Columns

પીવાના પાણીનો વેપાર થવો જોઈએ નહીં

રાજસ્થાનનું એક કુટુંબ મુંબઇ ફરવા આવ્યું. ચોપાટીથી ચાલીને તેઓ છેક નરીમાન પોઇન્ટ સુધી ગયા. રસ્તામાં પાણીની એક પણ પરબ ન આવી. બાજુમાં સમુદ્ર ઘૂઘવતો હતો પણ ખારું પાણી તેમની પ્યાસ બુઝાવવા માટે સક્ષમ નહોતો. નરીમાન પોઇન્ટની એક ફાઇવ સ્ટાર હોટેલમાં તેઓ પાણી પીવા માટે જતા હતા પણ ચોકીદારે તેમને દરવાજેથી જ પાછા કાઢ્યા. છેવટે એક સ્ટોલ ઉપરથી તેમણે પીવાના પાણીની બોટલ ખરીદવી પડી ત્યારે રાજસ્થાની સ્ત્રીના હૈયામાંથી શબ્દો સરી ગયા, ‘આ શહેરના લોકો એટલા લુખ્ખા થઇ ગયા છે કે બહારગામથી આવતા મુસાફરો માટે પીવાના પાણીની સગવડ પણ ન કરી શકે?’

અમે થોડાં વર્ષો પહેલા રાજસ્થાનના શિરોહી શહેરની મુલાકાત લીધી, ત્યારે અમને રાજસ્થાની સ્ત્રીના ઉદગારોનું રહસ્ય સમજાઇ ગયું. રાજસ્થાન સૂકો પ્રદેશ છે. અહીં હંમેશા પાણીની તંગી રહે છે તો પણ અહીંની પ્રજા રસ્તા ઉપર પસાર થતા રાહદારીઓની તરસ બુઝાવવામાં પુણ્ય સમજે છે. આ કારણે જ શિરોહીમાં જાહેર રસ્તા ઉપર જેટલાં ઘર આવેલા છે, તેઓ સવારના પહોરમાં પાણી ભરીને એક માટલું અને પ્યાલો ઘરના ઓટલા ઉપર મૂકી દે છે. આખો દિવસ રસ્તે ચાલતો કોઇ પણ મનુષ્ય આ માટલાનું પાણી પીને પોતાની પ્યાસ બુઝાવી શકે છે. આવા રાજસ્થાનનો નાગરિક મુંબઇ જેવા શહેરમાં આવે, ત્યારે તેને આ શહેરની પ્રજા લુખ્ખી લાગે તેમાં શી નવાઇ?

ભારતવર્ષમાં કોઇ પણ માણસને અનાજ, પાણી, વસ્ત્રો, રહેવા માટે ઘર વગેરે આપવું એ પુણ્યકર્મ ગણવામાં આવે છે. આ કારણે જ લોકો ગામેગામ અન્નક્ષેત્ર ખોલતા હતા અને શેરીએ શેરીએ પરબો ચલાવવામાં આવતી હતી. જ્યારથી આ દેશમાં પાણીનું વેચાણ શરૂ થયું છે, ત્યારથી પરબો બંધ થવા માંડી છે. અગાઉ લોકો ટ્રેનમાં મુસાફરી કરતા, ત્યારે પીવાના પાણીનો મોટો કૂંજો સાથે રાખતા હતા. કોઇ પણ સહપ્રવાસી પાણી માંગે તો પ્રેમથી આપતા હતા. હવે લોકો મિનરલ વોટરની બોટલ 20 રૂપિયે લીટરના ભાવે ખરીદીને પોતાની સાથે રાખે છે. બાજુનો યાત્રિક જો ભૂલેચૂકે પીવાનું પાણી માંગે તો તેમનું મોંઢું બગડી જાય છે. પાણીની બાબતમાં ભારતની પ્રજા આટલી કંજૂસ અને સંકુચિત બની રહી છે, તેની પાછળ પાણીનું બજારીકરણ કરવાનું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કામ કરી રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઓ હવે પાણીને પણ એક કોમોડિટી ગણીને તેમાંથી નફો રળવા માટે મેદાને પડી છે. આ કારણે તેઓ ભારત જેવા ગરીબ દેશોમાં પાણીની કૃત્રિમ તંગી ઊભી કરી રહી છે.

