SURAT

અમદાવાદની જેલમાં ભેગા થયેલા બે ચોર ,મોજશોખ પુરા કરવા ફરી ચોરી કરતા ઝડપાયા

સુરત : પોતાની માથા થયેલું દેવું દૂર કરવા માટે વહેલી સવારે મોટરસાઇકલ ઉપર નીકળીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઇન સ્નેચીંગ (Chain snatching) કરતા બે સ્નેચરોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી સોનાનો ગાળેલો માવો, મોબાઇલ અને મોટરસાઇકલ મળી રૂા. 2.96 લાખની મતા કબજે કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત(Surat) ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ રેલવે સ્ટેશનના ગરનાળા પાસેથી મોટરસાઇકલ ઉપર સવાર જીતેન્દ્ર રમેશભાઇ કાકડીયા (રહે. ધારા સોસાયટી, વેલંજા) તેમજ ભૌમિક ઉર્ફે લાલો ઉર્ફે અદા ભુપેન્દ્રભાઇ ત્રિવેદી (રહે. નડીયાદ, બિલોદરા જેલની પાછળ, સંતરામપાર્ક સોસાયટી)ને પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી પોલીસે રૂા. 2.66 લાખની કિંમતનો સોનાનો ગાળેલો માવો પકડી પાડ્યો હતો. આ અંગે પુછપરછ કરતા બંનેએ અનેક વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઇન અને મંગળસૂત્ર તોડ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પુછપરછમાં જીતેન્દ્ર અને ભૌમિક બંને અમદાવાદની જેલમાં ભેગા થયા હતા અને બાદમાં તેઓની મિત્રતા થઇ હતી.

બંનેની માથે ઘર ચલાવવા તેમજ પોતાના મોજશોખ પુરા કરવા માટે દેવું થઇ ગયું હતું. આ ઉપરાંત બંને દારૂ સહિતનો નશો કરતા હોવાથી વધારે રૂપિયા માથે થઇ ગયા હતા. આ દેવું ઉતારવા માટે બંનેએ સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ બંનેએ એક સાથે જ અલગ અલગ શહેરોમાં જતા હતા અને વૃદ્ધોને ટાર્ગેટ કરીને સોનાની ચેઇન અને મંગળસૂત્રની ચોરી કરી ભાગી જતા હતા. પોલીસે આ બંનેની ધરપકડ કરીને મોબાઇક, રોકડ તેમજ સોનાનો માવો મળી કુલ્લે રૂા. 2.96 લાખની મતા કબજે કરી હતી.

પોલીસના રેકોર્ડ પ્રમાણે ભૌમિક અને જીતેન્દ્ર બંનેની સામે ભૂતકાળમાં અનેક સ્નેચીંગ અને ચોરીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બંનેને પાસા પણ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા બંને નડિયાદમાં ભેગા થયા હતા અને ત્યાં ભૌમિકે પોતાની મોટરસાઇકલ લઇને સુરતમાં આવ્યા હતા. અહીં તેઓ હોટેલમાં રોકાયા હતા અને વહેલી સવારે સ્નેચીંગ કરવા માટે જતા હતા.

Most Popular

To Top