Editorial

સંગ્રહ થવાને કારણે રૂપિયા 2000ની નોટ ચલણમાં મૂકવાનું સરકારનું પગલું અંતે નિષ્ફળ જ રહ્યું

જો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી મોટી કિંમતની જો કોઈ ચલણી નોટ સરકારે બહાર પાડી હોય તો તે 10000 રૂપિયાની નોટ હતી. તે બાદ 2000 રૂપિયાની નોટ છે. રાતોરાત ચલણી નોટને બંધ કરી દેવાની બે મોટી ઘટના ભારત દેશમાં બની છે. ભૂતકાળમાં જ્યારે 1977-78માં દેશમાં મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે 500, 1000 અને 10000ની ચલણમાં રહેલી નોટ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરીને દેશમાં લોકોને આંચકો આપી દીધો હતો. મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે લોકોને એટલો ફરક એટલા માટે પડ્યો નહોતો કે ત્યારે 500, 1000 અને 10000ની નોટ ગણ્યાંગાંઠ્યા લોકો પાસે જ હતી.

આ કારણે તે સમયે નોટબંધીથી જેને ફરક પડ્યો તે દેશના ધનિકો જ હતા પરંતુ જ્યારે મોદી સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી ત્યારે આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. દેશમાં ગરીબ અને મધ્યમવર્ગ પાસે પણ 500 અને 1000ની નોટ હતી અને તેને કારણે આ નોટબંધીથી આખો દેશ હેરાન થઈ ગયો. મોદી સરકારે એવો દાવો કર્યો હતો કે નોટબંધીને કારણે કાળું નાણું બહાર આવી જશે. નોટબંધીથી નાણું તો બહાર આવ્યું પરંતુ તે કાળું નહોતું. લોકોએ તેને બેંકમાં જમા કરાવીને સફેદ નાણું કરી દીધું હતું. તે સમયે મોદી સરકારે લોકોની સુવિધા માટે 2016માં નવેમ્બર માસમાં  2000ની નોટ ચલણમાં મૂકી હતી.

જોકે, સમયાંતરે એ ધ્યાન પર આવ્યું કે 500 બાદ સીધી 2000 રૂપિયાની નોટ હોવાથી તે ચલણમાં એટલી ચાલતી નથી. મોટાભાગે કાળું નાણું ધરાવનારાઓએ 2000ની નોટનો ઉપયોગ નાણાંનો સંગ્રહ કરવા માટે જ કર્યો. પરિણામે બેંકમાં પણ 2000ની નોટ આવતી બંધ થઈ ગઈ અને 2000ની નોટના સ્વરૂપમાં કાળા નાણાંનો વધતો વ્યાપ જોઈને અંતે સરકારે પણ 2000ની નવી નોટ છાપવાની બંધ કરી દીધી. થોડા સમય બાદ રિઝર્વ બેંકએ 2000ની નોટ એટીએમમાં મૂકવાની પણ બંધ કરી દીધી. સને 2021-22માં 2000ની 38 કરોડ રૂપિયાની મૂલ્યની નોટ નાશ પામી હતી. રિઝર્વ બેંકના આ પગલાઓ જોતાં એવા ભણકારા વાગતા જ હતા કે ગમે ત્યારે સરકાર દ્વારા 2000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે અને લોકોની આ વાત સાચી પણ પડી.

ગત મે માસમાં સરકારે જાહેરાત કરી જ દીધી કે 2000ની ચલણી નોટને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે અને સાથે સાથે આ નોટ ચલણમાં પણ રહેશે. ભૂતકાળના નોટબંધીના નિર્ણયથી દાઝેલી સરકારે આ વખતે ફૂંકી ફૂંકીને આગળ વધવાનું નક્કી કર્યું હતું અને તેને કારણે જ સરકારે રાતોરાત 2000ની નોટ બંધ કરવાને બદલે લોકોને તેને 30મી સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલાવવાનો વિકલ્પ આપ્યો હતો.

મે માસથી શરૂ કરીને સપ્ટેમ્બર માસને પુરા થવામાં બે દિવસ બાકી હતા ત્યાં સુધીમાં બેંકોમાં 93 ટકા જેટલી 2000ની ચલણી નોટ ભરાઈ ચૂકી છે. જેનું મૂલ્ય 3056 અબજ રૂપિયા છે. હવે માત્ર 7 જ ટકા એટલે કે 24000 કરોડની 2000ની ચલણી નોટ બજારમાં ફરી રહી છે તેવું આંકડાઓ કહી રહ્યા છે.  આજે 30મી સપ્ટેમ્બર છે અને આજે 2000ની નોટ બેંકોમાં બદલાવવાનો છેલ્લો દિવસ છે.

2000ની નોટને રિઝર્વ બેંક દ્વારા ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી નથી. જેથી આ ચલણી નોટ હજુ પણ બજારમાં ચાલુ રહેશે. 30મી સપ્ટેમ્બર બાદ રિઝર્વ બેંક દ્વારા આ ચલણી નોટ માટે શું નિર્ણય લેવામાં આવશે તેની એક દિવસ પહેલા સુધી કોઈ જ જાણ કરવામાં આવી નથી. જોકે, 2000ની નોટનું લીગલ ટેન્ડરનું સ્ટેટ્સ હજુ સુધી નાબૂદ કરવામાં આવ્યું નહીં હોવાથી જો સરકાર દ્વારા 30મી સપ્ટેમ્બરે કોઈ નિર્ણય જાહેર કરવામાં નહી આવે તો 2000ની નોટ ચલણમાં ચાલુજ રહેશે. પ્રશ્ન એ છે કે, 30મી સપ્ટેમ્બર પછી પણ બેંકોમાં બદલાવી શકાશે કે કેમ? લોકોને આ મામલે અવઢવ છે.

30મી સપ્ટેમ્બર બાદ સરકાર દ્વારા 2000ની નોટના મામલે જે વલણ લેવામાં આવે તે ખરૂં પરંતુ તે પહેલા એ સત્ય છે કે સરકાર દ્વારા 2000ની નોટ ચલણમાં લાવવાનું પગલું નિષ્ફળ જવા પામ્યું છે. 2000ની નોટનો ખરો ઉપયોગ થયો જ નહીં અને લોકોએ તેને નાણાંના સંગ્રહ કરવા માટે જ ઉપયોગ કર્યો. 2000ની નોટ બેંકોમાં બદલાવાના મામલે પણ મોટાભાગે 95 ટકાથી વધારે નોટ બેંકોમાં જમા થઈ ગઈ. ખરેખર હાલમાં 500ની નોટ પછી બીજી મોટી ચલણી નોટની બજારમાં જરૂર છે જ પરંતુ સરકારે એ ધ્યાન રાખવાનું રહેશે કે ફરી 2000ની ચલણી નોટ બજારમાં લાવવા જેવું ખોટું પગલું નહીં ભરાય તે નક્કી છે.

Most Popular

To Top