Columns

ધ ઉબર ફાઈલ્સ : બિઝનેસ વિસ્તારવાના ગુનાઓનો દસ્તાવેજ

કેટલાંક કેન્સર લાંબા સમય સુધી ડિટેક્ટ થતા નથી. શરીરમાં પ્રવેશ્યા પછી પણ તે કેન્સર સાથે વ્યક્તિ વર્ષો સુધી રોજિંદી પ્રવૃત્તિને ચલાવી શકે છે. એ રીતે કેટલાક ભ્રષ્ટાચાર વર્ષો સુધી અનડિટેક્ટેડ રહે છે, જે વ્યવસ્થાને ધીરે ધીરે કોરી ખાય છે. હાલમાં આ પ્રકારના ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને તે છે ‘ધ ઉબર ફાઈલ્સ’. આ કિસ્સો માત્ર ભારતનો નથી, બલકે વિશ્વભરમાં જ્યાં-જ્યાં ઉબર ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડરની હાજરી છે ત્યાં તેણે આ નેટવર્ક પાથર્યું છે.‘ધ ઉબર ફાઈલ્સ’નો પૂરો કિસ્સો પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે ઉબર કંપનીના માર્ક મેકગન નામના એક સીનિયર એક્ઝિક્યુટીવે કંપનીના 40 દેશોના ઉચ્ચ અધિકારીઓના આંતરિક સંવાદનો ડેટાબેઝ જાહેર કરી દીધો! ડેટા લિક્ડ કરતી વેળાએ માર્કે સ્વીકાર્યું કે પોતે કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિનો હિસ્સો રહી ચૂક્યો છે.

આ ડેટાબેઝ 2013થી 2017 સુધીનો છે અને તેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના ઇ-મેલ્સ, મેસેજિસ અને વોટ્સ-અપ ચેટ સુધ્ધાં છે. આ ડેટાબેઝમાં 1,24,000 ફાઈલ્સ છે અને તેમાં કંપનીના અધિકારીઓની મેલી વૃત્તિના પુરાવા હતા. તેને ચાળીને, શોધીને, સરળ ભાષામાં રજૂ કરવા અર્થે તે ડેટાબેઝ માર્ક મેકગને તેને ‘ઇન્ટરનેશનલ કોન્સોર્ટિઅમ ઑફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ્સ’[ICIJ] નામની સંસ્થાને સોંપ્યો. આ સંસ્થા દુનિયાભરના 280 ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ્સ અને સોશ્યલ મીડિયા ઓર્ગેનાઇઝેશનનું જૂથ છે; જેનું નેટવર્ક 100 દેશોમાં પથરાયેલું છે. ‘ICIJ’એ આ માહિતી વિશ્વની જુદી-જુદી 42 મીડિયા ઓર્ગેનાઇઝેશન સાથે શેર કરી અને તે પછી તેમાંથી ચોંકાવનારી સ્ટોરીઓ વહેતી થઈ. ભારતમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપે ઉબરની પોલો ખોલી. ‘ધ ઉબર ફાઈલ્સ’ના કિસ્સાથી એટલું સ્પષ્ટ છે કે પ્રજાને મૂર્ખ બનાવવા બિઝનેસ ગ્રુપ અને શાસકો જે રમત રમે છે તેનો ખ્યાલ પ્રજાને ભાગ્યે જ આવે છે.

સમય મુજબ ઉબરની સર્વિસ લોકોને ઉપયોગી છે. તેનું મોડલ વિનવિન સિચ્યુએશન આધારિત છે. ગ્રાહક અને સર્વિસ પ્રોવાઈડર બંનેના લાભ તેમાં છે અને એટલે 2009માં સ્થાપના પછી માત્ર 13 વર્ષમાં તે કંપનીનો સિક્કો 72 દેશોમાં અને 10,500 શહેરોમાં ચાલી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઈડર પછી આ કંપની અન્ય બિઝનેસમાં પણ પ્રવેશી રહી છે. આજે ઉબર પાસે મહિનાના 12 કરોડ કાયમી ગ્રાહકો છે. આવી જાયન્ટ કંપનીએ જે ગ્રોથ કર્યો છે તેનું એક કારણ લીક્ડ થયેલાં ડેટાબેઝમાં સામે આવ્યું છે; અને તે છે જે-તે દેશના સર્વોચ્ચ પદાધિકારીઓને પોતાના પક્ષે કરવા.

