ઓ. બેંકમાં છેલ્લાં પંદર વર્ષથી ડિરેક્ટર પદે રહ્યા હતા. હવે થવા ગામની ધૂળ જાણે યાદ કરતી હોય એમ ગ્રામ નિર્માણ કેળવણીમંડળમાં સમર્પિત થઈ ટ્રસ્ટી પદે સેવાના માધ્યમ સાથે જોડાઈ ગયા.

ભલે જન્મ લુણા ગામે થયો, પણ કર્મઠ માનસિંહ માંગરોલાનું કર્મસ્થાન થવા ગામ
થવા ગામમાં શૈક્ષણિક ક્ષેત્રે સિંચન માટે આખી જિંદગી ૮૭ વર્ષીય સેવાભાવી માનસિંહદાદા ઉર્ફે માનસિંહ હરિસિંહ માંગરોલાએ અર્પણ કરી દીધી હતી. તેમનો જન્મ ૧૮મી ફેબ્રુઆરી-૧૯૩૫માં લુણા ગામે ભલે થયો હોય, પણ કર્મસ્થાન અંતરિયાળ થવા ગામની વિદ્યાધામની ટેકરી હતી. મૂળ તો પરિવારનો આધ્યાત્મિક અને સામાજિક વારસો તેમના લોહીમાં હતો. સ્વાતંત્ર્યસેનાની પાલુભાઈ જોશી સાથે આઝાદી પહેલાં બારડોલી સત્યાગ્રહમાં જોડાયા. તેમનો પ્રભાવ માનસિંહભાઈ માંગરોલા પર પડ્યો. યુવાનીમાં પાલુભાઈ જોશીએ ગરૂડેશ્વર તાલુકાના દેકાઈ ગામે સર્વોદય કેન્દ્ર ચલાવવા મનુભાઈ ભટ્ટ અને ગીતાબેન ભટ્ટ સાથે રક્તપિત્ત નિવારણ માટે જિલ્લા કક્ષાના સેવકની નોકરી અપાવી. દીર્ઘદૃષ્ટા માનસિંહ માંગરોલાને આ કામ નાનું લાગતાં એમણે અન્ય સેવાકીય ભેખ લેવાની માંગણી મૂકી.

દેશની આઝાદી બાદ અંતરિયાળ સાગબારા તાલુકાના ભવરીસાવર ગામે પહેલા ખાદી કાર્યકર તરીકે સેવાની તક મળી. કપરી અને મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમતથી કામ કરવા માટે અડગ રીતે ચાલુ રાખ્યું. સાથે માનસિંહભાઈને સાગબારાના ખાનદેશી ડુંગરી પટેલ મદનકાકાનો સાથ મળ્યો. એમણે જ ભવરીસાવર ખાતે એક મકાન તેમજ બાર એકર જમીન સેવાકાર્યમાં ભેટ આપી. આમ તો ભવરીસાવર ગામે રહેતા સરળ, સાદગીયુક્ત અને મહેનતુ એવા પાવરિયા કોળી નામના આદિવાસી સમાજનાં ત્રીસ કુટુંબ હતાં. એ સમયે એમનાં બાળકોને ખુદ માનસિંહભાઈ સાંજે ભણાવતા. ગીત શીખવતા તેમજ રામાયણ, મહાભારતની પ્રેરક કથા સંભળાવતા.

ત્રણેક વર્ષ વિત્યા બાદ ગુજરાતના પ્રખર ગાંધીવાદી નેતા બબલભાઈ મહેતા એમના પંદર વિદ્યાર્થીઓ સાથે છેક ભવરીસાવરમાં આવીને રોકાયા. અને એ દરમિયાન રવિશંકર મહારાજના પણ ભવરીસાવરમાં ડગલાં પડ્યાં. અતિ પછાત વિસ્તારની સ્થિતિને સમજી, શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી માનસિંહ માંગરોલાને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી ભણીને આવે એવું નક્કી થયું. જો કે, એ દિવસમાં કાળનો કહેર એવો પડ્યો કે, તેમની એક દીકરો અકાળે અવસાન થતાં મન ક્ષણિક વિચલિત થયું. છતાં શાંત રાખીને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધતા રહ્યા. માનસિંહભાઈએ વર્ષ-૧૯૬૧-૨૨થી ૧૯૬૩-૬૪ના ત્રણ વર્ષમાં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પડવી મેળવી લીધી.

