Business

રૂપેરી પરદાના એ સદા યાદગાર ‘ત્રિદેવ’


દિલીપ – રાજ – દેવ… તમે એને ત્રિમૂર્તિ કહી શકો- તમે એને ત્રિદેવ કહી શકો..તમને ગમતા એવા હુલામણા નામથી પણ એમને સંબોધી શકો- બોલાવી શકો પણ આપણા સિને-જગતની આ ત્રિપુટી જાણે નામ -કામનું અમરત્વ લખાવીને આવી છે. જેને જગત આખું આગામી વર્ષો સુધી ભૂલી નહીં શકે. દેવ- દિલીપ- રાજ લગભગ એક જ અરસામાં રૂપેરી પરદે આવ્યા. એ ત્રણેય જો એકમેકથી ૧૦-૧૫ વર્ષના અંતરે ફિલ્મજગતમાં આવ્યા હોત તો એ પ્રત્યેકની એક ગાથા અલગ હોત- એક યુગ અલગ હોત… પણ એવું ન થયું.

વિધાતા એ ત્રણેયને એક જ સમયગાળામાં સમાંતરે સાથે લઈ આવી. વખતોવખત એ ત્રણેયનાં કામ-નામની તુલના થતી રહી પણ એનું ખાસ વજૂદ ન હતું કારણ કે નિયતિએ એ ત્રણેયના લલાટે એકબીજાથી ભિન્ન-વિભિન્ન ભૂમિકા આગોતરી લખી આપી હતી. રાજ- દેવ – દિલીપની અદાકારીના મિજાજ -માહોલ અલાયદા હતા. રાજ એક ભોળા-ભલા- સીધાસાદા ગામઠી આદમીના કિરદાર-પાત્રમાં અવ્વલ રહ્યા તો દેવ એક દિલફેંક, અલગારી અને આધુનિક યુવાનના પાત્રમાં બરાબર બંધબેસતા. ખાસ કરીને, ગર્દન ત્રાંસી ઝુકાવીને સામે ફંગોળેલાં સ્મિત પર ભલભલી યૌવના ફિદા થઈ જતી. દેવ એમનો ‘પ્રિન્સ ચાર્મિંગ’ હતો તો યુસુફ ભાઈજાન તો કોઈના હૃદયના ખૂણે થયેલાં છૂપા જખ્મને વાચા આપી એને રુઝવતા ટ્રેજેડી કિંગ – કરુણાંતના કોહિનૂર હતા.

આમ લગભગ એક જ કાળ- સમય દરમિયાન આવેલાં આ ત્રણેય અદાકારે પોતપોતાની આવડત – ક્ષમતાથી અલગ અલગ કેડી કંડારીને લોકપ્રિયતાના શિખરને આંબ્યા હતા . ત્રણેયનો પ્રચંડ ચાહક વર્ગ હતો. દિલીપકુમારના દેહાંત સાથે આપણા સિનેજગતના એ ‘ત્રિદેવ’ યુગનો ખરા અર્થમાં ‘ધ ઍન્ડ’ આવી ગયો પણ એ ત્રણેયની હયાતી દરમિયાન એમની સમાંતર કારકિર્દી વિશે થોડુંક જરા ઝડપથી જાણી લઈએ…. એ ત્રણેયમાં દિલીપ સૌથી મોટા . ૧૯૨૨માં એમનો જન્મ. એમના પછી દેવનો જન્મ ૧૯૨૩માં ને રાજનું પૃથ્વી પર આગમન થયું ૧૯૨૪માં પણ એ ત્રણેયમાંથી સૌથી પહેલી વિદાય લીધી રાજ ક્પૂરે ૧૯૮૮માં- માત્ર ૬૩ વર્ષની વયે. એ પછી ૨૩ વર્ષના અંતરે દેવે દુનિયાને અલવિદા કર્યું ડિસેમ્બર -૨૦૧૧માં ૮૮ વર્ષની ઉંમરે. ત્રિપુટીના આ બીજા સાથી દેવની વિદાય પછી એકલા-અટૂલા રહી ગયેલા દિલીપે બરાબર ૧૦ વર્ષ પછી હમણાં ૭ જુલાઈ-૨૦૨૧માં જગને અલવિદા કહ્યું એ સાથે આ અવ્વલ અદાકારોની દંતકથાસમી ત્રિપુટીનું વિસર્જન થઈ ગયું…

