Editorial

આ વખતે નવેમ્બર મહિનો ગરમ રહેશે: શિયાળા વિશે મોંકાણના સમાચાર

હજી તો શિયાળો માંડ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે દેશના હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે નવેમ્બર મહિનામાં ખાસ બહુ ઠંડી નહીં પડે અને તે થોડોક ગરમ રહેશે. શિયાળો બરાબર બેસે તે માટે ભારતે થોડી રાહ જોવી પડી શકે છે એમ ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું જ્યારે તેણે નવેમ્બર મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહે તેવી આગાહી કરી હતી.  એક પત્રકાર પરિષદને સંબોધન કરતા હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં નવેમ્બરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા થોડું ઉંચુ રહે તેવી શક્યતા છે.

જમ્મુ અને કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં દિવસનું તાપમાન પણ સામાન્ય કરતા ઉંચુ રહે તેવી શક્યતા છે એમ મોહાપાત્રાએ જણાવ્યું હતું જેમણે દેખીતી રીતે આ મહિનામાં શીતલહેરની સ્થિતિ રહેવાની શક્યતા નકારી કાઢી હતી. આ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારે રહે તેવી શકયતા છે. આનો અર્થ એ કે કોલ્ડવેવની સ્થિતિ નવેમ્બરમાં રહે તેવી શક્યતા ઓછી છે એમ તેમણે જણાવ્યું હતું. ઉત્તર ભારતમાં શિયાળો સામાન્ય રીતે નવેમ્બરના મધ્ય ભાગમાં શરૂ થાય છે જ્યારે લઘુતમ તાપમાન તબક્કાવાર નીચે જઇને ૧૫ ડીગ્રી સેલ્સિયસની નીચે પહોંચે છે અને રાત્રિઓ ઠંડી બની જાય છે.

હજી તો શિયાળો બેઠો નથી અને શિયાળો જામવા માટેનો પ્રથમ મહિનો ગરમ રહેશે એવા અહેવાલ આવી ગયા છે. નવેમ્બર માટે વરસાદ અને તાપમાનની આગાહીમાં હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું કે આ મહિના દરમ્યાન દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે તમિલનાડુ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઉત્તરપૂર્વીય ચોમાસુ ૨૯ ઓકટોબરે શરુ થયું છે જે ત્યાં આ ચોમાસુ બેસવાની સામાન્ય તારીખ ૧૫ ઓકટોબર કરતા પુરું એક પખવાડીયું જેટલું મોડું છે. તેમણે જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાવાનું પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિલંબિત થઇ રહ્યું છે. હવામાન વિભાગે વિષુવવૃતિય પેસિફિક મહાસાગરમાં લા નીનોની સ્થિતિ પ્રવર્તતી હોવાના સંકેતો હોવાનું જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે આ સ્થિતિ આગામી ઋતુમાં પણ ચાલુ રહી શકે છે.

આ તો જો કે કુદરતી પરિબળ છે પરંતુ આપણે જોઇ શકીએ છીએ કે પ્રદૂષણ જેવા પરિબળો શિયાળાને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ગરમ બનાવી રહ્યા છે. ઘણી વખત આપણે અનુભવી શકીએ છીએ કે ગામડાઓ કે નાના નગરો કરતા મોટા શહેરોમાં શિયાળામાં તાપમાન વધારે હોય છે અને દેખીતી રીતે વાહનો અને કારખાનાઓનો ધુમાડો જેવા પ્રદૂષકો તે માટે જવાબદાર હોય છે. વળી આ પ્રદૂષણ શિયાળાને જ અસર કરે છે તેવું નથી, તે સમગ્ર ઋતુચક્ર ખોરવી રહ્યું છે. હવામાન વિભાગના વડાએ કહ્યું જ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાવાની પ્રક્રિયા મોડી પડી રહી છે અને આ બાબત આપણે સ્પષ્ટ જોઇ જ શકીએ છીએ.

આ વખતે છેક ઓકટોબર મહિનામાં પણ કેટલાક દિવસ સુધી વરસાદ પડવાનો ચાલુ રહ્યો હતો અને આવું છેલ્લા કેટલાક વર્ષોથી સતત બની રહ્યું છે. અગાઉ મધ્ય સપ્ટેમ્બરમાં તો ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હતું તેવું હવે બનતું નથી. ચોમાસુ અનિયમિત બન્યું છે અને અસમતોલ પણ બન્યું છે. મોડુ શરૂ થાય, જો સમયસર શરુ થાય તો થોડા દિવસ પછી વરસાદ ખેંચાઇ જાય, વળી અચાનક ભારે કે અતિભારે વરસાદના દિવસો આવી જાય, વળી પાછો વરસાદ હાથતાળી આપી જાય, દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થાય અને કેટલાક ભાગો કોરાધાકોર જેવા રહી જાય તેવી બાબત હવે જાણે સામાન્ય બની ગઇ છે. આ વખતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજયોમાં વધારે પડતો વરસાદ થયો, તો ઉત્તર પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોના ભાગોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે. હવે તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોમાં ઉત્તર પૂર્વનો વરસાદ શરૂ તો થયો છે પરંતુ શરૂઆતમાં જ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે. તમિલનાડુ અને તેની આજુબાજુના વિસ્તારોમાં નવેમ્બર, ડીસેમ્બરમાં બીજી વર્ષાઋતુ હોય છે અને આ વખતે તેમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.

શિયાળાની વાત કરીએ તો થોડા દિવસ ઠંડીના જાય અને પછી ગરમી પડતી થઇ જાય તે બાબત હવે સામાન્ય બની ગઇ છે. બીજી બાજુ, વિશ્વના કેટલાક ભાગોમાં અત્યંત સખત ઠંડી અને ભારે બરફવર્ષા શિયાળામાં થાય છે તે પણ પ્રદૂષણનું પરિણામ છે. પરંતુ સામાન્ય રીતે ભારત જેવા દેશોમાં શિયાળા હુંફાળા બનતા જાય છે અને ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયું છે, જો કે કેટલીક વખતે ભારે સખત ઠંડીનો ગાળો પણ આવી જાય છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સખત ઠંડીના મોજાઓ જોવા મળે છે. શિયાળામાં ઉત્તર ભારતના દિલ્હી સહિતના શહેરોમાં ધુમાડા મિશ્રિત ધુમ્મસની સમસ્યા સર્જાય છે તે વળી એક ઓર સમસ્યા છે. હવે આ વખતે નવેમ્બર મહિનામાં તો બહુ ઠંડી પડવાની શક્યતા નથી એમ હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે ડીસેમ્બરમાં પુરતી ઠંડી પડે તેવી આશા રાખીએ, વરસાદની જેમ જ પુરતી ઠંડી અને ગરમી પણ જરૂરી છે.

Most Popular

To Top