Madhya Gujarat

ચારુસેટ દ્વારા માતા અને બાળકને દત્તક લઇ નિઃશુલ્ક સંપૂર્ણ સંભાળ રાખવામાં આવશે

આણંદ : ચરોતર પ્રદેશમાં બાળકનો અને માતાનો મૃત્યુદર ઘટાડવાના ઉમદા હેતુથી ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ દ્વારા સંયુક્તપણે અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં સગર્ભા મહિલાઓ અને તેના બાળકોની કાળજી રાખવા માટે માતા અને બાળકને દત્તક લેવામાં આવશે. આ બાળકની ડિલીવરીથી લઈને બાળકોને 3 થી 5 વર્ષ સુધી કોઈ પણ મેડીકલ પ્રોબ્લેમ થાય તો તેનું નિઃશુલ્ક સારવાર માટેનું ધ્યાન રાખવામાં આવશે. જેમાં હાલ કુલ 13 લાભાર્થી આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે.

ચાંગા સ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ અને એમએએસી પ્રમાણિત ચારુસેટ યુનિવર્સિટીના નેજા હેઠળ ચરોતર પ્રદેશમાં બાળકનો અને માતાનો મૃત્યુદર ઘટાડવાના ઉમદા હેતુથી સગર્ભા મહિલાઓ અને તેના બાળકોની સંપૂર્ણ સંભાળ રાખવા માટે નવતર પહેલ તરીકે હોલીસ્ટીક કેર ફોર મેટર્નલ એમ્ડ ચાઈલ્ડ કાર્યક્રમ ચારુસેટ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓમાં આર્થિક રીતે વંચિત-જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓ અને પાંચ વર્ષની વય સુધીના જન્મનાર બાળકનો સમાવેશ થાય છે. 

આ કાર્યક્રમ અંતર્ગત માતા અને બાળકને દત્તક લેવામાં આવે છે. 3 માસ થયા હોય તેવી ગર્ભવતી મહિલાઓને દર 3 મહિને નિ:શુલ્ક એન્ટીનેટલ કેર, અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ફિઝિયોથેરાપી અંતર્ગત કસરત તેમજ નર્સિંગ, ન્યુટ્રિશનલ માર્ગદર્શન, ગર્ભ સંસ્કાર શિક્ષણના ક્લાસ કરાવવામાં આવે છે. બાદમાં ડિલીવરી પણ નિ:શુલ્ક  કરવામાં  આવે છે.સાથે સાથે શું ખાવું, શું ના ખાવું, કેવું ખાવું વગેરે સમજ આપવામાં આવે છે. ડિલીવરી પછી સારવાર દરમિયાન બાળકોને કેવી રીતે સાચવવા, બાળકોને જન્મથી 3 થી 5 વર્ષ સુધી કોઈ પણ મેડીકલ પ્રોબ્લેમ થાય તો તેનું સારવાર માટેનું ધ્યાન રાખવામાં આવે છે અને દવાઓ નિ:શુલ્ક  આપવામાં આવે છે.  આ કાર્યક્રમના ભાગરૂપે બાપુભાઈ દેસાઇભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDPIPS)ના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર ડો. સુચિત્રા બર્ગે અને આસિસ્ટન્ટ પ્રોફેસર ફોરમ શેલત સંચાલન કરી રહ્યા છે.

ડો. સુચિત્રા બર્ગે અને ફોરમ શેલત દ્વારા સગર્ભા મહિલાઓનું માર્ગદર્શન કરવામાં આવે છે અને આ બાબતમાં સલાહ આપવામાં આવે છે. આ ઉમદા કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દાતા દ્વારા રૂ. 1.5 લાખનું દાન આપવામાં આવે છે અને તેની આર્થિક સહાયથી લાભાર્થીઓને સારવાર આપવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે ફંડ રેઇઝિંગ અને ડોનેશન માટે દાતાઓને અપીલ કરવામાં આવી છે. અત્યારે આ કાર્યક્રમ અતંર્ગત 13 લોકો લાભ લઈ રહ્યા છે.

Most Popular

To Top