Dakshin Gujarat

ડાંગના સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ડુંગરોની ખીણમાં સમથળ અને ટેકરાળ ભૂમિ ઉપર ધબકતું ગામ ઘાણા

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ ઘાણા ગામની વાત કરીએ તો આ ગામ અડધું ડુંગરોની ખીણમાં તો અડધું ટેકરા પર આવેલું છે. ઘાણા ગામની ચોતરફ માત્ર ને માત્ર જાજરમાન વનસંપદા જોવા મળી રહે છે. ઘાણા ગામથી 4 કિલોમીટરના અંતરે લવચાલી ગામે રાજ્ય ધોરી માર્ગ આવે છે. આ ગામની ચોતરફ ડુંગરો અને જંગલો હોવાથી ચોમાસાની ઋતુમાં કુદરતી સંપદા જાજરમાન બની દીપી ઊઠે છે. અહીં અમુક ઘરો ડુંગરોના ચઢાણ વિસ્તારમાં આવેલ હોય તથા અમુક ઘરો ખીણમાં આવેલા હોવાના પગલે ગામનાં દૃશ્યો કંઈક અલગ જ લાગે છે. ડુંગરાળ વિસ્તારની ઊંચાઈએથી વનસંપદામાં આ ગામનાં ઘરોની અનોખી પ્રતિકૃતિ જોવા મળે છે. જ્યારે પાનખર ઋતુમાં જંગલોનાં ઝાડ પરથી પાંદડાં ખરી પડતાં ખીણમાં ભૂમિ પર માત્ર કાચાં-પાકાં મકાનોની જ પ્રતિકૃતિ નિહાળવા મળવાની સાથે ખરેખર આદિવાસી વસાહતનાં ગામડાંની ઝલક જોવા મળી રહે છે.                                       

વર્ષો પહેલા ઘાણા ગામ ડાંગ જિલ્લાના પાંચ રાજવી સ્ટેટ પૈકી દહેર સ્ટેટમાં સમાવિષ્ટ ગામ હતું. હાલમાં આ ગામ સુબિર તાલુકામાં આવે છે. જંગલો અને ડુંગરોની ખીણમાં સમથળ તથા ઊંચી-નીચી ટેકરાળ ભૂમિ પર આવેલી હોવાના પગલે આ ગામના નામની એક લોકવાયકા પણ વડીલો પાસે સાંભળવા મળે છે. એક લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ ગામનાં જંગલો અને જમીન દહેર સ્ટેટના ભીલ રાજવીના તાબામાં હતું. ઘાણા ગામના વડીલ તાનુભાઈ જીવુભાઈ પવારના જણાવ્યા અનુસાર વર્ષો પહેલાં ઘાણા ગામની સીમમાં આવેલી જમીનમાં વારલી અને ભીલ સમુદાયના લોકોને ચમત્કારિક પથ્થરની પિલાણ માટેની ઘાણી મળી આવી હતી.

અહીં લોકોને પથ્થરની અંદર પીલાણ થાય તેવી ઘાણી મળી આવતાં આ સ્થળને ‘ઘાણ દેવના ઘોડા’ નામ આપી પૂજા-અર્ચના કરવા લાગ્યા. અને આ પથ્થરની ઘાણી પ્રાકૃતિક રીતે આસ્થાનું પ્રતીક હોવાથી અહીં ખીણમાં જ વારલી અને ભીલ લોકોએ કુટુંબ કબીલા સાથે વસવાટ શરૂ કર્યો અને આ ગામનું નામ ઘાણી પરથી ઘાણા પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ‘ઘાણ દેવીના ઘોડા’ નામના સ્થળે સૌપ્રથમ વારલી અને ભીલ સમુદાયના લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાથી ઘાણા ગામનું નામ પડ્યું હોવાનું જણાઈ આવે છે. જે-તે સમયે આ ગામ દહેર રાજવીના તાબામાં હતું. જેથી આ ગામમાં વસવાટ કરતા લોકોને વર્ષમાં ઘણી વખત રાજાના ફરમાન મુજબ રાજાનાં ખેતરોમાં મફતમાં ખેતીનું કામ કરી આપવું પડતું હતું.

આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર ભીલ, વારલી અને કુનબી જ્ઞાતિના છે. આ ગામના 50 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 50 ટકા લોકો ક્રિશ્ચયન ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં નાનકડું હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. સાથે આ ગામમાં ક્રિશ્ચયન ધર્મના ત્રણ ચર્ચ પણ છે. વધુમાં ઘાણા ગામમાં ક્રિશ્ચયન લોકો બુધવારે, શુક્રવારે અને રવિવારે ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે. જ્યારે હિન્દુ ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા નાનકડા હનુમાનજીના મંદિરના શેડમાં શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘાણા ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 1700થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા 1000 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 700થી વધુ છે.

આ ગામમાં 280થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 300થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે. ગામમાં ફળિયાંની કુલ સંખ્યા 3 છે. ઘાણા ગામમાં નિશાળ ફળિયું, નીચલું ફળિયું, વચલું ફળિયું મળી કુલ ત્રણ ફળિયાં આવેલાં છે, જેમાં 280થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. ઘાણા ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામમાં મોટા ભાગના પુરુષો અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ઓછો જોવા મળ્યો છે. અહીં સાક્ષરતા દર નીચો હોવાના પગલે ધર્માંતરણની ગતિવિધિ વધી ગઈ છે. મોટા ભાગના પરિવારો શેરડીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હોવાથી અહીં એકપણ યુવાન સરકારી કે ખાનગી નોકરી કરતો નથી.

50 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે
આ ગામના 50 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે. જ્યારે 50 ટકા લોકો સુગર ફેક્ટરીઓમાં શેરડી કાપણીના મજૂરીકામ અર્થે જાય છે. આ ગામમાંથી મોટા ભાગના લોકો સુગર ફેક્ટરીઓમાં કામે જતા હોવાથી અમુક સિઝનમાં આ ગામ ખાલી જોવા મળી રહે છે. અહીં અમુક પરિવાર ચોમાસાની અને શિયાળુ ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ સારી રીતે કરી રહ્યા છે. સિંચાઈની દૃષ્ટિએ ગામને અડીને નાના-મોટા ત્રણ ચેકડેમ અને સંગ્રહ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે. આ ચેકડેમોમાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં પાણીનાં સ્તર નીચાં જાય છે. આ ગામના લોકો સહિત પશુપાલનને ત્રણેક મહિના માટે પાણીની થોડી ઘણી તકલીફો વેઠવાની નોબત આવે થાય છે. આ ગામમાં ચોમાસાની અને શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, મગફળી, ઘઉં, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે અમુક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓને ઉપલબ્ધ કરી છે.

છેલ્લી બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત દહેરમાં કોંગ્રેસની બોડીનો દબદબો
હાલમાં દહેર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઘાણા, દહેર અને ઉગા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત દહેરમાં કોંગ્રેસની બોડીનો દબદબો જોવા મળે છે. ગ્રુપ ગ્રામ પંચાયત દહેરમાં ઘાણા ગામના ખાસ્યા દંપતી છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસનો પંજો લહેરાવી શાસન કરી રહ્યું છે. દહેર ગ્રુપ ગ્રામ પચાયતના ઘાણા ગામની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી બહુમતીથી કોંગ્રેસની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવે છે. અહીં એક વખત સરપંચ તરીકે કોંગ્રેસ પેનલનાં મીરાબેન કરીમભાઈ ખાસ્યા ચુંટાઈ આવ્યાં હતાં.

જ્યારે બીજી ટર્મમાં કરીમભાઈ રમાભાઈ ખાસ્યા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યાં છે. હાલ ઘાણા સહિત બે ગામોમાં સરપંચ તરીકે કરીમભાઈ ખાસ્યા સેવા આપી રહ્યા છે. ઘાણા ગામના યુવાન અને જાગૃત સરપંચ કરીમભાઈ ખાસ્યાએ છેલ્લાં 10 વર્ષથી અહીં આગેવાન તરીકે સત્તાની કમાન સંભાળી આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળતા હાંસલ કરી છે. હાલમાં આ યુવાન સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ત્રણ ગામોનાં વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યા છે. ઘાણા ગામમાં ત્રણ વોર્ડ સભ્યો આવેલા છે. ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો તરીકે પરસુભાઈ દેવરામભાઈ કુંવર, લાસુભાઈ જીવુભાઈ પવાર અને સીવરામભાઈ યાદુ પવાર કોંગ્રેસની પેનલમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા છે.         

