આપણે જેને પસંદ કરતા નથી, તે માણસ પણ માણસ તરીકે ઉત્તમ હોઈ શકે છે

આપણે કાયમ માટે આપણા ગમા-અણગમાને આધારે કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. આપણને ગમતી વ્યકિતના જીવન અને વ્યવહારમાં એકસો વાંધા હોય, પરંતુ તે આપણને ગમે છે એટલે તેની તમામ નકારાત્મક બાબતની આપણે અવગણના કરીએ છીએ, જયારે કોઈ વ્યકિત આપણને કોઈક કારણસર પસંદ નથી ત્યારે તે વ્યકિતમાં રહેલી સારાઈ તરફ આપણે દુર્લક્ષ દાખવીએ છીએ.

ઉદાહરણ રૂપે કહું તો  મેં ત્રણ દાયકા કરતાં વધારે ક્રાઈમ અને પોલીટીકલ રીપોર્ટીંગ કર્યું, જેના કારણે હમણાં સુધી હજારો પોલીસ અને રાજનેતાઓના સીધા સંપર્કમાં આવ્યો હોઈશ, તે પૈકીનાં અનેક લોકોને હું પસંદ કરું છું અને અનેકોનો ચહેરો જોવો પણ મને ગમતો નથી. આવું જ સામા પક્ષે મારા માટે પણ હશે. ઉંમર વિચારોની યુનિવર્સિટી છે. જો મગજને ખુલ્લું રાખો તો ચારે દિશામાંથી તમને વિભન્ન વિચારો મળે છે. સવાલ એટલો છે કે તમારી તરફ આવી રહેલા નવા વિચારો સાથે તમારી કેટલી ગડમથલ થાય છે. જો મનમાં ગડમથલ થતી નથી તો જૂના વિચારો કોઈ ભંગારના ગોડાઉનમાં પડયા પડયા સડયા કરે તેવી સ્થિતિ નિર્માણ થાય છે.

મેં મારા મનના દરવાજા કાયમ ખુલ્લા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેના પરિણામ સ્વરૂપ સમયાંતરે હું જે બાબતોને સાચી માનતો હતો, કદાચ આજે તેના કરતાં વિપરીત માનું છું, તેવી જ રીતે હું જેમને પસંદ કરતો ન્હોતો, તેમને  કદાચ આજે પણ પસંદ નથી અને તેમની સાથે વાત કરવાનો સંબંધ નહીં હોવા છતાં, તેઓ માણસ તરીકે સારા છે તેવું ચોક્કસ માનતો થયો છું.ક્રાઈમ રીપોર્ટીંગને કારણે મારે અનેક પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીને મળવાનું છે. સામાન્ય રીતે જયારે કોઈ પણ પત્રકાર કોઈ પોલીસ અધિકારી પાસે માહિતી લેવા જાય ત્યારે પોલીસ અધિકારીઓ પણ પત્રકારને સાનુકૂળ રહેવાનું પસંદ કરે. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા આઈપીએસ અધિકારીએ કે સુરોલીયા આ બધા કરતાં જરા જુદા હતા. સામાન્ય રીતે તેઓ પત્રકારોને મળવાનું પસંદ કરતા ન્હોતા. શકય હોય ત્યાં સુધી તેઓ પોતાની જાતને માધ્યમોથી દૂર રાખતા હતા.

હું ફરજના ભાગ રૂપે એ કે સુરોલીયાને અનેક વખત મળ્યો છું, પણ તેમને જયારે પણ મળ્યો ત્યારે મેં નોંધ્યું કે તેમના ચહેરા ઉપર કોઈ ઉમળકો હોય નહીં. તમે તેમની પાસે માહિતી માંગો તો દિવાલ સામે જોઈ અથવા આંખો બંધ કરી જવાબ આપે. મને આ ખટકતું હતું. તેમનો વ્યવહાર જાણે એવો હતો કે તમને પણ લાગે કે માહિતી મળે તો ઝટ અહિંયાથી ભાગી જઈએ. જયારે જયારે પણ  મારે એ કે સુરોલીયા પાસે જવાનું થયું ત્યારે મન કહેતું કે ના જવું પડે તો સારું. જેના કારણે મને એ કે સુરોલીયા માટે કોઈ દુર્ભાવ ન્હોતો પણ મને ગમતાની યાદીમાં તેઓ ન્હોતા.

