Editorial

ઘરમાં પિતાને થોડો સમય આપી સારી રીતે વાત કરો તો ફાધર્સ ડે ઉજવવાની જરૂર નહીં પડે

જ્યારથી ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના લોકોમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ડેની સમજ થોડી વધી ગઇ છે. પહેલા કોઇને ખબર જ ન હતી કે, વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, વુમન્સ ડે, બ્લડ ડોનેશન ડેની પણ વિશ્વમાં ઉજવણી થાય છે. પરંતુ જ્યારથી ખબર પડી કે ગોરા લોકો આવા દિવસો ઉજવે છે એટલે ભારતીયોએ પણ તે તરફ આંધળી દોડ મૂકી દીધી. આ દિવસો પૈકીનો જ એક દિવસ છે ફાધર્સ ડે. 19 જૂનને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. પશ્વિમી દેશોમાં આ પ્રકારના દિવસો ઉજવવા પડે છે અને તેનું કારણ એ છે કે, અહીં કોઇ બાળકો પગભર થાય એટલે તેમનું સ્વતંત્ર મકાન ખરીદી લે છે અને માતા પિતાથી અલગ રહેવા લાગે છે. આ તેમનું કલ્ચર છે એટલે ત્યાં આ બધું સ્વાભાવિક છે. અહીં ફાધર્સ ડેના દિવસે અલગ રહેતા દીકરા દીકરીઓ પિતાને મળે છે.

ભેંટ આપે છે. સાથે લંચ અને ડિનર લે છે અને એક સારો સમય પસાર કરે છે. જો કે, ભારતમાં તો પુત્ર પિતા સાથે જ રહેતો હોવાથી અહીં આવા દિવસની ઉજવણીનો કોઇ અર્થ રહેતો નથી. પણ પશ્વિમી દેશના લોકો આ દિવસ ઉજવે એટલે આપણે પણ ઉજવવાનો એ માનસિક ગુલામીમાંથી ભારતીયો બહાર નીકળી શક્યા નથી. એટલે અહીં પણ કેટલાંક હરખપદુડા ફાધર્સ ડેની ઉજવણી કરવામાં લાગી પડ્યાં છે. ભારતમાં પિતા બાળકો માટે જે ભૂમિકા ભજવે છે તે કદાચ દુનિયાના કોઇ દેશના પિતા નહીં ભજવતા હોય.

બાપને સૌથી પહેલા બાળકોના એડમિશનની ચિંતા, ત્યાર પછી સ્કૂલ અને ટ્યુશન ફીની ચિંતા. પિતાનો અડધો પગાર તો બાળકોને ભણાવવામાં જ નીકળી જતો હોય છે. બાકીનો પગાર ઘરનું ગુજરાન ચલાવવામાં નીકળી જાય છે અને જે થોડી ગણી બચત હોય તે બાળકોના લગ્ન કરાવવામાં વપરાઇ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે, પુત્ર કે પુત્રીના અભ્યાસ માટે કે લગ્ન માટે પીએફ પણ ઉપાડી લે છે. ભારતના જ પિતા બાળકો માટે આટલી બધી જવાબદારી ઉપાડે છે.

ઘણા પરિવારમાં એવું જોવા મળે છે કે, તહેવારોમાં બાળકોને નવા નવા કપડા મળી જાય છે પરંતુ પિતા કપડાની એક બે જોડીમાં જ આખુ વર્ષ કાઢી નાંખતા હોય છે. એટલે ભારત જેવા દેશમાં ફાધર્સ ડે ઉજવવાની કોઇ જરૂર નથી કારણ કે, અહીં પિતા જે ભૂમિકા ભજવે છે તે જોતા તેઓ રોજ જ પૂજનીય છે. તેમના માટે કોઇ દિવસ નક્કી કરવાની જરૂર નથી. જો સાચા અર્થમાં પિતા માટે લાગણી હોય તો આ દિવસે તેમને ભેંટ સોગાદ આપવાની જરૂર નથી. બસ તેમની સાથે સામાન્ય દિવસોમાં થોડો સમય કાઢીને બેસો અને વાતો કરો તે તેમના માટે પુરતું છે. આ જ તેમના માટે સૌથી મોટો એવોર્ડ છે. પરંતુ હાલમાં પિતા તો બાળકો માટેની તમામ ફરજ અદા કરી દે છે પરંતુ બાળકો મોટા થયા પછી અને ખાસ કરીને પરણી ગયા પછી તેમની સાથે સમય પસાર કરવાની તસ્દી પણ લેતા નથી. વાત નહીં કરે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ કેટલાક પુત્રો તો વાત વાતમાં પિતાને તોડી પાડવાની વૃત્તિ પણ
ધરાવે છે.

જો પિતા પ્રત્યેનું આવું વલણ પુત્રો બંધ કરી નાંખે તો ફાધર્સ ડે ઉજવવાની જરૂર નહીં પડે. કમ સે કમ પુત્રોએ એટલું તો ધ્યાન રાખવું જ જોઇએ કે, જે પિતાએ આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય અને દરેક જગ્યાએ પથદર્શક બન્યા હોય તેમને તમને સમજ નહીં પડે તેવું કહી હડધૂત નહીં કરવા જોઇએ. એતો પિતા જ વિશાળ હ્યદયના હોય છે કે, જે આવું બધું સાંભળીને પણ ચૂપચાપ રહી જાય છે. ફાધર્સ ડે ઉજવવાને બદલે કમસે કમ સારા પુત્ર બનો તો પણ ઘણું છે. બીજી બધી વાત જવાદો ભગવાન શ્રી રામનું જ ઉદાહરણ લઇ લો. જેમણે પિતાના વરદાન માટે 14 વર્ષ સુધી રાજપાઠ છોડીને સહર્ષ વનવાસ સ્વીકાર કરી લીધો હતો.

Most Popular

To Top