લવચાલીથી ઘાણાને જોડતા માર્ગ ઉપર ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં ગ્રામજનોને હાલાકી
ઘાણા ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ સુબિરથી 13 કિલોમીટરના અંતરે અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવા છતાં અહીંના ગ્રામજનોને મુખ્યમથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળે છે. ઘાણા ગામમાં આહવા-ઘાણા એસટી બસ રોજેરોજ નિયત સમય મુજબ સવારે અને સાંજે આવન-જાવન કરે છે.

આ ગામના આંતરિક માર્ગો જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી ઘણાં વર્ષો પૂર્વે નવીનીકરણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ માર્ગ-મકાન વિભાગ દ્વારા કાળજી ન લેવાતાં આ માર્ગોની સપાટી હાલમાં ઉખડી ગઈ છે. સાથે આ માર્ગમાં નાળાઓમાં પાણીનો ભરાવો થઈ રહેતાં ચોમાસાની ઋતુમાં આ માર્ગ કાદવ અને કીચડથી લથબથ બનેલો જોવા મળે છે. હાલમાં લવચાલીથી ઘાણાને જોડતા 4 કિલોમીટરના આંતરિક માર્ગમાં પણ અમુક જગ્યાએ ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં ગ્રામજનોને હાલાકી વેઠવાની નોબત આવી છે.

પેવર બ્લોક અને સીસી માર્ગોની હાલત એકંદરે સારી
ઘાણા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દહેર દ્વારા દરેક ફળિયાંમાં પેવર બ્લોક અને સીસીના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક અને સીસી માર્ગોની હાલત એકંદરે હાલમાં ખૂબ જ સારી છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક અને સીસી માર્ગોની તાતી જરૂરિયાત લાગી રહી છે. સાથે ઘાણા ગામ ખીણમાં હોવાથી ફળિયાંમાં ગટરલાઈનની સુવિધાઓના અભાવે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળે છે.

સિંચાઈની સુવિધા છતાં શેરડીની સિઝનમાં હિજરત
ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. અહીં ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડવા માટેની યોજના હાલમાં પ્રગતિ હેઠળ જોવા મળી રહી છે. ગામમાં સરકાર દ્વારા 25થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે, જેમાંથી 12 જેટલા બોર કાર્યરત છે. જ્યારે અડધા બોર રિપેરની રાહ જોઈ રહ્યા છે.

ગામના નજીકમાં પાણી સંગ્રહ માટે 2 ચેકડેમ અને 3 કૂવા હોવાથી આ ગામ પાણીની સુવિધાઓથી સભર જોવા મળે છે. ગામમાં બોરમાંથી 9 મહિના સુધી વ્યવસ્થિત પાણી નીકળે છે. બાદમાં ઉનાળાની ઋતુના ત્રણ મહિના દરમિયાન અહીં પાણીની થોડી ઘણી તકલીફો ઊભી થાય છે. ઘાણા ગામે ચોમાસા અને શિયાળામાં પણ પાણીના સ્ત્રોત મળી રહેતાં અહીં અમુક જ ખેડૂતો શિયાળુ અને ચોમાસુ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે. આ ગામમાં ખેતીની જમીનો તથા સિંચાઈની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવા છતાં લોકો વર્ષોથી શેરડીની સિઝનમાં હિજરત કરે છે. 

આરોગ્યની સુવિધા, દરેક ઘરમાં શૌચાલય          
આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં લવચાલી ગામે સબ સેન્ટર આરોગ્ય કેન્દ્ર લાગે છે. જ્યારે સુબિર સી.એચ.સી. હોસ્પિટલ 11 કિલોમીટર જેટલી દૂર હોવાથી ઇમરજન્સી મોટી બીમારીના સમયે લોકો ચોમાસાની ઋતુમાં સંકટમાં મુકાઈ જાય છે. આ ગામના લોકોને મોટી બીમારી જેવા સમયે દર્દીઓને લઈને આહવા, વાંસદા અથવા વલસાડ સુધી સારવાર માટે દોડવું પડે છે. ઘાણા ગામના ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગરીબોને ઇન્દિરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસની પણ ફાળવણી કરી છે.

વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત
ઘાણા ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. ગામના જાગૃત યુવાન સરપંચ કરીમભાઈ ખાસ્યા દ્વારા પંચાયતની ગ્રાંટમાંથી અહીં નવું સ્મશાન બનાવાતાં ચોમાસાની ઋતુમાં અંતિમક્રિયા વેળાએ ગ્રામજનોને મોટી રાહત મળી ગઈ છે.

પશુપાલન ઉદ્યોગ પણ વિકસ્યો: પશુપાલકો રોજિંદા અંદાજિત 100 લીટર જેટલું દૂધ ભરે છે
પશુપાલન ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. ગામના નાના-મોટા ખેડૂતો ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવા પાળતું પ્રાણીઓનો ઉછેર કરી સાઈડ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. ઘાણા ગામે દૂધની ડેરી પણ સખીમંડળ ચલાવી રહી છે. દૂધમંડળીના પ્રમુખ તરીકે ગીતાબેન પરસુભાઈ કુંવર અને મંત્રી તરીકે યોહાનભાઈ સોમાભાઇ પવાર ફરજ બજાવી રહ્યા છે. ગામના પશુપાલકો રોજેરોજ ડેરીમાં અંદાજિત 100 લીટર જેટલું દૂધ ભરે છે.

 ચોમાસામાં વીજળીની મોટી તકલીફ
આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. આ ગામમાં ચોમાસાની ઋતુમાં વીજળીની મોટી તકલીફ રહે છે એવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સખી મંડળો પણ કાર્યરત
ગામમાં મહિલાઓ દ્વારા સખીમંડળો પણ કાર્યરત કરાયાં છે. આ સખીમંડળો પૈસાની બચત કરી સુખ-દુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે.

શિક્ષણની હવાઈ ‘ગુલબાંગો’: પારકે ઓટલે બેસી ભણતાં આંગણવાડીનાં ભૂલકાંનું કોઈ બેલી નથી!
બંને જર્જરિત આંગણવાડી, પણ રજૂઆત કરનારાને સાંભળે કોણ?
ઘાણા ગામની બંને આંગણવાડીઓ જર્જરિત બનતાં માસૂમ આદિવાસી બાળકોનાં ભવિષ્ય સાથે ચેડાં કરાઈ રહ્યાં છે. ઘાણા ગામની 1700 જેટલી વસતી હોવાથી અહીં બે આંગણવાડી આવેલી છે. આંગણવાડી ન.1માં 102 બાળક નોંધાયાં છે. જ્યારે આંગણવાડી નં.2માં 40 બાળક નોંધાયાં છે. ઘાણા ગામની આંગણવાડી નં.1 જેના એક મહિના પૂર્વે વાવાઝોડામાં પતરાં જમીનદોસ્ત થઈ ગયાં હતાં. પરંતુ ડાંગ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગે એક મહિના બાદ પણ આ આંગણવાડીને રિપેર ન કરતાં બાળકો એક વ્યક્તિના ઘરના ઓટલા પર બેસી શિક્ષણનું સિંચન કરવા મજબૂર બન્યાં છે. જ્યારે આંગણવાડી નં.2 પણ એટલી હદે જર્જરિત બની જતાં આ મકાનમાંથી ચોમાસાની ઋતુમાં પાણી લીકેજ થઈ બાળકો પર પડે છે. અહીં ચોમાસાની ઋતુમાં ભણશે ડાંગનાં બાળકોના સૂત્રની જગ્યાએ ગળતર શિક્ષણના સૂત્રને સાર્થક કરી રહ્યું છે. આ બંને જર્જરિત આંગણવાડીઓ મુદ્દે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલ્યું નથી. ગામમાં આંગણવાડી વર્કર તરીકે ચૌધરી વર્ષાબેન વિજયભાઈ તથા હેલ્પર તરીકે ઘુલુમ વણીતાબેન ચંદરભાઈ ફરજ બજાવે છે. જ્યારે બીજી આંગણવાડીમાં આંગણવાડી વર્કર તરીકે જયવંતીબેન યોહાન પવાર તથા હેલ્પર તરીકે રૂક્ષાબેન રવીન્દ્રભાઈ ગવળી ફરજ બજાવે છે.

