બોરસરા ગામમાં એવું તો શું થયું કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

હથોડા: ગત મોડી રાત્રે કીમ (Kim) નદીમાં (river) અસામાજિક તત્ત્વોએ કેમિકલયુક્ત (chemical) પાણી છોડી દેતાં કેમિકલ પ્રવાહી કીમ નદીના પાણીમાં ભળતાં ભારે દુર્ગંધ (Strong odor) ઉત્પન્ન થતાં નદી કાંઠે આવેલા મોટા બોરસરા ગામના લોકોને શ્વાસ (Breath) લેવામાં તકલીફ પડતાં ભારે વિરોધ નોંધાવીને લોકો રોડ ઉપર ઊતરી આવ્યા હતા.

મોટા બોરસરા ગામ કોસંબા પોલીસ સ્ટેશનમાં સમાયેલું છે. અને કીમ નદી કાંઠે આવેલું છે. અને આસપાસના વિસ્તારમાં ઇંટ ભઠ્ઠાના મજૂરો તેમજ શેરડી કાપતા મજૂરો વસવાટ કરે છે. જેઓ કીમ નદીના પાણીનો ઉપયોગ કરે છે. તેમજ મોટા બોરસરા ગામના પશુપાલકો પણ પોતાના પશુઓને કીમ નદીનું પાણી પીવડાવે છે. ખેડૂતો પણ કીમ નદીના પાણીનો ઉપયોગ કરે છે. ગત મોડી રાત્રે અત્રેથી પસાર થતી કીમ નદીમાં મોડી રાત્રે નહીં સહેવાય તેવી દુર્ગંધ ફેલાતાં અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં લોકો રોડ ઉપર ઊતરી આવ્યા હતા.

કીમ નદી કાંઠેથી નેશનલ હાઈવે પસાર થાય છે. અને આસપાસના વિસ્તારમાં કેટલીક નાની-મોટી ફેક્ટરી પણ આવેલી છે. સંખ્યાબંધ હોટલો પણ આવેલી છે. કેટલાંક અસામાજિક તત્ત્વો કેમિકલનો બેરોકટોક ધંધો કરી રહ્યા છે. તેઓ મોડી રાત્રે મોટી નરોલી પુલ તેમજ પાલોદ કોતરપુર પાસે અંધારામાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ ટેન્કર મારફત કીમ નદીમાં કરી જતાં માથાકૂટ થઈ છે. અગાઉ પણ કેટલાક જાગૃત લોકોએ પાલોદ કોતરપુર પાસે ખાડીમાં કેમિકલ ઠાલવતું ટેન્કર રંગેહાથ ઝડપી પાડી નજીકમાં આવેલી પાલોદ પોલીસને સોંપ્યું હતું. થોડા ઘણા પૈસા કમાવવાની લાલચમાં આવાં તત્ત્વો કીમ નદીમાં તેમજ સુમસામ જગ્યામાં ઔદ્યોગિક વિસ્તારમાંથી કેમિકલનાં ટેન્કર લઈ આવી અહીં ઠાલવીને લોકો તેમજ મૂંગાં પશુઓની જિંદગી સાથે ચેડાં કરી રહ્યા છે.

મોટા બોરસરા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગ્રામજનોએ શનિવારે સુરત કલેક્ટર, માંગરોળના ટીડીઓ, મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ આ બાબતે લેખિત ફરિયાદ કરી વધુમાં જણાવ્યું છે કે, કીમ નદી કાંઠે તેમજ આસપાસના વિસ્તારમાં શ્રમજીવીઓએ મજૂરી માટે આશરો લીધો છે. તેઓ કીમ નદીના પાણીનો ઉપયોગ કરે છે. કોઈ મોટી જાનહાનિ સર્જાય એ પહેલાં અસરકારક પગલાં ભરવા તેમણે માંગ કરી છે. મોડી સાંજે જીપીસીબીના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઇ કીમ નદીના પાણીનાં સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top