ઉબર કંપનીએ પોતાની સર્વિસને સફળ રીતે લોન્ચ કરવા અને ટકાવવા માટે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, જો બાઈડન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના પદે હતા ત્યારે લોબિંગ કરાવ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોન પણ ઉબરની લોબિંગની યાદીમાં સામેલ છે. 2013માં લોબિંગના માર્ગે ઉબર ભારતમાં આવી. પહેલાં તો કંપનીને ભારતના નિયમ અને કાયદાને લઈને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા, કન્ઝ્યુમર કોર્ટ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કંપની પર ચાંપતી નજર રહી અને કંપની વિરુદ્ધ નોટિસો પણ નીકળી પણ તેમ છતાં કંપનીનો ભારતમાં વિસ્તાર ઝડપથી થયો.

કંપની હવે એટલી મોટી બની કે તેના ગ્રાહકોની સંખ્યા કરોડોમાં પહોંચી છે. હાલમાં કંપનીએ પોતાની સર્વિસ કેરળના વારંગલમાં લોન્ચ કરીને 100 શહેરનો ટાર્ગેટ પૂરો કર્યો છે, હવે ટાર્ગેટ 200 શહેરોનો છે. ભારત જેવા દેશમાંય વિવિધ અડચણોને પાર કરીને કંપની ઝડપી પ્રગતિ કરી રહી છે પરંતુ તેની આ પ્રગતિની ચર્ચા ભારતના સંદર્ભે ખાસ થઈ રહી છે અને તેનું કારણ ઉબર કેબના એક ડ્રાઇવર દ્વારા દિલ્હીમાં થયેલી બળાત્કારની ઘટના. આ કેસ 2014ના વર્ષનો છે. 5 ડિસેમ્બરના રોજ 25 વર્ષીય એક યુવતીએ જ્યારે ગુડગાંવથી દિલ્હી સુધીની ઉબર કેબ કરી ત્યારે ડ્રાઇવર કાર એક સૂનકાર માર્ગ પર લઈ ગયો.

અહીંયા તેણે કારમાં યુવતીનો બળાત્કાર કર્યો અને એવી ધમકી પણ આપી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેના હાલ નિર્ભયા જેવા કરશે. ઘટનાના બે જ દિવસમાં ડ્રાઈવરની મથુરાથી ધરપકડ થઈ. આ કેસ ન્યાયાલયમાં ગયો અને 2018માં ડ્રાઈવરને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. ડ્રાઈવરનો પ્રોફાઈલ તપાસવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેના પર અગાઉ પણ એક બળાત્કારના કિસ્સામાં તપાસ ચાલી છે. આ ઘટના પછી દિલ્હી સરકારે ઉબર પર પ્રતિબંધ લાદ્યો. આ ઘટનાને લઈને કંપનીમાં ચર્ચાનો દોર ચાલ્યો. જો કે લીક્ડ થયેલાં મેલમાં આ અંગેની ચર્ચા સામે આવી ત્યારે એ માલૂમ થયું કે આ કેસમાં કંપનીના અધિકારીઓ ઠોસ કાર્યવાહીના પક્ષમાં નહોતા અને પોતાનો દોષ આપણા દેશની વેરિફિકેશન સિસ્ટમ પર નાંખી દીધો.

કંપનીએ આ બદમાશી કરી પણ તેનો ખેલ અહીંયાથી ન અટક્યો. ઉબરમાં થયેલી બળાત્કારની ઘટના પછી મિનિસ્ટ્રી ઑફ ટ્રાન્સપોર્ટ અને હાઇવે દ્વારા એક નોટિફિકેશન જાહેર થયું. આ નોટિફિકેશન મુજબ દરેક પ્રાઇવેટ ટેક્સીમાં પેનિક બટન અને વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ થયેલાં હોવાં જોઈએ. અહીં પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે પેનિક બટન છે શું? કારમાં એક લાલ રંગની સ્વિચ હોય છે, જે કોઈ જોખમની આશંકાએ કે મદદ માંગતી વેળાએ દબાવી શકાય. બટન દબાવતાં 5 મિનિટમાં પોલીસ પાસે તેનો એલર્ટ જાય છે.