પોતાના કાર્યનો અનુભવ, પ્રામાણિકતા અને મિલનસાર વ્યક્તિત્વના કારણે વિદ્યાપીઠમાં વધેલી પ્રતિષ્ઠા વધી ગઈ. તેમની ઈચ્છા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવવો. જેને લઈને ૧૯૬૬માં ભરૂચ જિલ્લાના થવા ગામે ટેકરી ઉપર ગ્રામ નિર્માણ કેળવણીમંડળની સ્થાપના કરી અને માત્ર ૨૦ જેટલા વિદ્યાર્થી સાથે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયની શરૂઆત કરી. ગામડાંનું જીવનમાં એ જ વાંસની કામળીમાં લીપણ અને દેશી નળિયાંના મકાનમાં સંઘર્ષમયી સ્થિતિમાં બાળકોને અભ્યાસ કરાવવું એ જ ધ્યેય હતો. એ વખતે કોઈ ગ્રાન્ટ કે સહાય ન હોવાથી માનસિંહભાઈ ગામડે ગામડે જઈને વિચારકો સાથે ભવાઈ કરીને અનાજ, કઠોળ જેવું ધાન્ય ઉઘરાવીને હોસ્ટેલ ચલાવતા. વિકટ સ્થિતિમાં માનસિંહભાઈ વિચલિત થયા નહીં. આખરે સરકારે બે વર્ષમાં હોસ્ટેલની મંજૂરી આપીને આર્થિક સમસ્યા હળવી બની. ગરીબ અને આદિવાસીનાં બાળકોને શિક્ષણ મળે એ ધ્યેય કપરા સંજોગોમાં રાખતા વિકાસ સાથે સંઘર્ષ વેઠવો પડ્યો. ૧૯૭૧ની સાલમાં સ્વિત્ઝરલેન્ડના સ્વીસ ઓફ અબ્રોડ ભારતીય પ્રતિનિધિ આવીને આ સંસ્થાના વિકાસ માટે શાળા અને છાત્રાલય માટે રૂ.૧૦ લાખ દાન આપીને અદ્યતન મકાનો બનાવ્યાં. સાથે ગુજરાતના સૌથી મોટા હિલસ્ટેશન એવા દરિયાઈ સપાટીથી ૨૨૦૦ ફૂટ ઊંચા માલસામોટમાં ગિરિવર ઉત્તર બુનિયાદી વિદ્યાલયની શુભ શરૂઆત કરી.

આમ તો માનસિંહભાઈ શિક્ષણનું બીજ રોપ્યા બાદ ૫૬ વર્ષમાં આજે વટવૃક્ષ બની ગયું છે. થવા ગામે વિદ્યાધામ ટેકરી પર પ્રાથમિક શાળા, આશ્રમશાળા, બીઆરએસ કોલેજ, બી.એડ કોલેજ, એમ.એસ.ડબ્લ્યૂ. કોલેજ અને ગૌશાળા શરૂ કરી છે. આજે પણ માનવતાની મહેક દાતા દ્વારા મળી રહી છે. આ સંસ્થાના વિકાસમાં મુંબઈનાં સખીદાતા હંસાબેન મહેતા એમના સ્વર્ગસ્થ પતિ બાલકૃષ્ણ મહેતાના સ્મરણાર્થે દાનની ઝોળી ખોલી દીધી છે. એમ.એસ.ડબ્લ્યૂ. કોલેજના મકાનના બાંધકામ માટે રૂ.૫૫ લાખ જેટલી માતબર રકમ આપી છે. મુંબઈના ઉદ્યોગપતિ દીપકભાઈ ભીમાણીએ વહારે આવી એમના દયાળ ભીમજી ટ્રસ્ટ થકી સંકુલમાં ખૂબ જ મદદ કરી છે. માનસિંહદાદા માટે ભલે ઉંમર થઇ હોય પણ આજે પણ થાકની શરીર કરચલી પાડવા નથી દીધી. નિરંતર ચાલનારા અડગ અને આદિવાસી સમાજના શૈક્ષણિક હામી માનસિંહદાદાને જોઇને અડીખમ રહેવાનું સૌને મન થાય.