આ ષડયંત્રની અસરમાં લોભી વેપારીઓ પણ આવી ગયા છે. હવે તમે કોઇ પણ મલ્ટીપ્લેક્સમાં જશો અને કેન્ટિનમાં નાસ્તો કરશો તો તમને પીવાનું પાણી ક્યાંય જોવા નહીં મળે. આ કારણે તમારે ફરજિયાત 15 – 20 રૂપિયે લીટરના ભાવે પાણીની બોટલ જ ખરીદવી પડશે. જો તેઓ લોકોને શુદ્ધ પીવાના પાણીની મફતમાં સગવડ આપે તો તેમની બોટલો કેવી રીતે વેચાય? ઇ.સ. 1955માં ભારતનો આજે થયો છે તેવો વિકાસ નહોતો થયો ત્યારે ભારતના પ્રત્યેક નાગરિકને વર્ષે 5,000 ઘન મીટર જેટલું પાણી ઉપલબ્ધ હતું. એક ઘન મીટર એટલે એક હજાર લીટર થાય. એટલે કે 50 વર્ષ અગાઉ ભારતના પ્રત્યેક નાગરિકને વર્ષે 50 લાખ લીટર પાણી પ્રાપ્ય હતું.

આજે ભારતના નાગરિકને ભાગે વર્ષે 1500 ઘન મીટર જેટલું જ પાણી ઉપલબ્ધ છે અને આ જથ્થો પ્રત્યેક વર્ષે ઘટતો જાય છે. આ પાણી ક્યાં ગયું એવો પ્રશ્ર્ન કોઇ પણ નાગરિકને થયા વિના રહેશે નહીં. તેનો જવાબ એ છે કે શહેરીકરણને કારણે નદીઓ પ્રદૂષિત બની ગઇ અને ઉદ્યોગીકરણને કારણે પાણીનો ભયંકર વ્યય થઇ રહ્યો છે. ભૂગર્ભજળના ઉપયોગની બાબતમાં ભારતનો આજે દુનિયામાં પહેલો નંબર આવે છે. વિશ્ર્વમાં દર વર્ષે આશરે 200 ઘન કિલોમીટર જેટલું ભૂગર્ભજળ જમીનમાંથી ખેંચવામાં આવે છે. આ પૈકી 66 % ભૂગર્ભજળ તો ભારતની જમીનમાંથી જ ખેંચવામાં આવે છે. હજારો વર્ષો અગાઉ જમીનમાં ઉતરેલા આ પાણીમાં આર્સેનિક જેવી ઝેરી ધાતુઓ અને ફ્લોરિન જેવા પદાર્થો હોય છે.

 આ ભૂગર્ભજળ પીવાને કારણે પ્રજા અનેક પ્રકારના રોગોનો ભોગ બની રહી છે. આ ભૂગર્ભજળ પણ ખલાસ થશે ત્યારે પ્રજા શું કરશે? મલ્ટીનેશનલ કંપનીઓ તો એવી પરિસ્થિતિ પેદા કરવા માંગે છે કે દેશના દરેક નાગરિકોએ પીવા માટે મિનરલ વોટર જ ખરીદવું પડે.  આજે આપણી સરકાર કબૂલ કરે છે કે પ્રજાના અડધા હિસ્સાને તેઓ પીવાનું સલામત પાણી પહોંચાડી શકતા નથી. હકીકત કંઇક અલગ જ છે. ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે ભારતનું એક પણ ગામડું એવું નહોતું કે જેમાં પીવાના પાણી માટેનું ઓછામાં ઓછું એક સાધન ન હોય.

સ્વતંત્રતાના 66 વર્ષમાં આપણી સરકારની ખોટી નીતિઓને કારણે અડધી પ્રજાના પીવાના પાણીની સગવડ ખતમ થઇ ગઇ છે. સરકારે અને ઉદ્યોગોએ પ્રજાનું પીવાનું પાણી ઝૂંટવી લેવાનું અકાર્ય કર્યું છે અને હવે સરકાર પાણીનો વેપાર કરવા માંગે છે. સરકારની દાનત ભારતની બધી નદીઓ, બધા તળાવો અને બધા પાતાળકૂવાઓ મલ્ટીનેશનલ કંપનીઓને સોંપી દેવાની છે. જેથી તેઓ પીવાના પાણીનો વેપાર કરી તેમાંથી ધૂમ કમાણી કરી શકે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પાણીના જે મીટરો બેસાડી દેવામાં આવ્યા છે, તેનો ઉદ્દેશ પાણીનો વેપાર કરવાનો છે. બેંગલોરમાં તો એક પરિવારનું પાણીનું માસિક બીલ જ 5,000 રૂપિયા પર પહોંચી જાય છે. ધીમે ધીમે ભારતના બધા શહેરોમાં આ પદ્ધતિ આવશે. જે દેશમાં પીવાના પાણીનો વેપાર શરૂ થઈ જાય, તેની સંસ્કૃતિ પણ ખતમ થઈ જાશે.

Most Popular

To Top