Vadodara

ચારેબાજુથી સમગ્ર શહેર કોરોના સંક્રમણમાં ઘેરાયું : નવા 862 કેસ

વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વાયુ વેગે પ્રસરી રહ્યું છે.કોરોનાને જાણે છેલ્લા 2 દિવસમાં આક્રમક વલણ અપનાવ્યું હોય તેમ ગતરોજ 606 કેસ બાદ બુધવારે 862 કેસો નોંધાયા હતા શહેરના ચારેય ઝોનમાં 100 થી વધુ વ્યક્તિઓ રોજેરોજ કોરોના સંક્રમિત થઈ રહી છે.જોકે પાલિકાના ચોપડે કોવિડથી મૃત્યુ આંક 623 પર સ્થિર રહેવા પામ્યો છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોવિડ 19 નું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.એક દિવસમાં કોવિડના કેસોમાં 256 ગણો વધારો થયો છે.હાલ પાલિકાની આરોગ્ય વિભાગની ટિમો દ્વારા સેમ્પલિંગની કામગીરીને વધારવામાં આવી છે.જેના કારણે રોજે રોજ સંખ્યાબંધ કેસો આવવા માંડ્યા છે. વિતેલા 24 કલાકમાં 10,770 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 862 પોઝિટિવ આવ્યા છે.

જ્યારે 9,908 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 231 દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ સાત દિવસ સખત હોમ ક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે. વિતેલા ૨૪ કલાકમાં કરાયેલ સેમ્પલ ની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 211 દર્દીઓ દક્ષિણ ઝોનમાં 185 દર્દીઓ પૂર્વ ઝોનમાં 177 દર્દીઓ જ્યારે પશ્ચિમ ઝોનમાં 203 દર્દીઓ સહિત વડોદરા રૂરલ માંથી 86 દર્દીઓ મળી કુલ 862 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત જણાઈ આવી હતી.  મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજીમાં સારવાર હેઠળના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4 ના વધારા સાથે 14 થઈ છે.તેના ઓપીડી વિભાગમાં 63 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે પૈકી 18 કેસો પોઝિટિવ જણાયા હતા.

કોરોનાની ઝપેટમાં આવેલ વિસ્તારો
જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સંવાદ, ગોત્રી, છાણી, યમુના મિલ, તાંદલજા, સમા, અકોટા, હરણી સુદામાપુરી, ફતેપુરા, રામદેવ નગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયા

2,554 હોમ આઈસોલેશન તેમજ 2,711 એક્ટિવ કેસ
વડોદરા શહેરને કોરોના એ તેની ઝપેટમાં લીધું છે ત્યારે રોજેરોજ બોડી સંખ્યામાં નવા કેસો નો વધારો થવા લાગ્યો છે શહેરમાં કોરોના ના એક્ટિવ કેસોની સંખ્યા 2711 અને હોમ આઇસોલેશન હેઠળ 2554 વ્યક્તિઓ છે જ્યારે 157 દર્દીઓ કોરોના ની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર -બાય પેપ ઉપર 8 દર્દીઓ, વેન્ટિલેટર વગર આઈસીયુમાં 18 દર્દીઓ, ઓક્સિજન ઉપર 62 દર્દીઓ અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 69 દર્દીઓ નો સમાવેશ થાય છે.

લગ્ન-શુભ પ્રસંગ લઈને બેઠેલા પરિવારોની હાલત કફોડી બની
ગુજરાતમાં ફરી એક વખત કોરોનાની રફતાર વાયુવેગે ફેલાતા રાજકીય મેળવવામાં વ્યસ્ત સરકારની ઊંઘ ઉડી હતી અને રાતોરાત નિયમોમાં ફેરબદલની શરૂઆત કરી દીધી કરી હતી જેને લઇ લોકોની તકલીફોમાં વધારો થયો હતો વધી છે  બે ચાર દિવસ પહેલા જ સરકારે લગ્ન અને શુભપ્રસંગમાં 400 માણસની હાજરીનો નિયમ બનાવ્યો હતો પરંતુ કોરોનાની ઝડપ જોઈ સરકાર સફાળી જાગી ગઈ હતી અને રાતોરાત નિયમમાં ફેરબદલ કરી શુભ પ્રસંગમાં 150 માણસની જ પરવાનગી વાળી નવી ગાઈડ લાઈન જાહેર કરી દીધી જેને લઈ ઘરમાં લગ્ન અને શુભ પ્રસંગ આદરી બેઠેલા પરિવારોની હાલત કફોડી બની ગઈ છે અનેક  પરિવારોની મૂંઝવણ વધી છે કેટલાક પરિવારે તો લગ્નની કંકોત્રી અને આમંત્રણ પણ આપી દીધા છે તેવામાં લગ્નમાં કોને બોલાવવા કોને ના પાડવી તેને લઇ પરિવારોની કશ્મકશ વધી છે તો કેટલાક પરિવારોએ લગ્નની મોકૂફ  કરી દીધાનું પણ જાણવા મળ્યું છે સરકારના અણઘડ નિર્ણય વચ્ચે ફરી એકવાર ડીજે થી માંડી કેટરિંગ,  મેરેજ હોલ વાળા પાર્ટી પ્લોટ વાળા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા બેન્ડ બાજા વાળા બગીવાળા ફુલમાળીઓ અને બ્રાહ્મણોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પત્રકારો પણ કોરોનાની ચપેટમાં આવવા માંડ્યા
કોરોના એ સમગ્ર શહેરને ચારે દિશાઓથી ધમરોળ્યું છે.ત્યારે પત્રકારો પણ કોરોના ની ઝપેટમાં આવવાથી બાકાત નથી.કોરોનાની અગાઉ ઉદ્ભવેલી મહામારીમાં પણ પત્રકારો જે લોકો સુધી સાચા અને સચોટ સમાચારો પુરા પાડતા કોરોના ના ભરડા માં આવ્યા હતા.જે સિલસિલો નવા વર્ષમાં પણ યથાવત રહેવા પામ્યો છે.શહેરમાં ચારથી વધુ પત્રકારોને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની માહિતી મળી હતી.જેમાં ખાનગી વેબ પોર્ટલના કેમેરામેન અને રિપોર્ટરનો પણ સમાવેશ થાય છે.

ઓમિક્રોન માટેની હાઈરિસ્ક કન્ટ્રીમાંથી 74 સહિત વધુ 411 પ્રવાસીઓ વડોદરા પરત ફર્યા
વડોદરામાં ઓમિક્રોનના આવી રહેલા કેસો વચ્ચે વિદેશથી પ્રવાસીઓનું આગમન જારી છે. બુધવારે વધુ 411 વિદેશી પરત ફર્યા હતા. જ્યારે 74 પ્રવાસીઓ ઓમિક્રોન માટેના જોખમી દેશોમાંથી આવેલા છે. દ.આફ્રિકા તથા અન્ય આફ્રિકન દેશોમાંથી 4,ન્યુઝીલેન્ડમાંથી 4, ઇઝરાયેલમાંથી 2 તથા યુકે સહિતના યુરોપિયન દેશોમાંથી 38 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગત 23 નવેમ્બર 2021 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન કુલ 4,334 પ્રવાસીઓ પરત ફર્યા છે.જે પૈકીના 1944 પ્રવાસીઓ જોખમી દેશોમાંથી પરત ફર્યા છે.જેમાં 1561 પ્રવાસીઓ યુકે અને યુરોપિયન દેશોમાંથી આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ 1578 પ્રવાસીઓનો ક્વોરેન્ટાઈન સમય પૂર્ણ થઈ ગયેલ છે.

Most Popular

To Top