રાજ કપૂરે અંતિમ વિદાય લીધી એનાં ચાર-પાંચ વર્ષ પહેલેથી એ ફિલ્મ નિર્માણ – દિગ્દર્શનમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. રાજની જેમ દિલીપકુમાર પણ કથળતી જતી તબિયતને લીધે કેટલાંય વર્ષોથી ક્રમશ: ફિલ્મજગતથી દૂર થતા જતા હતા. ૧૯૯૮માં એમની છેલ્લી ફિલ્મ આવી : ‘કિલ્લા’. એ ત્રિપુટીમાં છેલ્લા શ્વાસ સુધી ફિલ્મ નિર્માણ – દિગ્દર્શન-અભિનયમાં સતત કાર્યરત રહ્યા દેવ આનંદ. પોતાના એક ડ્રીમ પ્રોજેક્ટ માટે લંડન મુલાકાત વખતે આ સદાબહાર દેવનું અવસાન થયું ત્યારે એમની આયુ હતી ૮૮ વર્ષ…!

આજે આપણે સોશ્યલ નેટવર્કિંગ મીડિયાના ટિવટર- ઈન્સ્ટાગ્રામ -ફેસબુકના ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે આપણને આજે જાણવાની એ સહેજે જિજ્ઞાસા જાગે કે એ જમાનામાં ફિલ્મજગતનાં પ્રસાર-પ્રચારનાં માધ્યમ ખાસ હતાં નહીં એટલે ૪૦-૫૦ના દાયકાના સિને-સિતારાઓનું ફિલ્મી ઉપરાંત અંગત જીવન કેવું હશે- એકમેક સાથેના સંબંધ કેવા હશે-એકબીજા વિશે ખાનગીમાં શું માનતા હશે-શું કહેતા હશે? ખાસ કરીને આપણને રાજ-દિલીપ-દેવની વિખ્યાત ત્રિપુટી વિશે આવી જાણવાની ઉત્કંઠા જાગે.… વેલ, ફિલ્મજગતના આપણા ઈતિહાસકારો- જાણભેદુઓ એક અવાજે સ્વીકારે છે કે કદાચ કોઈ મૅગેઝિનમાં પ્રગટ થયેલાં એક- બે અપવાદ સિવાય દેવ-દિલીપ-રાજ વચ્ચે કોઈ ઘર્ષણ થયું હોય એવું કયારેય બહાર આવ્યું નથી.

એ ત્રણ વિશે ભાગ્યે જ કોઈ ગૉસિપ થતી. એ ખુદ ત્રણેય એકબીજાનાં લગ્નજીવન કે લગ્નબહારના સંબંધ વિશે પણ જાહેર કે ખાનગીમાં ક્યારેય ટકોર કે ટીકા ન કરતા. એ ત્રણેયનો વ્યવસાય જ એવો ગ્લેમરમય લપસણો હતો કે એમના અંગત જીવનમાં એક કરતાં વધુ સ્ત્રી પ્રવેશે એ સહજ હતું. દિલીપ (કામિની કૌશલ – મધુબાલા)-રાજ (નરગીસ- વૈજયંતીમાલા)-દેવ (સુરૈયા-ઝિન્ન્ત અમાન) સાથે પણ એ જ થયું. આ સંબંધોને લીધે માર્કેટ ગરમ હતું – ગાજ્યું પણ હતું. આમ છતાં, જાણે વણ -લખ્યો કરાર હોય તેમ એ ત્રણેયે એકમેક માટે ક્યારેય કશી ટકોર- ટીકા કરી નથી..!

