Columns

હરિયાણાની કોમી હિંસા પાછળનો મુખ્ય મુદ્દો બેફામ થતી ગોહત્યાનો છે

દિલ્હીને લાગીને આવેલા હરિયાણામાં પોતાના જાનની બાજી લગાવીને ગાયોની રક્ષા કરતા યુવાનો સક્રિય છે. તેમાં મોનુ માનેસર નામનો યુવાન વિખ્યાત છે. કહેવાય છે કે મોનુ પાસે ૨૨,૦૦૦ કાર્યકરો છે, જેઓ હરિયાણાના કોઈ પણ ભાગમાં ગોહત્યા થતી હોય તો ત્યાં પહોંચી જાય છે અને ગાયોને બચાવે છે. હરિયાણાના નુહમાં બ્રિજ મંડળ યાત્રા પર પથ્થરમારા બાદ ભડકેલી હિંસા બાદ ફરી એક વાર મોનુ માનેસરનું નામ ચર્ચામાં છે. વાસ્તવમાં, મોનુ માનેસરે રવિવારે એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે તે નૂહની રેલીમાં ભાગ લેશે. યાત્રામાં સામેલ લોકો માટે વિડિયો સામે આવ્યો ત્યારથી તણાવ હતો. સોમવારે મોનુ માનેસરના વિરોધમાં ઊભા થયેલા મુસ્લિમ સમુદાય દ્વારા ભગવા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યાર બાદ હિંસા ફાટી નીકળી હતી.

વાસ્તવમાં મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર હરિયાણામાં ગુરુગ્રામના માનેસર ગામનો રહેવાસી છે. તે આઠ વર્ષ પહેલાં બજરંગ દળમાં જોડાયો હતો અને તેણે ગોરક્ષક તરીકે કામ કરતાં ગાય તસ્કરી સામે લડવાની ઝુંબેશ આરંભી હતી. તેણે ગૌ રક્ષકો સાથે જોડાયેલા બાતમીદારોનું એવું નેટવર્ક બનાવ્યું કે તેઓ હરિયાણા પોલીસ સાથે મળીને કામ કરવા લાગ્યા હતા. મોનુ માનેસરનું નેટવર્ક એવું છે કે ગાય તસ્કરીના કેસમાં પોલીસને પછીથી માહિતી પહોંચે છે. પહેલાં મોનુના ગ્રુપને ખબર પડે છે.

વર્ષ ૨૦૧૯ માં મોનુ જ્યારે ગાયના તસ્કરોનો પીછો કરતો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોળી લાગવાથી તે ઘાયલ થયો હતો. આ પછી પણ તે શાંત  બેઠો ન હતો. આ પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનના ભિવાનીમાં જુનૈદ-નાસિર નામના બે મુસ્લિમ યુવકોને બોલેરો ગાડીમાં જીવતા સળગાવવાના કેસમાં મોનુ માનેસરનું નામ ચર્ચામાં આવ્યું હતું. મોનુએ તેની હત્યામાં કોઈ સંડોવણીનો ઇનકાર કરતો એક વિડિયો જાહેર કર્યો હતો. મોનુ હત્યા કેસમાં વોન્ટેડ હતો. રાજસ્થાન પોલીસ હત્યા કેસમાં તેને શોધી રહી હતી.

નલ્હાર સ્થિત પ્રાચીન શિવ મંદિરમાં બ્રિજ મંડળે જલાભિષેક કર્યા બાદ પ્રથમ વખત યાત્રા નીકળી ન હતી. આ યાત્રા અગાઉ પણ દાયકાઓથી ચાલી રહી છે. આ વખતે મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચ્યાં હતાં. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ વતી લોકોને આ યાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુરુગ્રામમાંથી બે હજાર, રેવાડીમાંથી લગભગ પાંચસો અને અન્ય જિલ્લાઓમાંથી લગભગ પાંચ હજાર લોકોએ યાત્રામાં ભાગ લીધો હતો.

આ પછી પણ પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે પચાસથી ઓછા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. મોનુ માનેસરનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થયા બાદ પ્રશાસનને ખબર હતી  કે મુસ્લિમ સમાજના કેટલાક યુવકો તરફથી પણ ધમકીઓ મળી રહી છે. આ પછી પણ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. જે પોલીસો હાજર હતા તેમને પણ રાઇફલ જેવાં હથિયારો આપવામાં આવ્યાં નહોતાં. માત્ર લાકડીઓ લઈને ઊભેલા પોલીસકર્મીઓ પણ કંઈ કરી શક્યા નહીં. આ પછી ઉશ્કેરાયેલા ટોળાના હુમલામાં બે હોમગાર્ડ જવાનો શહીદ થયા હતા.

વિશ્વ હિંદુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગાવાહિની દ્વારા દર વર્ષે નૂહમાં નીકળતી બ્રિજ મંડળની જલાભિષેક યાત્રા પર હુમલો અચાનક નથી થયો. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા મેવાત (નુહ) માં યાત્રા પર હુમલાનું ષડયંત્ર છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘડવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલાને રાજકીય રંગ આપીને તેને નાસીર-જુનૈદ હત્યા કેસના મુખ્ય આરોપી મોનુ માનેસર તરફ વાળવામાં આવી રહ્યો છે. મેવાતમાં સાવન મહિનામાં જલાભિષેક યાત્રા લાંબા સમયથી ચાલી રહી છે. એક સમય હતો જ્યારે મુસ્લિમ સમાજનાં લોકો પણ આમાં સહકાર આપતા હતા, પરંતુ આ વખતે ભાઈચારાને બગાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ યાત્રા નુહના નલ્હાર મહાદેવ મંદિરથી શરૂ થઈ પુનહાના શ્રૃંગાર મંદિરે પૂરી થવાની હતી.

