ટાઇગર શ્રોફની કારકિર્દી સીકવલ ફિલ્મો પર આધારિત થઇ ગઇ છે?

ટાઇગર શ્રોફની એકસાથે બે ફિલ્મોની સીકવલ શરૂ થઇ રહી છે એ પરથી કહી શકાય એમ છે કે તે કારકિર્દીમાં બહુ જોખમ લેવા માગતો નથી. ટાઇગરની ‘હીરોપંતી’ ની બીજી અને ‘બાગી’ ની ચોથી સીકવલની તૈયારી શરૂ કરવામાં આવી છે. ટાઇગર અત્યાર સુધી એકશન હીરો તરીકે જાણીતો રહ્યો છે અને આ બંને ફિલ્મોમાં એક્શનનો જ ડોઝ વધારે રહ્યો છે. ટાઇગરે હમણાં પોતાના ત્રણ રોલનો એક વિડીયો રજૂ કરી એક્શનમાં પોતાને જ પોતાનો હરિફ ગણાવ્યો છે.

ટાઇગરે સીકવલ કે ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં દર્શકોને નિરાશ કર્યા નથી પરંતુ તેના અભિનયની મર્યાદા છતી થઇ રહી છે. એકશનમાં આગળ આવી ગયો છે પણ હજુ ડાંસમાં રિતિક જેટલી પ્રસિધ્ધિ મેળવી શક્યો નથી. તેની રિતિક સાથેની હિટ ફિલ્મ ‘વોર’ ની સીકવલની ભવિષ્યમાં જાહેરાત થશે તો નવાઇ નહીં લાગે. કેમકે તેની કારકિર્દી સીકવલ ફિલ્મો પર આધારિતબની રહી છે.

અલબત્ત ટાઇગરે હમણાં પોતે એક ગીત ગાઇને કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તેની પાસે અભિનયમાં એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે.તેની એક્શન હીરો તરીકેની ઇમેજ તેની લોકપ્રિયતા વધારી રહી છે. ટાઇગર પોતાના વર્કઆઉટના વિડીયો સોશ્યલ મિડીયા પર મૂકીને દર્શકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતો રહે છે.

અને દિશા સાથે તે લૉકડાઉન પછી ડિનર ડેટ પર ગયો તેની તસવીરો ધૂમ મચાવી રહી છે. તે પોતાના બંને હાથમાં સાઇઠ કિલોના ડમ્બલ સાથેના વર્કઆઉટનો વિડીયો મૂકી એકશનના ચાહકોને ખુશ કરવાનું ચૂક્યો નથી. તેને ધ્યાનમાં રાખીને જ નિર્દેશકો તેની સાથે એક્શન ફિલ્મ કરે છે. લૉકડાઉન પહેલાં તેની ‘બાગી ૩’ રજૂ થઇ હતી અને જોરદાર એક્શન દ્રશ્યોને કારણે સારો પ્રતિસાદ મળ્યો હતો એટલે ‘બાગી ૪’ નું આયોજન થઇ ગયું છે.

નિર્માતા સાજીદ નડિયાદવાલાને ટાઇગરના એક્શન પર વધારે ભરોસો હોવાથી ‘બાગી ૪’ સાથે ‘હીરોપંતી ૨’ નું નિર્માણ પણ કરવાના છે. એમાં ક્રિતિને બદલે તારા સુતારિયા હીરોઇન હશે. ‘બાગી ૪’ ની હીરોઇન હજુ નક્કી થઇ નથી. એમાં દિશા અને શ્રધ્ધાનો ફરી નંબર લાગે છે કે કોઇ નવી હીરોઇન તક મેળવી જશે એ જોવાનું રહેશે.

Related Posts