આ બધા વચ્ચે એક વાર જાહેરમાં દિલીપકુમારે કહ્યું પણ હતું: ‘‘રાજ- દેવ અને હું એકબીજાના ક્યારેય પ્રતિસ્પર્ધી રહ્યા નથી અને રહીશું પણ નહીં. અમે તો એકબીજાના સમકાલીન છીએ. અમે એકબીજાનાં કામની કદર કરીએ છીએ!’’ આમ ત્રણ ત્રણ જબરદસ્ત કલાકાર નજર સામે હાજર હોય ત્યારે સહેજે એમને પોતાની ફિલ્મમાં સાથે ચમકાવવાની લાલચ કોઈ પણ નિર્માતા- દિગ્દર્શકને થાય. નિર્માતા-દિગ્દર્શક મહેબૂબ ખાન આવી હિંમત કરીને દિલીપ -રાજ – નરગીસને ‘અંદાઝ’ ફિલ્મમાં સાથે લઈ આવ્યા. પ્રેમ ત્રિકોણની આ ફિલ્મ ૧૯૪૯ની સુપર હીટ ફિલ્મ પુરવાર થઈ. આવો જ પ્રયોગ દક્ષિણના દિગ્દર્શક એસ.એસ.વાસને પણ કર્યો. દિલીપ -દેવની સાથે  બીના રૉય અભિનીત ૧૯૫૫ની ફિલ્મ ‘ઈન્સાનિયત’ માં વધારાનું આકર્ષણ હતો અમેરિકાથી આયાત કરેલો એક ચિમ્પાન્ઝી. ફિલ્મ બૉકસ ઑફિસ પર સારી એવી સફળ નીવડી. આમ છતાં એક ફિલ્મ સમીક્ષકે એ વખતે ટીખળ કરતાં લખેલું : ‘‘ફિલ્મમાં દિલીપ-દેવ જેવા નામી ઍકટર હોવા છતાં એ બન્નેને પછાડીને અભિનયમાં મેદાન મારી જાય છે પેલો વાંદરો!’’

એ બન્ને ફિલ્મને મળેલી સફળતા પછી ઘણા નિર્માતાએ દિલીપ – દેવ -રાજને સાથે લાવીને ફિલ્મ બનાવવા બહુ પ્રયાસ કર્યા. એમાં ત્રિપુટીની સંમતિ પણ હતી પણ કોઈ પણ કારણસર એ ક્યારેય શક્ય ન બન્યું.… આજે વખત જતાં ફિલ્મ ઉદ્યોગ વધુ ને વધુ શૉ બિઝનેસ બની રહ્યો છે. કોણ કોનાથી વધુ સમીપ છે ને કોની સાથે પોતાને જરાય સબંધ નથી એ દર્શાવવા આજે ટિવટર’ કે ‘ઈન્સ્ટાગ્રામ’નું શસ્ત્ર વધુ વપરાય છે. પહેલાં એવું ન હતું. ખાસ કરીને, ત્રિપુટીના જમાનામાં. એ ત્રણેય એકમેક સાથે-એકમેકના પરિવાર સાથે કેવા ઘનિષ્ટ સંબંધ હતા એ વિશે જાહેરમાં ઢંઢેરો નહોતા પીટતા. ભાગ્યે જ એમની એ વાતો બહાર આવતી ને આજે પણ જે વાંચવા-સાંભળવા મળે છે એ એમની અધિકૃત જીવનકથા કે આત્મકથા દ્વારા જ જાણવા મળી છે.

