Columns

ન્યાયતંત્રે ન્યાયતંત્રને બચાવવાનું છે

સર્વોચ્ચ અદાલતના 5 ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે ચુકાદો આપ્યો છે કે હવે પછી ચૂંટણીપંચના વડા અને તેમના બીજા 2 સહાયકોની નિમણૂક સરકાર મનસ્વીપણે નહીં કરે પરંતુ વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણ મુજબ કરશે. જો વિરોધ પક્ષના નેતાનો સત્તાવાર હોદ્દો ધરાવવા જેટલી બેઠકો કોઈ પક્ષ ન ધરાવતો હોય તો લોકસભામાં સૌથી મોટા પક્ષના સંસદીય નેતાની સાથે સલાહ મસલત કરીને નિર્ણય લેવામાં આવે. આ ચુકાદો તો આવકાર્ય છે જ પણ ખુશીની વાત એ છે કે સર્વોચ્ચ અદાલતની ખંડપીઠનાં પાંચેય ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે આ ચુકાદો આપ્યો છે. આજકાલ સર્વોચ્ચ અદાલતમાં પણ ખંડપીઠ હોય તો એકાદ-બે જજ નોખા પડીને સરકારને અનુકૂળ ચુકાદાઓ આપે છે અને પછી નિવૃત્તિ પછીના લાભ લઈ લે છે. આ ખરીદવા-વેચાવાનો યુગ છે.

વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના જજોની નિમણૂકની માફક ચૂંટણીપંચના વડાની નિમણૂક બાબતે પણ બંધારણ ચૂપ છે અને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ પણ એક બંધારણીય લોકશાહી સંસ્થા છે અને તે શાસકોનાં પ્રભાવથી મુક્ત હોવી જોઈએ. લોકશાહી સંસ્થા એ કહેવાય જેના થકી લોકશાહી ટકી શકે, સંવર્ધન પામે. જો ચૂંટણીપ્રક્રિયામાં જ ઘાલમેલ થતી હોય તો લોકશાહી ક્યાંથી ટકે? પણ ખબર નહીં કેમ, પણ બંધારણ ઘડનારાઓએ આવી મહત્ત્વની સંસ્થાઓમાં નિમણૂકનો અધિકાર શાસકોને આપ્યો છે. શાસકો મોટાભાગે સનદી અધિકારીઓમાંથી કોઈની ચૂંટણીપંચના વડા તરીકે નિમણૂક કરે છે.

આ ત્રુટીનો લાભ સરકાર લે છે અને અત્યારે તો ઉઘાડેછોગ તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ ઘૂંટણિયે પડી ગયું છે. સરકાર કહે એ મુજબ ચૂંટણી જાહેર કરે, સરકાર કહે એ મુજબ સમય પત્રક બનાવે, સરકાર કહે એ મુજબ જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં સરકારને અનુકૂળ હોય એવા અધિકારીઓની નિમણૂક કે બદલી કરવામાં આવે, સરકાર કહે એ મુજબ મતદારક્ષેત્રની રચના કે પુનર્રચના કરવામાં આવે, સરકાર કહે એ મુજબ આચારસંહિતા લાગુ કરવામાં આવે અને સરકાર કહે એ મુજબ આચારસંહિતાનો ભંગ કરનારાને દંડવામાં આવે અથવા આંખ આડા કાન કરવામાં આવે. વિરોધ પક્ષ હોય તો દંડવાના અને શાસક પક્ષ હોય તો આંખ આડા કાન કરવાના. સરકાર કહે એ મુજબ જે તે બૂથમાં ગેરરીતિનું ટકી ન શકે એવું બહાનું કાઢીને એ મતદારક્ષેત્રમાં ફેરચૂંટણી યોજવામાં આવે અને બીજી બાજુ ઊઘાડી ગેરરીતી થઈ હોવા છતાં સરકારને માફક ન આવે તો ફેરચૂંટણી યોજવામાં ન આવે. વર્તમાન શાસકોએ ચૂંટણીપંચને પાંજરામાં પૂરેલા પોપટ જેવું બનાવી નાખ્યું છે. CBI, ED, RBI વગેરે પણ સરકારી પોપટ છે.

BJP પ્રમાણમાં સહેલાઇથી ચૂંટણી જીતી શકે છે એનાં મુખ્ય 2 કારણો છે. એક છે ચૂંટણીપંચ પરનો કબજો. ચૂંટણીઓ ચૂંટણીપંચ નથી યોજતું, BJP યોજે છે. એ લોકો તો માત્ર આદેશોનું પાલન કરે છે. ચૂંટણીઓ જીતવાનું બીજું અને કદાચ વધારે સબળ કારણ છે રાજકીય પક્ષોને આપવામાં આવતા બોન્ડ્સ. 80% બોન્ડ્સ BJPને જાય છે જેનો અર્થ એ થયો કે કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતાં નાણાનો 80% હિસ્સો BJPને જાય છે. કોર્પોરેટ કંપનીઓ બીજા રાજકીય પક્ષોને બોન્ડ્સ આપતા ડરે છે, કારણ કે કાયદો એવો ઘડવામાં આવ્યો છે કે રીઝર્વ બેંક દ્વારા સરકારને ખબર પડી જાય કે કઈ કંપની કયા રાજકીય પક્ષને આર્થિક મદદ કરી રહી છે.

ઉદ્યોગપતિઓ ડરે છે અને ડરવું પડે એવું વાતાવરણ પણ પેદા કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં જેને લેવલ પ્લેયિંગ ફિલ્ડ કહેવાય એવું એક સમાન મેદાન રહેવા દીધું નથી. BJP નાણાકીય તાકાતમાં બીજા રાજકીય પક્ષો કરતાં 8 પગથિયાં ઉપર છે અને બાકીના 2 પગથિયાંમાં એટલે કે 20% નાણાંમાં 200 પક્ષો છે. આ જે નાણાંકીય તાકાતમાં અસમાનતા પેદા કરવામાં આવી છે એ BJPની જીતોનું બીજું કારણ છે. આને પડકારતી એક અરજી સર્વોચ્ચ અદાલતમાં 2017થી પડી છે અને હજુ સુધી તેને હાથ ધરવાનો સર્વોચ્ચ અદાલતને સમય મળ્યો નથી.

અર્ણવ ગોસ્વામીની જામીન અરજી તાત્કાલિક સાંભળવા માટે સર્વોચ્ચ અદાલત પાસે સમય છે, લોકશાહીનો પ્રાણ હરી લેનારી ઈલેક્ટોરલ બોન્ડ્સની ગેરબંધારણીય જોગવાઈ વિશે નિર્ણય કરવાનો સર્વોચ્ચ અદાલત પાસે સમય નથી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ્સને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલત હવે પછી ઝડપથી સાંભળશે. એ તો કોવિડને કારણે સમય મળ્યો નહોતો, બાકી અમારી પ્રતિબદ્ધતામાં કોઈ ખામી નથી. અર્ણવ ગોસ્વામીની ધરપકડની ઘટના પણ કોવિડકાળમાં જ બની હતી, પરંતુ તેને માટે કોવિડ છતાંય અદાલત પાસે સમય હતો.

ત્યારે સર્વોચ્ચ અદાલત કહી શકી હોત કે આ મામૂલી ઘટના છે અને વડી અદાલતમાં ફરી વાર અરજી કરો. કયો જજ કઈ અરજી દાખલ કરે છે, કેવો ચુકાદો આપે છે અને નિવૃત્તિ પછી ક્યાં ગોઠવાય છે એના પર નજર રાખો તો બધું જ સમજાઈ જશે. તો જે જોગવાઈને કારણે લોકતંત્રનો પ્રાણ હરાઈ રહ્યો છે અને દેશમાં એકપક્ષીય તાનાશાહી લાગુ થઈ રહી છે એની સામેની પીટીશન સાંભળવા માટે સર્વોચ્ચ અદાલતને 6 વરસથી સમય નથી મળતો. સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચ વિશે જેમ ચુકાદો આપ્યો છે એમ ભેગાભેગ બોન્ડ્સ વિશે પણ ચુકાદો આપશે તો જ દેશમાં લોકતંત્ર બચવાનું છે.

એ ક્યારે થશે ભગવાન જાણે. ન્યાયમૂર્તિઓ સરકારની તરફેણમાં ચુકાદો આપી શકે એમ નથી અને વિરોધમાં ચુકાદો આપતા ડરે છે. માટે અરુણ શૌરી કહે છે કે દરેક અનૈતિકતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવી જોઈએ. ન્યાય ન મળે તો વાંધો નહીં, કમસેકમ પવિત્ર સ્થાને બિરાજમાન લોકો કેટલા અપવિત્ર કામ કરે છે એની તો ઇતિહાસમાં નોંધ લેવાશે. આખરે ઈતિહાસ સૌથી મોટો ન્યાયધીશ છે. વેચાઈ ગયેલા અર્ણવ ગોસ્વામીઓ અને ન્યાયમૂર્તિ ફૂકનો અને તેમને ખરીદનારા શાસકો ત્યાં નોંધારા હશે. સર્વોચ્ચ અદાલતની 5 ન્યાયમૂર્તિઓની ખંડપીઠનો સર્વાનુમતે આપેલો ચુકાદો આવકાર્ય છે. રણમાં મીઠી વીરડી સમાન છે. પણ એક સમસ્યા છે.

ચૂંટણીપંચના સભ્યોની નિમણૂક કરવાની ભલામણ કરવાનો અધિકાર જે 3 જણને આપવામાં આવ્યો છે એમાં સૌથી તકલાદી ખૂણો મુખ્ય ન્યાયમૂર્તિનો છે. ફૂકનો મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચી જાય છે અને સોદા કરીને લાભ લઈને જતા રહે છે એ તો આપણે જોઈએ જ છીએ. અને તમને તો ખબર જ છે કે વર્તમાન શાસકોનો પહેલો ટાર્ગેટ ન્યાયતંત્ર છે. ફૂકનો ગોઠવાઈ જાય પછી ન્યાયતંત્ર કહેશે એમ કાયદાના રાજનું પાલન કરવામાં આવશે. ઉલ્લંઘન કરે એ બીજા. પાકિસ્તાન જેવું જ કાયદાનું રાજ ભારતમાં પણ હશે. ફૂકનો વડા પ્રધાન સાથે મળીને ચૂંટણીપંચના વડાઓની નિમણૂક કરશે. આ દેશના દુર્ભાગ્ય જુઓ! દેશ પાકિસ્તાનને અનુસરે છે. માટે પાકિસ્તાની કવયિત્રી ફેહમિદા રિયાઝે કહ્યું હતું કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે…” લોકશાહી જિંદાબાદ! અત્યારે પહેલી જરૂરિયાત ન્યાયતંત્રેે ન્યાયતંત્રને બચાવવાની છે.

Most Popular

To Top