પ્રાથમિક શાળામાં શિક્ષણ સારું મળે છે
ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1 પ્રાથમિક શાળા જે 1થી 8 ધોરણની આવેલી છે, જેમાં 260 બાળકો મફત શિક્ષણનો સરકારની યોજનાનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ધોરણ-1થી 8માં 134 કુમાર અને 126 કન્યા અભ્યાસ કરે છે. હાલ રોજેરોજ 9 જેટલા શિક્ષકો શાળામાં આવી બાળકોને સુલભ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. શાળાના આચાર્ય તરીકે શુભનભાઈ મંછુભાઈ સુનુન્યા તથા શિક્ષકોમાં સુનીલભાઈ કાંતિલાલ ગામીત, ચેતનકુમાર ચંપકભાઈ પટેલ, હંસાબેન ગોવિંદભાઈ ગાયકવાડ, દર્શનાબેન સુરેશભાઈ પટેલ, ઉમેશભાઈ ભગુભાઈ પટેલ, સુભાષભાઈ દૌલતભાઈ બિરારી, મોનાલીબેન નવસુભાઈ પટેલ, અનિતકુમાર શુક્કરભાઈ પવાર ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટની સુવિધા નથી. આ શાળાના આચાર્ય શુભનભાઈ સુનુન્યા ઉત્સાહી શિક્ષક હોવાથી શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. આ શાળાના 9 શિક્ષકો નિયમિત શિક્ષણ કાર્ય કરાવે છે.

અહીં શાળામાં મધ્યાહન ભોજનનો શેડ સુલભ હાલતમાં જોવા મળે છે. બાળકો માટે ટોઇલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ધોરણ-8નાં બાળકોને પ્રોજેક્ટરના માધ્યમથી શિક્ષણ અપાય છે. આ શાળામાં બગીચાની વ્યવસ્થા પણ કરાઈ છે. આ શાળાનાં બાળકોને શિક્ષકો દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. સાથે શાળામાં મેનુ મુજબ બપોરનું ભોજન પણ સુવ્યવસ્થિત રીતે બાળકોને પીરસવામાં આવી રહ્યું છે. ઘાણા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 8 માટે સિઝનલ હોસ્ટેલની પણ વ્યવસ્થા છે. ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેના માર્ગદર્શન હેઠળ ઘાણા પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધર્યું છે. અહીં સિઝનમાં અમુક વાલીઓ શેરડીમાં જતા હોવાથી બાળકોને સિઝનલ હોસ્ટેલમાં મૂકી જાય છે.

તલાટી કમ મંત્રી નિમિષાબેન ઢોડિયાની ઉત્તમ કામગીરી
આ ગામનાં તલાટી કમ મંત્રી તરીકે નિમિષાબેન ઢોડિયા કામગીરી કરે છે. તેમના ચાર્જમાં ગ્રુપ ગ્રામ પંચાયતના અન્ય ગામડાં પણ આવે છે. હાલમાં દહેર ગ્રુપ ગ્રામ પંચાયતની નિયમિત કામગીરી કરી રહ્યા છે. ગ્રુપ ગ્રામ પંચાયત દહેરની કચેરી ઘાણા ગામના લોકોને દૂર પડતી હોવાથી લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે તકલીફ વેઠવી પડે છે. ચોમાસાની ઋતુમાં ઘાણાથી દહેરને જોડતા માર્ગમાં પુલના અભાવે ગ્રામજનોને 18 કિલોમીટરનો ચકરાવો ફરીને દાખલા લેવા જવું પડે છે.

હિન્દુ અને ક્રિશ્ચયનની વસતી, છતાં એકરાગીતા
ઘાણા ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. અહીં હિન્દુ અને ક્રિશ્ચયન અડધા અડધા ભાગમાં હોવા છતાં શાંતિ જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ એકબીજાના ધર્મમાં વિક્ષેપ પાડતી નથી.

માજી સરપંચ મીરાબેન કરીમભાઈ ખાસ્યા કોંગ્રેસ પાર્ટીનાં નેતા
ઘાણા ગામની શિક્ષિત મહિલા અગ્રણી અને માજી સરપંચ મીરાબેન કરીમભાઈ ખાસ્યા કોંગ્રેસ પાર્ટીનાં નેતા છે. આ શિક્ષિત મહિલા ગ્રુપ ગ્રામ પંચાયત દહેરમાં કોંગ્રેસ પેનલમાંથી એક વખત દબદબાભેર ચુંટાઈ આવી હતી. હાલમાં સરપંચ તરીકેની તેમની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. મીરાબેન ખાસ્યાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મેળવ્યા બાદ મારાં લગ્ન ઘાણા ગામે થતાં ગૃહિણીની સાથે સાથે ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું.

