Health

કોરોનાના નિરાશાયુક્ત વાતાવરણમાં આશાવાદી જ જીતશે

આજે ચોમેર નિરાશા ( despair) નું વાતાવરણ જોવા મળે છે. કેટલાય લોકો હતાશા ( hoprless) થી પીડાઇ રહ્યા છે, ત્યારે આપણી આસપાસ આશાવાદી ( optimistic) વાતાવરણ પેદા કરવાની જરૂર છે. દરેક કાળા વાદળોને સોનેરી કિનારી હોય છે. એમ કહેવાય છે એ મુજબ કપરા સંજોગોની બીજી બાજુ સારા સંજોગો પણ છે. એ એક સિકકાની બે બાજુ જેવું છે. ખરાબ સમય કાયમ રહેતો જ નથી. સમયનું કામ વહેવું છે જેમ નદીનો પ્રવાહ સતત વહેતો રહે છે, એમ સમય વહેતો જ રહે છે!

પ્રકૃતિમાં કશું જ સ્થિર કે સ્થાયી નથી. સમગ્ર પ્રકૃતિ પરિવર્તનશીલ છે. એમ આપણું જીવન પણ પરિવર્તનશીલ છે. જીવનમાં આવતાં દરેક આવર્તન સારાં જ હોય, એવું માનવું કે ઇચ્છું સારું છે, પણ એવું હોય જ એ સત્ય નથી. સંજોગો તો પર્વતસમા છે. પર્વતમાં ચઢાવ-ઉતારવાળા ઢાળ હોય છે. કયાંક ખાડા-ખીણો તો કયાંક ટેકરા કે શિખરો. આ ચઢાવ – ઉતાર જીવનમાં પણ છે. એવું નામ જ સંજોગો છે અને સંજોગો પણ સ્થાયી નથી. એ બદલાતા રહે છે. હાલ આપણે જે સર્વવ્યાપી કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યા છે એમાં દરેકે હિંમત રાખી સ્થિતિનો સામનો કરવાનો છે.

આવા સંજોગોમાં માનવતાને ઉજાગર કરવાની છે માનવતા નેવે મૂકીને માણસ કયારેય સુખી થઇ શકતો નથી. કપરા સંજોગોમાં ત્યારે જ જીતી શકીશું, જયારે આપણામાં રહેલી માનવતાને જીવતી રાખીશું. માનવતા દાખવવી એટલે અન્યને જીવવાનું પ્રેરક બળ પૂરું પાડવું. મદદરૂપ થવું. માનવીય સંવેદના જ ગમે તેવા સંજોગોમાંથી માણસને બહાર કાઢે છે. જો આપણે સંવેદનશીલતા ગૂમાવી દઇશું, કે નિષ્ઠુર થઇ જઇશું, તો આપણે માનવી નહીં રહીએ, અરે પશુ પણ નહીં રહીએ. પશુઓ પણ સંકટ સમયે એકબીજાને મદદ માટે દોડે છે, લડી પડે છે.

આ સંવેદનશીલતા અને માનવતા માણસને મળેલા મહત્વના ગુણો છે. એનાથી જ માણસ ઉજળો છે. સમય ગમે તેવો આવે હિંમત ન હારવી, અને સંજોગો સામે લડવા કટીબધ્ધ રહેવું એ જ જીતનું સત્ય છે. આ અંધકાર પણ એકદિ’ હટી જશે. સોનેરી દિવસો તમારી રાહ જોઇ રહ્યા છે. આશાવાદી માણસ જ હંમેશાં કોઇપણ યુદ્ધ જીતે છે. જીતવા માટે આશાવાદી હોવું અત્યંત જરૂરી છે. હારને નજીક ન આવવા દેવી હોય તો આશાનું શસ્ત્ર ધારદાર કરીને સાથે રાખો. મહામારીથી ડરીને નહીં લડીને બહાર આવવાનું છે. એ લડત આપણી શિસ્તબધ્ધ હોવી જોઇએ. યાદ રાખવું કે સદ્‌કર્મ જ માણસને તારી શકે છે. સતકર્મ સાથે સત્સંગ પણ જરૂરી છે. આ સત્સંગ એટલે પ્રભુ સાથેનો સંવાદ અને એ સંવાદ એટલે પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ જ બળ છે. મેં અનુભવ્યું છે, તમે પણ અનુભવ કરી જુવો.
દુર્ગેશ ઉપાધ્યાય

Most Popular

To Top