Charchapatra

સૂર્યમાળાના ગ્રહો ભારત દેશના માનવીને જ નડે?

તા.27મી એપ્રિલના ‘ગુજરાતમિત્ર’ દૈનિકતા પૃષ્ઠ:7ના માર્મિક અહેવાલ જે તસવીર સહિત જાણવા મળ્યો કે, ગ્રહના નંગ ઉપાધિથી કદાચ બચાવતા હશે પણ ગરમીથી નહીં! વર્તમાન સમયમાં વિજ્ઞાને ખગોળ ક્ષેત્રે અનહદ પ્રગતિ અને શોધ સિદ્ધ કરી છે, એ નિર્વિવાદ સત્ય છે. પૃથ્વીથી લાખો માઇલ દૂર સૂર્યમાળાના ગ્રહો, એ પૃથ્વીવાસીઓને શા માટે નડે? એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે અને એ ગ્રહો એમની વીંટી પહેરવાથી શાંત પણ થઇ જાય! અહો! આશ્ચર્યમ્! આજે વિશ્વમાં અનેક વ્યકિતઓ અમુક રાશિની વસતી જ હોય છે. દા.ત.વૃશ્ચિક રાશિ, તો સમગ્ર વિશ્વમાં વૃશ્ચિક રાશિનાં વ્યકિતને અમુક તમુક ગ્રહ નડતા જ હશે? શનિની પનોતી માટે પણ આવી જ માન્યતા પ્રચલિત છે! શનિની પનોતી હોય તો વ્યકિત હેરાનપરેશાન થઇ જાય! પણ ગ્રહ કે દેવતાની વ્યકિતગત રીતે શી દુશ્મની હોઇ શકે કે એ ગ્રહ કે દેવતા એમણે પનોતી આપે? અને તે પણ સાડાસાતીની હોય! અને તાંબાના પાયે કે સોનાના પાયે પણ કહેવામાં આવે! કોઇપણ રાશિમાં રાહુ કે કેતુ પણ બિરાજે તો એ વ્યકિતનું અહિત થઇ શકે! આ કેવી ગેરમાન્યતા? અને જે ગ્રહ વ્યકિતને નડોત હોય એની પૂજા-અર્ચના કરવાથી કે વીંટીમાં ધારણ કરવાથી એ ગ્રહને શાંતિ પણ થઇ જાય! આ ગ્રહ અને દશમાં કેટલાય પ્રેમીયુગલો અલગ થઇ ગયા હશે? ઘાટડીએ મંગળ હોય તો સામે શનિ અથવા મંગળ હોવો જ જોઇએ! આજે માનવી મંગળ પર યાન દ્વારા પહોંચી ગયો છે, શા માટે મંગળ કોઇનું અમંગળ કરે? સાચું જયોતિષશાસ્ત્ર હશે જ પણ અમુક લેભાગુ જયોતિષો દુ:ખી વ્યકિતને વહેમમાં નાંખી વિધિ, નંગના ખર્ચા અવશ્ય કરાવે છે! જો તાંત્રિકો કે બાબાઓ ભવિષ્ય સુધારી આપતા હોય કે કોઇ પણ સમસ્યાનું નિરાકરણ કરી શકતાં હોય તો એમણે જાહેરખબર આપવાની જરૂર જ શી પડે? એમનું કલ્યાણ એ સ્વયં નથી કરી શકતા? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારશકિત જાગ્રત કરવાની જરૂર છે. કોઇ ગ્રહ કદી નડતા નથી. આપણા પૂર્વગ્રહો જ નડે છે આપણને!
સુરત – નેહા શાહ

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top