અને હાલમાં ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. હાલમાં ત્રણ જેટલાં ગામોના લોકોના સલાહ-સૂચન મુજબ વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરીને સરકારી યોજનાઓ સફળ બનાવવા માટે તંત્રમાં હું રજૂઆત કરું છું. અંતરિયાળ ગામમાં યુવા મહિલા નેતા તરીકે ઊભરી આવ્યા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે થાય એ માટે વારંવાર સુબિર તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયત અને તંત્રમાં રજૂઆત કરતી આવું છું.

હાલમાં બીજી ટર્મમાં પોતે કરીમભાઈ ખાસ્યા સરપંચ પદે ચુંટાઈ આવ્યા છે. ખાસ્યા દંપતી વિપક્ષ કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત અને વફાદારીને વરેલું હોવાથી ગામ સહિત વિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા ઝઝૂમી રહ્યું છે. કોંગ્રેસના આગેવાન અને સરપંચ કરીમભાઈ ખાસ્યા પોતે શિક્ષિત હોવાથી યુવાનોને યોગ્ય માર્ગદર્શન તેમજ ગામના શિક્ષિત ન હોય તેવાં વૃદ્ધ ભાઈ-બહેનોની સહાયકીય યોજનાઓમાં તાલુકા મથક સુબિર સુધી દોડી જઈ મદદરૂપ બની ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યાં છે. સરપંચ કરીમભાઈ ખાસ્યા લોકો જોડે મળતાવડા સ્વભાવના હોય તથા સેવાભાવી હોવાથી છેલ્લાં 10 વર્ષથી દહેર, ધાણા અને ઉગા સહિતનાં ત્રણ ગામમાં યુવાન અગ્રણી તરીકેની આજે પણ તેઓની લોકચાહના અકબંધ જોવા મળે છે.

સરપંચ તરીકે કરીમભાઈ ખાસ્યા કાર્યરત
ઘાણા ગામના યુવાન આગેવાન એવમ સરપંચ તરીકે કરીમભાઈ ખાસ્યા ચુંટાઈ આવ્યા છે. છેલ્લાં 10 વર્ષથી અગ્રણી અને લોકસેવક તરીકે ત્રણ ગામમાં સેવા આપી રહ્યા છે. ઘાણા ગામમાં કોઈપણ મુશ્કેલી તથા કોઈ પણ તકરાર હોય તો તેઓ બંને પક્ષોને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. કોર્ટ કેસ કચેરીઓમાં ન જવા માંગતા લોકોનું ગામ રાહે જ સમાધાન કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનો અને યુવતીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપી નોકરીમાં જોડાવાનું કહી રહ્યા છે. સરપંચ કરીમભાઈ ખાસ્યાની પત્ની અગાઉ પણ દહેર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભાજપાના ગઢને ભેદીને 1 ટર્મ માટે કોંગ્રેસ બોડીમાંથી દબદબાભેર સરપંચ પદે ચુંટાઈ આવ્યાં હતાં.

ઘાણા ગામના સમાજસેવકો અને અગ્રણીઓ  
ઘાણા ગામના વિકાસમાં કરીમભાઈ ખાસ્યા, કમલેશભાઈ તુળાજીભાઈ ગાયકવાડ, શાંતારામ લાશુ પવાર, તાનુભાઈ જીવુ પવાર, લક્ષ્મણભાઈ સયાજુભાઈ ખાસ્યા, જયરામભાઈ સખારામ કુંવર, ચંદરભાઈ માવજયા ઘુલુમ, રતનભાઈ કાશુભાઈ બહાતરે, દગડુ પવાર, શિવરામભાઈ રામજી ખાસ્યા, મગન રતન ખાસ્યાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ ગામમાં પોલીસ પટેલ(પાટીલ) તરીકે જયરામ સખારામ કુંવર તથા કારોબારી તરીકે લક્ષ્મણ સયાજી ખાસ્યા સેવા આપે છે અને ગામના ધાર્મિક ઉત્સવો અને પરંપરાનું પાલન કરે છે.