તે પછી વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ દ્વારા કારનું લોકેશન, સ્પીડ અને ગાડીના માર્ગ સંબંધિત માહિતી પોલીસ અધિકારીઓને પહોંચે છે. નોટિફિકેશન બાદ ઉબરની ગાડીઓમાં પણ હવે પેનિક બટન અને અન્ય સેફ્ટી ફીચર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી જાહેરાત થવા માંડી. આ પેનિક બટન કારગર છે કે ફોક તેને લઈને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટરોને શંકા ગઈ અને તેમણે દિલ્હીમાં 50 ઉબર કેબની સવારી કરી અને તેનો અભ્યાસ કર્યો. સામે આવેલી વિગત ચોંકાવનારી હતી. આ 50 ગાડીઓમાંથી માત્ર 7 કારમાં પેનિક બટન કામ કરી રહ્યા હતા. 29 ગાડીઓમાં પેનિક બટન જ નહોતા. અને 7માંથી 5 ગાડીઓમાં જ્યારે પેનિક બટન દબાવ્યું ત્યારે 20 મિનિટ સુધી તેમાં કોઈ પ્રતિભાવ ન આવ્યો.

પેનિક બટનની સિસ્ટમની તપાસ થઈ તો તેમાં માલૂમ થયું કે ઉબર દ્વારા 8 વર્ષ અગાઉ સેફ્ટી ફીચરની જે વાતો થઈ હતી તે સેફ્ટી ફીચર કોઈ કામનાં નહોતાં. ઉબરે કાગળ પર દાખવી દીધું કે બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે પણ ખરેખર એવું હતું નહીં. સેફ્ટી બાબતે ઉબરે માત્ર ભારતમાં જ પોલંપોલ રાખી છે તેવું નથી બલકે દુનિયાભરમાં તેઓએ ઉચ્ચ અધિકારીઓ અને શાસકો સાથે લોબિંગ કરીને ગ્રાહકોને છેતર્યા છે. ઉબરની છેતરામણી કેટલી હદ સુધી થાય છે તેનું બીજું ઉદાહરણ પણ એક ખુલાસામાં બહાર આવ્યું છે. જેમ કે ઉબર કંપનીએ ‘કિલ સ્વિચ’નો ઉપયોગ સમયાંતરે કર્યો છે. ‘કિલ સ્વિચ’ એટલે જ્યારે કોઈ સરકારી ઓથોરિટી કંપનીનો ડેટા ફંફોસે ત્યારે તેને કોઈ પુરાવા ન મળે તેવા સોફ્ટવેરનો ઉપયોગ. આનો ઉલ્લેખ પણ ‘ધ ઉબર ફાઇલ્સ’માં કંપનીના અધિકારીઓએ કર્યો છે કે ભારત સહિત અન્ય દેશોમાં કુલ 13 વખત ‘કિલ સ્વિચ’ સોફ્ટવેરનો ઉપયોગ થયો છે. આ સિવાય પણ કંપની પર ડ્રાઇવરને કર્મચારી ન ગણવાના અને તેમને કોઈ અધિકાર ન આપવાના પણ આરોપ છે.

ઉબરના માથે આ કલંક લાગેલા હોવા છતાં તેની સર્વિસ આજે પણ દુનિયાભરમાં ચાલી રહી છે અને વિસ્તરી રહી છે પરંતુ તેના કેટલાક ગુના માફ કરી શકાય એવા નથી. જેમ કે દિલ્હીના બળાત્કારના કેસમાં પીડિતાએ જ્યારે ઉબર કંપની વિરુદ્ધ અમેરિકામાં કેસ દર્જ કરાવ્યો ત્યારે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પીડિતાના મેડિકલ રિપોર્ટસ ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા અને આ મેડિકલ રિપોર્ટસ સાથે છેડછાડ પણ કરી હતી. ઉબરની આ પ્રવૃત્તિ રીઢા ગુનેગાર જેવી છે પણ હવે આ કંપનીની સર્વિસ આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની ચૂકી છે અને ઉબર અનૈતિક રીતે નહીં વર્તે તેની ખાતરી આપવા સરકાર કે કંપની કોઈ તૈયાર નથી.

Most Popular

To Top