ધાણીખૂટની સુંદરતાનો નજારો, ઈતિહાસ પણ જોડાયેલો છે
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સો ટકા શુદ્ધ ઓક્સિજન ધરાવતા સાતપૂડાની ગિરિમાળાના ટ્રાઈબલ બેલ્ટમાં સૌંદર્ય અને અફાટ જંગલોમાં દુર્લભ દૃશ્યો જોવા મળે. માત્ર નેત્રંગથી ૧૫ કિલોમીટર દૂર થવાથી દોઢ કિલોમીટર તદ્દન સાંકડો એકમાર્ગીય રોડ પર થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ધાણીખૂટના કરજણ નદી પર ધારિયા/રમપમ ધોધ છેલ્લાં બે વર્ષથી ગુજ્જુ સહેલાણીઓ માટે હાલમાં પિકનિક પોઈન્ટ બની ગયો છે. ચોમાસાના રવિવાર સહિત રજાના દિવસમાં રોજના એક હજારથી વધુ વોટર ફોલ જોવા માટે છેક મહાનગરી મુંબઈથી લઈ ઠેકઠેકાણેથી ધાણીખૂટ આવતા ઇકો સ્પોટ બની ગયો છે. ખળખળ વહેલો ધોધ જોવાની મજા જ કંઈક ઓર છે. આ જગ્યા પૌરાણિક આદિવાસી રજવાડાગીરી તરીકે સરકારી ગેઝેટમાં લખાયેલું છે.

અંકલેશ્વરથી ડેડિયાપાડા રોડ પર છપ્પન કિલોમીટરે નેત્રંગની બેડા કંપનીની બાજુ ધાણીખૂટ ગામ છેલ્લાં બે વર્ષથી સહેલાણી માટે નવું નજરાણું બની ગયું છે. ધાણીખૂટનું કરજણ નદીમાં વહેતા પાણીના ધોધથી બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનનું મન નાચતું થઇ જાય છે. ધોધ જોવા માટે દોઢ કિલોમીટર નાનકડા રોડથી કફોડી હાલતમાં પાર્કિંગ વ્યવસ્થા, ફેસિલિટીનાં સાધનો અગવડને કારણે તંત્રએ સુવિધાજનક ઊભી કરવી જોઈએ. અફાટ ધોધથી સૃષ્ટિ સૌંદર્યને ચાર ચાંદ લાગતાં પ્રકૃતિપ્રેમી ફોટોગ્રાફી કરવાનું જરાયે છોડતા નથી. નયનરમ્ય પાણીના ધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં આવે પણ ફેસિલિટીનો અભાવ, ખાણીપીણીની કોઈ સુવિધા નથી. જેથી સરકારે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવો જોઈએ. જેથી અહીં સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થઈ શકે.

આદિવાસી રાજા તારાહમલના નામથી કરજણ નદીનો ધોધ તારિહા તરીકે ઓળખાતો હતો
ભૂતકાળના પૌરાણિકતા તાંફર આદિવાસી રાજાઓનો કાર્ય વિસ્તાર દાબમંડળ તરીકે ઓળખાતો હતો. દાબમંડળ પૈકી ધાણીખૂટ રાજ્ય કહેવાતા એ સમયે ભીલ રાજા તારાહમલ અને રાણી ઉમરાવણુએ વસાવેલું સમય જતાં રાજકુંવર રાજપાઠે કારભાર સંભાળતા એમ કહેવાય છે આ સ્થળે પૌરાણિક જીવ અવશેષો જોવા મળતાં. આદિવાસી રાજા તારાહમલના નામથી કરજણ નદીનો ધોધ તારિહા તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ શબ્દ અપભ્રંશ થતાં ધોધનું નામ ધારિયા ધોધ તરીકે લોકોના મોઢે ચઢી ગયું છે. આ જગ્યાએ પથ્થરોમાં શિલાઓ હોવા છતાં ક્વોરી ઉદ્યોગે તોડીને નષ્ટ કરી દીધો. જો કે, હવે ક્વોરી ઉદ્યોગ હવે બંધ થઇ ગયો છે. જો ફોરેસ્ટનો વિસ્તાર હોય તો વનખાતું આ જગ્યાને ડેવલપ કરી ઇકો પોઈન્ટ બનાવી શકે.

