Madhya Gujarat

બોરસદમાં શાંતિ ડહોળાઇ : બે જુથ વચ્ચે પથ્થરમારો

આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ બોરસદ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલો ઝઘડો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસને પણ નિશાન બનાવતાં તાત્કાલિક 30 જેટલી રબરની ગોળી, ટીયર ગેસ છોડવામાં આવ્યાં હતાં. આ ધમાલમાં એક પોલીસ કર્મચારીને પણ કોઇએ છરી મારી દીધી હતી. જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થયાં હતાં. આ બનાવના પગલે એસઆરપી સહિતના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે રવિવારની મોડી રાત સુધી ફરિયાદ નોંધાઈ નહતી.

બોરસદ શહેરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં ભારે પથ્થરમારા થયો હતો. ઉશ્કેરાયેલી ભીડને કાબુમાં લેવા પોલીસને પરસેવો પડયો હતો. બોરસદ શહેર છેલ્લા છ મહિનાથી હવે સતત બે જૂથ વચ્ચેના ઝઘડાનું ઉદગમ સ્થાન બની રહ્યું છે. ચાર મહિના પહેલા પણ કોમી અથડામણની આગ હજુ શાંત થઈ નથી ત્યારે શનિવારે મોડીરાતે રસ્તા બાબતની બબાલને કારણે જૂથ અથડામણ થતાં નગરજનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. બે જૂથો વચ્ચેની અથડામણમાં ભારે પથ્થરમારો થયો હતો. અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ છુરા બાજીનો ખેલ થતો એક પોલીસ કર્મી સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. એકાએક થયેલા કોમી દાવાનળને બુજાવા માટે પોલીસને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઉપરાંત એકત્ર થયેલી ભીડને ભગાવવા 30 જેટલી રબર ગોળીઓનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરની પોલીસની ગાડીઓ ખાતે ખડકી દેવામાં આવી હતી. જ્યારે બોરસદ શહેરની દુકાનો રવિવારે સદંતર બંધ રહી હતી અને શહેરમાં ભારે અજંપો જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, બોરસદ શહેરમાં બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 જેટલા શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે. શનિવારની મોડી રાત્રિના બે કોમ વચ્ચે થયેલો પથ્થરમારો આશરે બે કલાક સુધી ચાલ્યો હતો. જ્યારે હનુમાનજી મંદિર પાસે સ્થાનિક નાગરીક પર ચપ્પાથી હુમલો થયો હતો. આ ઉપરાંત તોફાની તત્વો દ્વારા દેરાસર પાસે લગાવેલા સીસીટીવીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

તોફાનો પૂર્વઆયોજીત કાવતરું હોવાની શંકા
બોરસદ શહેરના બ્રાહ્મણવાડામાં થયેલા પથ્થરમારો સતત બે કલાક સુધી ચાલ્યો હતો. આટલા બધા પથ્થરો તાત્કાલિક ક્યાંથી ભેગા થાય ? તે પ્રશ્ન ઉઠ્યો હતો. આથી, આ પથ્થરમારાનું આયોજન છેલ્લા બે દિવસથી જ ચાલતું હોવાની શંકા પોલીસ સેવી રહી છે. આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top