લંડનમાં સાજાસમા દેવ આનંદે અચાનક વિદાય લીધી પછી એ ત્રિપુટીના એક માત્ર રહી ગયેલા દિલીપ કુમારે જે હૃદયસ્પર્શી શબ્દોમાં અંજલિ આપી એના કેટલાક અંશ ખરેખર વાંચવા જેવા છે. મિત્ર દેવ અને એની સાથે રાજ વિશે દિલીપ લખે છે…: ‘‘ફિલ્મો મેળવવા એકથી બીજા સ્ટુડિયોમાં અમે ચક્કર કાપતા એ દિવસોમાં દેવ અને હું ઘણી વાર લોકલ ટ્રેનમાં સાથે થઈ જતા ત્યારે પોતપોતાના સંઘર્ષની વાત કરતા અને એકબીજાને આશા ને આશ્વાસન પણ આપતા. રાજ અને મારો પરિવાર તો અમારા પેશાવરના દિવસોથી પાડોશી એટલે મારે રાજ સાથે જૂની મિત્રતા. એમાં દેવ ભળ્યો. પછી તો અમને ત્રણેયને પોતપોતાની રીતે સફળતા મળતી રહી-વધુ ને વધુ વ્યસ્ત થતા ગયા પણ મિત્રતા વધુ ગાઢ રહી. એકબીજાના પરિવારના અવસરે ખાસ હાજરી આપતા.

દેવની બહેન અને દીકરી દેવિનાના લગ્ન મેં અને રાજના પરિવારે માણ્યાં એમ મારી અને સાયરાની શાદીમાં એ બન્ને પરિવારસહ હાજર રહ્યા…. અમે કેટલીક વાર ત્રણેય એક્લા પણ મળતા ત્યારે અમારી ફિલ્મો વિશે ચર્ચા કરતા. નિખાલસપણે ટીકા- ટકોર કરતા પણ એ વાતો ક્યારેય જાહેરમાં ન આવે એવી તકેદારી પણ રાખતા. અમારામાં રાજ જેવો મોજીલો-રંગીલો આદમી એકેય નહીં. એ મારી અને દેવની એવી અદભુત મિમિક્રી કરે કે તમે હસીને બેવડ વળી જાવ. બીજી તરફ, સોહામણા દેવના રેશમી સ્મિત પર બીજા હજારોની જેમ હું પણ ફિદા. હું તો ત્યાં સુધી કહીશ કે આખા ફિલ્મઉદ્યોગમાં દેવ જેવું મારકણું સ્મિત કોઈ પાસે નથી! હું એમ પણ માનું છું કે દેવ પાસે સારી સ્ક્રિપ્ટ હોય તો એણે કમાલની ફિલ્મો પણ સર્જી દેખાડી છે, જેમ કે ‘કાલા પાની’ – ‘હમ દોનો’ અને ‘ગાઈડ’.

દેવ ટાઉનમાં હોય તો મારા બર્થ-ડે પર અચૂક હાજર થાય. હું અને રાજ એને દેવના નામે જ બોલાવતા પણ દેવ મને પેશાવરી લઢણમાં હંમેશા ‘લાલા’ કહીને જ બોલાવે. દર જન્મદિવસે એ મને ભેટી પડીને અચૂક કહે : ‘લાલા, તુ સાલા સો સાલ જિયેગા..!’ મારા ૮૯મા જન્મદિવસ પહેલાં લંડનમાં દેવના અચાનક અવસાનના સમાચાર મને મળ્યા. હું અવાક થઈ ગયો: પહેલા રાજ ગયો પછી દેવ..હવે મને ‘લાલા, તું સો સાલ જિયેગા!’ની બર્થ-ડે વીશ કોણ કરશે?!’’દિલીપકુમારની વાત અહીં પૂરી થઈ. હવે એ પણ જાણી લો કે ૧ ડિસેમ્બરે લંડન પહોંચીને દેવ આનંદે એની ઍપોઈન્ટમેન્ટ ડાયરીમાં આ નોંધ લખી હતી : ‘૧૧ ડિસેમ્બર લાલાનો બર્થ-ડે છે. એને વીશ કરવા રૂબરૂ જવાનું છે.’ ૩-૪ ડિસેમ્બરે લંડનમાં દેવ આનંદનું અવસાન થયું ત્યારે એની ડાયરીમાં આ સૌથી છેલ્લી નોંધ હતી લાલાને મળવા જવાની!

Most Popular

To Top