Dakshin Gujarat

ચોરીની બાઇક ઉપર મોબાઈલ ફોન સ્નેચિંગ કરતા બે યુવકોને કીમ પોલીસે દબોચી લીધા

સાયણ: (Sayan) કીમ પોલીસમથકમાં ગત તા-૨૨ જાન્યુઆરીના રોજ કીમ (Kim) ગામની સીમમાં દરબાર હોટલ, અંકુર શોપિંગ સેન્ટરની ગલીમાંથી એક નોકરિયાત નોકરી ઉપર જઈ રહ્યો હતો. એ સમયે તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી બે ઈસમ ફરાર થઈ ગયા હતા. જ્યારે એ જ દિવસે કીમ ગામની સીમમાં એસ્સાર પેટ્રોલપંપની સામે યુવક નોકરી (Job) ઉપર જઈ રહ્યો હતો, ત્યારે તેના હાથમાંથી પણ આ ઈસમો મોબાઈલ (Mobile) ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જેના પગલે બંને ચોરી-લૂંટ (Theft-Loot) ઘટનાની પોલીસ ફરિયાદ કીમ પોલીસમથકમાં પહોંચતાં પોલીસે બંને બનાવ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસે કુડસદ રેલવે ફાટક બ્રિજ પાસેથી મોબાઈલ ફોન ચોરીના બંને ગુનાના ઈસમો નંબર વગરની મોપેડ લઈ જનાર છે એવી બાતમી મળતાં વોચ ગોઠવી સુનીલ ધનસુખ વસાવા (ઉં.વ.૨૦) (રહે.,કીમ) તથા મૂળ અમદાવાદનો રહીશ અને ડિંડોલીના ગણપતધામ વિભાગ-2માં રહેતા પ્રકાશ નાથા રાઠોડ (ઉં.વ.૨૪)ને ઝડપી લેતાં ચોરીની કબૂલાત કરી હતી.

ઉપરાંત નંબર વગરની આ મોપેડ અમદાવાદના સરદારનગરમાંથી ગત તા.૧૮ જાન્યુઆરીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીનો ગુનાહિત ઈતિહાસની તપાસ કરતાં આરોપી પ્રકાશ રાઠોડ વિરુદ્ધ ઓલપાડ મથકમાં પણ ગુનો નોંધાયાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૮,૦૦૦ અને રૂ.૫,૦૦૦ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન, નંબર મોપેડ કિંમત રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ. ૯૩,૦૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

બારડોલીમાં એનઆરઆઇના બંધ મકાનમાંથી 7 લાખની ચોરી
બારડોલી: બારડોલીને અડીને ધામડોદ લુંભા ગામની સીમમાં આવેલી સ્વયમ સોસાયટીના એનઆરઆઇના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી 7 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે.
શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ તસ્કર ટોળકી ફરી સક્રિય થઈ ગઈ છે. ચોમાસાની ઋતુમાં પોલીસને હંફાવ્યા બાદ ફરી એકવખત ચોર મેદાનમાં આવી ગયા છે. બારડોલીને અડીને ધામડોદ ગામની સીમમાં આવેલી સ્વયમ સોસાયટીમાં રહેતો એનઆરઆઇ પરિવાર લગ્નપ્રસંગ હોવાથી હાલ વતન આવેલો છે. સોમવારે રાત્રે પરિવારના તમામ સભ્યો લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે બહારગામ ગયા હોય તે સમયે સોસાયટીના પાછળથી ઘૂસેલા ચોરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદરથી સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ 7 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ચોરી કરવા માટે 10થી 20 ઇસમો આવ્યા હોવાનું પણ સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જો કે, પરિવાર થોડા દિવસમાં વિદેશ જવાનું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે. શિયાળામાં ચોરીની ઘટનાઓ શરૂ થતા જ ફરી એક વખત બારડોલીના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે;

Most Popular

To Top