ભગત મંગા સાલકર અસાધ્ય રોગોનું કરે છે નિદાન
ઘાણા ગામમાં એક ભગત વિવિધ રોગોના નિદાન માટે જડીબુટ્ટી આપે છે. ઘાણા ગામે મંગા ભાવડુ સાલકર જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી લોકોમાં વારસાગત સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ
સુબિર તાલુકાના ઘાણા ગામે બસ સ્ટેન્ડની સુવિધા નથી. જેથી આ ગામને શોધવું હોય તો પણ જડતું નથી. ધાણા ગામથી લવચાલી થઈ સુબિર અને આહવા જવાય છે. પરંતુ અહીં પિકઅપ સ્ટેન્ડ ન હોવાના પગલે ચોમાસાની ઋતુમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ક્યાં ઊભું રહેવું એ પ્રશ્ન છે. પિકઅપ સ્ટેન્ડના અભાવે ચોમાસામાં ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓને માર્ગની સાઈડમાં વરસતા વરસાદમાં ઊભા રહી બસ અથવા ખાનગી વાહનોની રાહ જોવી પડે છે. વધુમાં આ ગામને એસટી બસની સુવિધા મળી છે. પરંતુ બસસ્ટેન્ડ ન હોવાના પગલે તથા ગામના માર્ગો પર ગામનું નામ લખેલું યોગ્ય સૂચક બોર્ડ ન હોવાથી બહારથી આવનારા લોકો દ્વિધામાં મુકાઈ જાય છે અને આ ગામ ગૂગલ મેપમાં પણ મળતું નથી. જેથી તંત્ર કોઈપણ ફંડમાંથી ઘાણા ગામમાં પિકઅપ સ્ટેન્ડ બનાવી આપે તેવી માંગ ઊઠી છે.

પુલ ન બને તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી
ઘાણા ગામથી દહેરને જોડતા આંતરિક માર્ગમાં આઝાદી કાળથી પુલ ન બનતાં લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. ઘાણા ગામથી નદીને પાર દહેર ગામ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જે નદી પર આઝાદી કાળથી પુલ ન બનતાં લોકોને ઘાણા થઈ લવચાલી અને સુબિર થઈ 18 કિલોમીટરનો ચકરાવો કાપી દહેર ગામ જવું પડે છે. જેથી પુલના અભાવે લોકોનો સમય અને નાણાં પણ વ્યય થાય છે. આ પુલ બનાવવા માટે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગમાં ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં આ પુલ ન બનાવી આપવામાં આવે તો અમે બે ગામના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ગામદેવોની પ્રતિમા આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક
ઘાણા ગામના હનુમાનજીના મંદિરના શેડની બહાર ગામદેવોની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. અહીં વાર-તહેવારે આ પ્રકૃતિના દેવી-દેવતાઓમાં વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવની ગ્રામજનો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે. વાઘ બારસના દિવસે ખાસ કરીને વડીલો અને ભગતો દ્વારા અહીં પૂજા-અર્ચના કરાય છે. ગામની સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે તથા ગામ પર કોઈ આફત ન આવે એ માટે આ  પ્રકૃતિના દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી ગ્રામજનો દ્વારા વાર તહેવારોમાં શ્રીફળ, ઈંડું, મરઘી અને બકરાંનો ભોગ પણ ચઢાવવામાં આવે છે.

એક સમયે ડાંગ જિલ્લાનું જંગલ વાઘનું ઘર મનાતું હતું
ડાંગ જિલ્લાનું જંગલ વાઘનું ઘર મનાતું હતું. ડાંગ જિલ્લાનાં જંગલોમાં અગાઉ ઘણા વાઘ જોવા મળતા હતા. જે વાઘ હાલમાં નામશેષ થઈ ગયા છે. પરંતુ 1980ના દાયકામાં ઘાણા ગામના તાનુભાઈ પવારે વાઘ સાથે બાથ ભીડી હોવાનું જણાવી રહ્યા છે. આ 80 વર્ષનો વૃદ્ધ જંગલ વિસ્તારમાં ગયો હતો. એ વેળા તેના પર પટાવાળા ખુંખાર વાઘે હુમલો કર્યો હતો. અહીં તાનુ પવારે વાઘ સાથે બાથ ભીડી પોતાનો જીવ બચાવ્યો હતો. તેમણે વાઘને ઘણી વખત જોયા હતા. પરંતુ હાલમાં ડાંગ જિલ્લામાં વાઘ નામશેષ થઈ જતાં તેમણે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

Most Popular

To Top