નિર્ધારિત માર્ગ અનુસાર તે નૂહ સ્થિત મનસા દેવી મંદિર પહોંચી હતી. ત્યાર બાદ તે ખીર મંદિર ફિરોઝપુર ઝિરકા ગઈ હતી અને ભગવાન ભોલેનાથના દર્શન અને જલાભિષેક કર્યા બાદ યાત્રા પુનહાના શ્રૃંગાર મંદિરે જવા રવાના થઈ હતી. આરોપ છે કે મોનુએ રવિવારે વિડિયો જાહેર કર્યો હતો અને જલાભિષેક યાત્રામાં સામેલ થવાની વાત કરી હતી. જવાબમાં મુસ્લિમોએ પણ વિડિયો પ્રસારિત કર્યો. મોનુએ યાત્રામાં ભાગ લીધો ન હતો. મુસ્લિમોના કૃત્યને યોગ્ય ઠેરવવા માટે મોનુના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી હતી. યાત્રા દરમિયાન માત્ર પચાસ પોલીસ જવાનો જ તૈનાત હતા.

ભરતપુર પોલીસ સાત મહિનામાં પણ નાસિર-જુનૈદ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મોનુ માનેસરને શોધી શકી નથી, જે ભરતપુર જિલ્લાના ઘાટમિકામાં રહે છે, પરંતુ મોનુ માનેસરના એક વિડિયોએ હરિયાણાના નૂહમાં હંગામો મચાવ્યો હતો. એક દિવસ પહેલાં મોનુ માનેસરે વિડીયો રીલીઝ કરીને કહ્યું કે ‘‘જય ગૌમાતા, જય શ્રી રામ, હું તમારો ભાઈ મોનુ માનેસર, બજરંગ દળ પ્રાંત ગૌરક્ષા પ્રમુખ, હરિયાણાથી. ખૂબ જ આનંદ થાય છે કે તમામ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે મેવાત બ્રિજ મંડળ યાત્રા ૩૧મી જુલાઈ ૨૦૨૩, સોમવારના રોજ છે.

તમામ ભાઈઓએ તેમાં ભાગ લેવો જોઈએ. મેવાતનાં તમામ મંદિરોની મુલાકાત લો. મોટી સંખ્યામાં જાઓ. અમે પોતે પણ પ્રવાસમાં સામેલ થઈશું. અમારી આખી ટીમ આ યાત્રામાં સામેલ થશે.’’ મોનુ માનેસરે હરિયાણાના નૂહમાં પ્રસ્તાવિત બ્રિજ મંડલ યાત્રાના એક દિવસ પહેલાં જ આ વિડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે યાત્રામાં જોડાવાની વાત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી આ મામલે તણાવનો માહોલ હતો. રાજસ્થાનની ભરતપુર પોલીસની ટીમ મોનુને પકડવા નૂહ પહોંચી ગઈ હતી, પરંતુ મોનુ મોડી સાંજ સુધી યાત્રા માટે આવ્યો ન હતો. ભરતપુરની પોલીસ ધોયેલા મૂળાની જેમ પાછી ફરી હતી.

નૂહની જિલ્લા અને સેશન્સ કોર્ટ ગાયની દાણચોરીને લગતા કેસોથી ભરેલી છે. એડવોકેટ તાહિર હુસૈન દેવલા આવા ઓછામાં ઓછા ૨૫૦ કેસ સંભાળી રહ્યા છે. તેમના સિવાય અન્ય વકીલો પર પણ આવા ઘણા કેસ છે. તાહિર હુસૈન દેવલાના જણાવ્યા અનુસાર ગાય પરિવહનના મામલામાં હિંદુ અને મુસ્લિમ બંને સામેલ છે, પરંતુ ગૌહત્યાના કેસમાં માત્ર મુસ્લિમો જ સામેલ છે. માનેસરને અડીને આવેલા મેવાતમાં મુસ્લિમો બહુમતીમાં છે. મેવાતના લોકોનો આરોપ છે કે મિડિયાનો એક વર્ગ તેમને બદનામ કરી રહ્યો છે અને દેશના આ અત્યંત પછાત પ્રદેશમાં જ્યાં સારાં શિક્ષણ અને આરોગ્ય કેન્દ્રો નથી ત્યાં ગાયની તસ્કરીનો આરોપ લગાવીને સામાજિક માળખું તોડી રહ્યો છે.

તાહિર હુસૈન અનુસાર મેવાતનો એક વર્ગ સો વર્ષોથી કસાઈનો ધંધો કરતો હતો. તેનો એક નાનકડો હિસ્સો હજુ પણ આ કામ કરવા માટે મજબૂર છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ બહુમતી ધરાવતા મેવાતની વસ્તી ૪૦ લાખની આસપાસ છે, પરંતુ આરોગ્ય અને શિક્ષણનાં સારાં કેન્દ્રો નથી. તેઓ કહે છે કે એક ગામમાં દસ હજારની વસ્તી છે, જેમાંથી ભાગ્યે જ પાંચથી દસ લોકો આ કામમાં રોકાયેલા છે. હરિયાણામાં માનેસર અને મેવાત જેવા અનેક વિસ્તારો છે, જ્યાં હિંદુઓ અને મુસ્લિમો સંપીને રહે છે. હવે કેટલાક રાજકારણીઓ આ સંપ તોડીને કોમી હિંસા ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top