ગુજરાતની સ્થાપના બાદ સ્વ.વિઠ્ઠલભાઈ વસાવા સંસ્થાના માંધાતા સાથે શિક્ષણ માટે ભવાઈ કરીને અનાજ-કઠોર ઉઘરાવતા
૧૯૬૧માં સંસ્થાની થવા પ્રાથમિક શાળાની શુભ શરૂઆતમાં એ વખતે હયાતીમાં વિઠ્ઠલભાઈ સુરજીભાઈ વસાવાએ શિક્ષક તરીકે નોકરી કરી હતી. ગુજરાતની સ્થાપના બાદ મૂળ ગ્રામ નિર્માણ કેળવણી સંસ્થામાં બાળકોને અભ્યાસમાં લાવવા માટે ગામડે ગામડે માનસિંહભાઈ માંગરોલા સાથે તેઓ જઈને ભવાઈ કરીને કઠોર-અનાજ ઉઘરાવતા હતા. અને તેમનાં બાળકોને અભ્યાસ માટે મોકલવા અનુરોધ કરતા હતા. મૂળ તો વાલિયા તાલુકાના ભંગોરિયા ગામના વતની છતાં શિક્ષણ સાથે વિઠ્ઠલભાઈ જોડાયેલા હોવાથી થવાને કર્મભૂમિ બનાવી હતી. તા.૩૧મી જુલાઈ-૨૦૧૬માં તેમનું અવસાન થઇ ગયું હતું.

ગ્રામ નિર્માણ કેળવણીમંડળનું ટ્રસ્ટીમંડળ
પ્રમુખ- યોગેશભાઈ જોશી
મહામંત્રી- માનસિંહ માંગરોલા
સહમંત્રી- સુભાષભાઈ રજવાડી
ટ્રસ્ટી- સંદીપસિંહ માંગરોલા
ટ્રસ્ટી- રાજેન્દ્રસિંહ માંગરોલા
કારોબારી સભ્ય- પુનાભાઈ વસાવા
કારોબારી સભ્ય- રામસિંગ વસાવા
કારોબારી સભ્ય- માલજીભાઈ વસાવા
કારોબારી સભ્ય-દિલીપસિંહ અટોદરિયા
કારોબારી સભ્ય- વિજયભાઈ ઉપાધ્યાય
કારોબારી સભ્ય- દીપકભાઈ ભીમાણી
કારોબારી સભ્ય- ગામીયાભાઈ વસાવા
કારોબારી સભ્ય-અમરસિંગભાઈ વસાવા

ગ્રામ પંચાયતની બોડી
સરપંચ- સુશીલાબેન ધીરૂભાઈ વસાવા
ડેપ્યુટી સરપંચ- દીપિકાબેન સતીશભાઈ વસાવા
સભ્ય- પ્રેમીલાબેન સતીશભાઈ વસાવા
સભ્ય- ભાવેશકુમાર નટવરભાઈ પરમાર
સભ્ય- ઊર્મિલાબેન અશોકભાઈ વસાવા
સભ્ય- મીનાક્ષીબેન સુનીલભાઈ વસાવા
સભ્ય- કનુભાઈ રામાભાઈ વસાવા
સભ્ય- જાતરભાઈ દામજીભાઈ વસાવા
સભ્ય- સનોજની મોહનભાઈ વસાવા
સભ્ય- સુકલાલ રડવાભાઈ વસાવા
સભ્ય- ભૂપેન્દ્રભાઈ કનુભાઈ વસાવા
ગામની ભૌગોલિક સ્થિતિ
થવા ગામની કુલ વસતી- ૩૦૦૯
કુલ પુરુષ- ૧૪૭૦ કુલ સ્ત્રી- ૧૫૩૯
આદિવાસી વસતી- ૨૫૬૦
પુરુષ- ૧૨૭૦ સ્ત્રી- ૧૨૯૦
એસ.સી. વસતી- ૨૮
પુરુષ- ૧૮ સ્ત્રી- ૧૦
બક્ષીપંચ વસતી- ૧૧૨
પુરુષ- ૫૮ સ્ત્રી- ૫૪
સામાન્ય વસતી- ૩૦૯
પુરુષ- ૧૨૪ સ્ત્રી- ૧૮૫
સાક્ષરતા દર કુલ- ૮૯.૪૫ ટકા
પુરુષ- ૯૨.૬૫ ટકા સ્ત્રી- ૮૬.૮૨ ટકા

ગુજરાતની સ્થાપના બાદ સ્વ.વિઠ્ઠલભાઈ વસાવા સંસ્થાના માંધાતા સાથે શિક્ષણ માટે ભવાઈ કરીને અનાજ-કઠોર ઉઘરાવતા
૧૯૬૧માં સંસ્થાની થવા પ્રાથમિક શાળાની શુભ શરૂઆતમાં એ વખતે હયાતીમાં વિઠ્ઠલભાઈ સુરજીભાઈ વસાવાએ શિક્ષક તરીકે નોકરી કરી હતી. ગુજરાતની સ્થાપના બાદ મૂળ ગ્રામ નિર્માણ કેળવણી સંસ્થામાં બાળકોને અભ્યાસમાં લાવવા માટે ગામડે ગામડે માનસિંહભાઈ માંગરોલા સાથે તેઓ જઈને ભવાઈ કરીને કઠોર-અનાજ ઉઘરાવતા હતા. અને તેમનાં બાળકોને અભ્યાસ માટે મોકલવા અનુરોધ કરતા હતા. મૂળ તો વાલિયા તાલુકાના ભંગોરિયા ગામના વતની છતાં શિક્ષણ સાથે વિઠ્ઠલભાઈ જોડાયેલા હોવાથી થવાને કર્મભૂમિ બનાવી હતી. તા.૩૧મી જુલાઈ-૨૦૧૬માં તેમનું અવસાન થઇ ગયું હતું.

અદાણી ફાઉન્ડેશને અંતરિયાળ વિસ્તાર થવામાં અદ્યતન પુસ્તકાલયની સ્થાપના કરી
ગ્રામીણ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને ઘરઆંગણે સુવિધા મળે એ આશયથી અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા નેત્રંગ તાલુકાના નાનકડા એવા થવા ગામમાં અંદાજે ૨૩ લાખના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત લાઈબ્રેરી લગભગ બે મહિના પહેલાં હજીરા અને દહેજ અદાણી પોર્ટના સીઈઓ કેપ્ટન અનિલ કિશોરસિંહ, સીએસઆર હેડ ઉષા મિશ્રા તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં થયો. થવા અને આસપાસના લગભગ ૧૫ ગામના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય છે. પરંતુ આર્થિક સ્થિતિ અને વાંચન સામગ્રીની સુવિધાના અભાવે આ પરીક્ષાઓમાં એમનું પ્રદર્શન બહુ સારું રહેતું નથી.

સ્થાનિક અગ્રણીઓ થકી થવા ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પૂરતી વ્યવસ્થા, સંદર્ભ સાહિત્ય સાથેની સંપૂર્ણ સુવિધા સાથેના પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના લગભગ ૨૦૦થી વધુ પુસ્તકો ઉપલબ્ધ કરવાયાં છે. આ પુસ્તકાલયોમાં અભ્યાસક્રમ પુસ્તકો ઉપરાંત જનરલ નોલેજ, મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્ર, નવલકથાઓ અને અખબારો ઉપલબ્ધ છે, જેમાં વિદ્યાર્થીઓ જ્ઞાનની સીમાઓથી આગળ વધીને રોજબરોજની ઘટનાઓ વિશે અપડેટ મેળવશે. અદાણી ફાઉન્ડેશન દહેજ એવો અભિગમનો પ્રયાસ કરશે કે પુસ્તકાલયમાં વધુ પુસ્તકોની સાથે સમયાંતર વિષય નિષ્ણાત વક્તા અને સલાહકારોની શિબિરનું પણ આયોજન થાય.