આવી માનસિકતા મારી વર્ષો સુધી રહી. મને  મળેલા નવા વિચારો દ્વારા મને સમજાયું કે કોઈ પોલીસ અધિકારીને પત્રકારને મળવું ગમતું નથી, તો તેમનો  અધિકાર છે.દરેક વ્યકિત આપણને ગમતો વ્યવહાર જ કરે તેવો આગ્રહ રાખવો યોગ્ય નથી. એ કે સુરોલીયા પત્રકાર સાથે ભલે સારી રીતે વાત કરતા નથી, પણ તેઓ પોલીસ અધિકારી તરીકે પોતાની ભૂમિકાને યોગ્ય ન્યાય આપે છે. તેઓ પોલીસ અધિકારી તરીકે પોતાના કામમાં કોઈ ગફલત કરતા નથી. કદાચ તેના કારણે પત્રકારો તો ઠીક, પણ સત્તા પક્ષના રાજનેતાઓ પણ તેમને પસંદ કરતા નથી. આમ કોઈ પોલીસ અધિકારી કે પછી રાજનેતાને પત્રકાર પસંદ કરતા નથી તેના આધારે તેમનું મૂલ્યાંકન થાય તે વાજબી નથી. માણસ તરીકે મર્યાદાઓ તમામમાં રહેવાની છે, પરંતુ આપણા ગમા-અણગમાને આધારે કોઈનું મૂલ્યાંકન યોગ્ય નથી.

મારી-તમારી અને આપણા બધાની સમસ્યા એવી છે કે આપણે દુનિયાભરનું શિક્ષણ મેળવ્યું, પરંતુ આપણને ઘર અને સ્કૂલમાં  માણસો સાથેના સંબંધ અંગે શિક્ષણ આપવામાં આવતું નથી. સંબંધોનું શિક્ષણ આપણને આપવામાં આવતું નથી, જેના કારણે વિપરીત પરિસ્થિતિમાં આપણે બીજા સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજનો અભાવ રહે છે. પહેલાં તો અજાણતાં આપણને સંબંધોનું શિક્ષણ મળી રહેતું હતું કારણ સંયુકત પરિવારમાં આપણે રહેતા હતા, અનેક ભાઈ ભાંડુઓ, દાદા-દાદી અને કાકા-કાકી સાથે ઉછેર થતો હતો. એક જ પરિવારમાં અનેક બાળકો રહેતાં. કોણ કોનું બાળક અને કોણ કોની માતા તે વ્યવહાર ઉપરથી નક્કી કરવું અઘરું હતું. સંયુકત પરિવારમાં આપણાની ભાવના હતી, પણ કાળક્રમે વિભકત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા અને તેમાં પણ એક જ બાળકની વાત આવી, જેના કારણે આખા ઘરમાં માત્ર  એક જ બાળક હોય તેને વહેંચવાની વાત સમજાઈ જ નહીં.

પોતાના જ ઘરમાં માણસ એકલો પડવા લાગ્યો તેવી સ્થિતિ નિર્માણ થઈ, જેના પરિણામ સ્વરૂપ આપણે પોતાની પસંદ-નાપસંદના આધારે કોણ સારું, કોણ ખરાબ તે નક્કી કરતા થયા. મને સ્કૂલમાં ફટકારનાર શિક્ષકના મારમાં મારી ભલાઈ છુપાયેલી છે તેવી સમજ મને આપવામાં આવી હતી, પણ હવે અભ્યાસમાં ખરાબ દેખાવ કરનાર વિદ્યાર્થીનો શિક્ષક કાન પકડે તો શિક્ષક સામે પોલીસ કેસ થઈ જાય છે કારણ આપણે આપણી સમજને વિકસવા દીધી નથી. મારો દીકરો જયારે સ્કુટર ચલાવતાં શીખ્યો ત્યાર પછી પહેલી વખત ટ્રાફિક પોલીસે તેને હેલ્મેટ વગર પકડયો ત્યારે મેં મારા દીકરાને પકડનાર પોલીસનો આભાર માન્યો હતો કારણ તે પોલીસવાળાએ મારા દીકરાને દંડ માટે ન્હોતો પકડયો, પણ હેલ્મેટ વગર તે નિકળ્યો હતો.

જો ત્યારે જ તેને અકસ્માત નડતો તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. મેં પોલીસને મારા  દીકરા પાસેથી  વધુમાં વધુ દંડ લેવામાં આવે તેવી વિનંતી કરી હતી, જેના પરિણામ સ્વરૂપ આજે મારા  દીકરાને સોસાયટી બહાર પણ સ્કુટર લઈ જવાનું થાય તો તે હેલ્મેટ વગર નિકળતો નથી.આમ દંડ ઉઘરાવતી પોલીસ પણ આપણને પસંદ નથી, છતાં તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે છે તેવો ભાવ આપણમાં અચૂક હોવો જોઈએ.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts