Columns

દરોડાનો શાસનકાળ સવાલ કરનારાઓને ચૂપ કરવા વપરાતી દરોડાની ચાબુકથી લોકશાહી લોહીલુહાણ થશે

બે -એક અઠવાડિયા પહેલા આ દરોડાના સપાટામાં BBCનો વારો પણ આવ્યો. નરેન્દ્ર મોદી અને 2002ના રમખાણોના સંદર્ભે બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થઇ જેને પગલે ઘણી ચર્ચાઓ અને આક્ષેપો થયા. આ ડૉક્યુમેન્ટરી ભારતમાં સોશ્યલ મીડિયા પર શૅર ન થાય એ માટે બ્લૉક પણ કરાઇ અને તેને ભારત વિરોધી કચરાનું લેબલ પણ અપાયું– ટૂંકમાં તેની એટલી વાત થઇ કે ઉત્સુક જીવોએ એ ક્યાંકને ક્યાંકથી મેળવીને જોઇ લીધી. સહેજ સમય પસાર થયો નથી કે BBCની ઑફિસિઝ પર આવકવેરાનો દરોડો પડ્યો. સરકારી સૂર એવો છે કે આવક વેરાના દરોડા અને BBC ડૉક્યુમેન્ટરીને કોઇ લેવાદેવા નથી. 2021માં ગુજરાતના અગ્રણી દૈનિક અખબારની ઑફિસ પર પણ ઇન્કમ ટૅક્સના દરોડા પડ્યા હતા અને એક અભિપ્રાય એવો પણ હતો કે એ અખબારે બીજેપીની સરકાર વાળા ગુજરાતમાં કોરોનાની સારવારના મેનેજમેન્ટની પોલંપોલ વિષે એટલું લખ્યું હતું કે આ દિવસ આવીને ઊભો રહ્યો.

આ જ રીતે અલ્ટ ન્યૂઝના મોહંમદ ઝુબેરને મહિના સુધી જેલમાં ગોંધી રખાયા, યુપીમાં સામૂહિક બળાત્કારની તપાસ કરવા ગયેલા પત્રકાર સિદ્દિક કપ્પાન સામે પણ આક્ષેપો કરાયા તો NDTV પર CBIના દરોડા કરાયા, 2020માં દિલ્હીમાં મુસલમાનો પર થયેલી હિંસાનું રિપોર્ટિંગ કરનારી મલિયાલમ ભાષાની ટેલિવિઝન ચેનલ ધી મીડિયા વનને 48 કલાક માટે ઑફ એર કરી દેવાઇ હતી તો માનવાધિકાર માટે કામ કરનારા હર્ષ મંદર જેવા એક્ટિવિસ્ટે પણ દરોડાનો સામનો કર્યો હતો, વળી ઑક્સફામ, એમનેસ્ટી, ગ્રીનપીસ, ભીમા કોરેગાંવ કેસ, સેન્ટર ફોર પૉલિસી રીસર્ચ પર પણ દરોડાના ચાબુક વિંઝવામાં આવી. કેન્દ્રિય સંસ્થાનો જેમ કે CBI, ED, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને શસ્ત્ર બનાવી વિરોધીઓને ચૂપ કરવાનો પ્રયત્ન કરાયો છે.

કેન્દ્ર સરકારના વિરોધીઓ – તે વ્યક્તિગત હોય કે કોઇ સંસ્થા હોય – તેમની પર દરોડાનું શસ્ત્ર અપનાવાય છે એ વાત હવે એટલી સાહજિક બની ગઇ છે કે કોઇને હવે તેની નવાઇ પણ નથી લાગતી. આ દરોડાના વિરોધમાં ઉઠતા અવાજોને સરકાર ધ્વનિ પ્રદૂષણ સમજીને અવગણી દે છે અને કાયદાને અનુસરવાના પોતાના આગ્રહને આગળ ધરે છે. ભ્રષ્ટાચારને નાથવા માટેનો એક માત્ર રસ્તો દરોડા છે એવો અભિપ્રાય સરકાર પક્ષે ધૂંટવામાં આવે છે. દરોડાનું રાજકીયકરણ થયું છે અને બીજેપીની કેન્દ્ર સરકાર હેઠળ જે રીતે દરોડાનો ઉપયોગ વિરોધીએને ચૂપ કરી દેવા માટે કરવા માટે થઇ રહ્યો છે તે લોકશાહી માટે જોખમી પરિસ્થિતી ખડી કરશે એ ચોક્કસ. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ – PMLA 2002ને હથિયાર બનાવીને EDએ મોદી સરકારની સામે ચૂં કે ચા કરનારાઓને ‘હખણા’ કરવામાં પાછું વળીને જોયું નથી – દરોડાનું રાજકીયકરણ તો પહેલાંની સરકારમાં પણ થયું છે પણ અત્યારે જે તેમાં એક બહુ નોંધપાત્ર ફેર આવ્યો છે – પહેલાં આ દરોડા રાજકીય રાહે થતા પણ હવે આ દરોડા રાજકીય નિયંત્રણ કરવાના આશયથી જ કરવામાં આવે છે.

વળી ભેદભાવ એટલો સાફ છે કે ન પૂછો વાત – કર્ણાટક સરકાર સામે થયેલા વિવિધ કૌભાંડોના આક્ષેપો કે મધ્યપ્રદેશમાં થયેલા મધ્યાહન ભોજનના આક્ષેપો કે પછી વ્યાપમ સ્કેમમાં બીજેપીના નેતાઓની સંડોવણી વગેરે મામલે કાં તો થોડો ઘણો ઘોંઘાટ થાય અને પછી બધું શાંત પડી જાય અથવા તો જે – તે નેતા બીજેપીમાં ન હોય અને જો પક્ષ પલટો કરી લે તો આ દરોડાના દોરડામાંથી મૂક્ત થઇ જાય. આવા નેતાઓની યાદીમાં સામેલ છે આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વાસ શર્મા, બીજેપી બંગાળના સુવેન્ધુ અધિકારી અને મુકુલ રોય. અગાઉની સરકારમાં એમ થતું કે કોઇ રાજકીય ચહેરાના માથે ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગે એટલે બે આંખની શરમે પણ જે તે નેતા પક્ષમાંથી નીકળી જતા – જેમ કે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ કે 2જી સ્કેમ – જો અત્યારની સરકારને એવો બધો કોઇ ફેર નથી પડતો. શિવસેનાના જે મંત્રીઓ સામે તપાસ ચાલતી હતી તે બીજેપીમાં જોડાયા અને મામલો કોરાણે મુકાઇ ગયો.

અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે વડાપ્રધાનની છબી પર એક સળ પડી નથી કે વિરોધીઓ પર દરોડાની ચાબુક વિંઝાઇ નથી! જે રીતે રાજકીય સરઘસો વારંવાર થાય એમ દરોડા પણ છાશવારે પડે છે. ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે. અમુક ચોક્કસ લોકો કે સંસ્થાઓને દરોડાના નિશાન બનાવાય ત્યારે લોકશાહીની પકડ ઢીલી બને. તમે સહેજ અવાજ ઉઠાવ્યો નથી કે બસ તમારું આવી બન્યું વાળો અભિગમ લોકશાહીના મૂળભૂત અધિકાર – જેમાં સત્તા સામે સવાલ કરી શકાય- ની વાતનું હનન કરે છે.

આમ જ ચાલે તો જે પણ સત્તાધિશોને સવાલ કરવા માગે છે તે એમ કરતાં પહેલાં બે વાર વિચાર કરશે. આ દરોડાની વાહવાહી થશે તો શાસક પક્ષના વિકલ્પ તરીકે કોઇ રાજકીય પક્ષ આવવાની શક્યતાઓ પણ પાંખી બનતી જશે. રાજકારણ બળપૂર્વકનું શાસન બને છે એમાં પસંદગીની વાત રહેતી જ નથી જે લોકશાહીનો છેદ ઉડાડનારી બાબત જ છે. લોકશાહીમાં લોકોને પોતાનો મત અલગ ધરાવવાનો અધિકાર હોય છે પણ અહીં તો માળું દરોડાની બીકથી કોઇ પોતાના અલગ વિચાર કરવાનો વિચાર નહીં કરે કારણે કાયદાની પકડ નહીં પણ કેન્દ્ર સરકારના સકંજામાં આવી જશે આમ કાયદાનું શાસન પણ નબળું પડે. ડર ફેલાવી શાસન કરવાની માનસિકતા લોકશાહીને કેટલી અને કેવા પ્રકારની હાનિ પહોંચાડી શકે છે એ સમજવું જરાય મુશ્કેલ નથી. દરોડાથી ચાલતું રાજકીય લોકશાહીનું પોત પાતળું પાડશે એ સૌથી મોટું જોખમ અને આવું શાસન ભ્રષ્ટાચારના પ્રશ્નનો જવાબ તો નહીં શોધી શકે બલ્કે તેની ગંભીરતા પાંખી કરશે.

Most Popular

To Top