અદાણી ફાઉન્ડેશનો ઉદ્દેશ પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની સાથે સમાજ સાથે રહી એક ટકાઉ વિકાસમાં મદદ કરવાનો છે. આ પુસ્તકાલયનો લાભ થવા, ડેડિયાપાડા અને નેત્રંગ તાલુકાના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, રેલવે, બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરશે. કાકડકુઈ, બેડા કંપની, મંડાળા, નાના મંડાળા, સરકોઈ, બરડા, ધોલેખામ, ફૂલવાડી, નાના જામુડા અને મોટા જામુડા અને એમનાં આજુબાજુનાં ગામના ૧૫૦૦થી વિદ્યાર્થીને આ પુસ્તકાલયનો લાભ મળશે. ખાસ કરીને જમીન થવાની શૈક્ષણિક સંસ્થા આપીને અદ્યતન લાઈબ્રેરી બિલ્ડિંગ અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું હતું.

થવાની દૃષ્ટિ વસાવા “આઈસસ્ટોક વિશ્વ ચેમ્પિયનશિપ”માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી દેશની પ્રથમ સિનિયર ગર્લ
ગુજરાતમાં લગભગ ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવાતું હોય છે. ત્યારે બરફમાં સ્પોર્ટસમાં ભાગ લેવો એ શક્ય હોતું નથી. જમ્મુ-કાશ્મીરના બર્ફીલા પ્રદેશમાં ક્યારેય એવું સાંભળ્યું કે, ગુજરાતના અંતરિયાળ ગામની દીકરી સ્પર્ધામાં ભાગ લે. પણ આવો જ કાને પડેલો શબ્દ ભરૂચ જિલ્લા છેલ્લા થવા ગામની આદિવાસીની દીકરીએ એકાદ વર્ષ પહેલાં જમ્મુ પ્રદેશમાં એક ગેમમાં ભાગ લીધો. થવાની આઈસસ્ટોક સ્પોર્ટ્સ પ્લેયર દૃષ્ટિ વસાવાએ માત્ર જમ્મુ-કાશ્મીર નહીં પણ ભારતની ટીમમાંથી ઇટલીના રીતર એરેનામાં રમાયેલી ૧૪મી આઈસસ્ટોક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામે શિક્ષક દંપતીની આદિવાસી દીકરી દૃષ્ટિ વસાવા માટે ભલે બાળપણમાં શિક્ષણ માટે અંતરિયાળ ગામડામાં પા…પા…પગલી કરી હોય, પણ સ્પોર્ટ્સ માટે અગ્રેસર રહેવાની તમન્ના અલગ જ હતી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આઈસસ્ટોક સ્પર્ધા માટે પહેલા તો ટીમ સિલેક્ટ થતાં બે પ્લેયરોમાં થવાની દૃષ્ટિ વસાવા પણ પસંદગી પામી હતી. દૃષ્ટિ વસાવાને બર્ફીલીવાદી જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રમત રમવું એક સદભાગ્ય હતું. ત્યારબાદ ભારત ટીમમાંથી પ્રતિનિધિ કરતી દૃષ્ટિ વસાવાને કારણે હવે દીકરીઓ સ્વમાનભેર સ્પોર્ટ્સમાં ભાગ લઇ શકશે.

આઈસ્ટોક સ્પોર્ટ્સમાં સિનિયર ગર્લમાં દૃષ્ટિ વસાવા ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતમાં પ્રથમ સિનિયર પ્લેયર છે. મૂળ તો તેમનાં માતા રંજનબેન નાન્હાલાલ વસાવાની દીકરી ૨૨ વર્ષની દૃષ્ટિને અનેક કપરા ચઢાણ હતા. તે બરફમાં રમાતી રમતમાં વિપરીત વાતાવરણ માટે સુરત શહેરના રોડ પર પ્રેક્ટિસ કરતી હતી. જો કે, ઈટલીમાં ટેમ્પ્રેચર (તાપમાન) ૪ ડિગ્રી જેટલું હોય, આવા વાતાવરણમાં મર્યાદિત સંશાધન સાથે પ્રેક્ટિસ કર્યા બાદ નેશનલ ચેમ્પિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા હતા. દૃષ્ટિ વસાવાએ થવા ગામનું નામ આખા ભારત દેશમાં રોશન કર્યું છે.

Most Popular

To Top